www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટીઆરપી ગેમઝોનની કરૂણ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે આપેલા એલાનમાં બજારો, શાળા-કોલેજો સામેલ : ચા-પાનના ગલ્લા પણ બંધ

રાજકોટ અગ્નિકાંડ પીડિતોના દુ:ખમાં ભાગીદાર : સ્વયંભુ - સજજડ બંધ


► કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ, ધાનાણી, મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ હાથ જોડીને ખુલ્લી દુકાનો બંધ કરાવી : યુવા કોંગ્રેસ - એનએસયુઆઇની ટીમ શૈક્ષણિક સંસ્થાઓમાં ફરી

સાંજ સમાચાર

► ગુજરાતની સૌથી દુ:ખદ ઘટનાની તપાસમાં નર્યુ નાટક : તમામ બેજવાબદારોને ખુલ્લા પાડવા અવાજ : તપાસ પર ભરોસો નથી : વિપક્ષે રાજકોટમાં રોષનો પડઘો પાડયો

રાજકોટ,તા.25
રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં આજથી બરાબર એક મહિના પહેલા તા. રપ મેના રોજ લાગેલી આગમાં ર7 નિર્દોષ લોકોના જીવતા સળગી જવાથી મૃત્યુ થયાની ઘટના અંગે સીટ, ખાસ તપાસ સમિતિ સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે આજે આ ર7 પરિવારના દુ:ખમાં ભાગીદાર બનવા કોંગ્રેસે આપેલા અર્ધો દિવસ બંધના એલાનને રાજકોટમાં સ્વયંભુ અને સજજડ પ્રતિસાદ મળ્યો છે. આજે સવારથી ચા-પાનની દુકાનો, બજારો, શૈક્ષણિક સંસ્થાઓ બંધમાં જોડાયા હતા અને ન્યાય માંગતા પરિવારજનો સાથે પોતાની લાગણી હોવાની પ્રતિતિ કરાવી હતી. 

ગેમઝોનના અગ્નિકાંડમાં આજ સુધીમાં અધિકારીઓની બદલી, ધરપકડ, સસ્પેન્શન, પુછપરછ, સેંકડો નિવેદન સહિતની કાર્યવાહી થઇ છે. હાઇકોર્ટ દર સુનાવણી વખતે સરકારની ઝાટકણી કાઢે છે. આથી આ બનાવમાં હજુ ઉચ્ચ અધિકારીઓ અને જો કોઇ ચૂંટાયેલા લોકોની ભૂમિકા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની બુલંદ માંગણી આજે પણ કોંગ્રેસે કરી છે. 

આજે સવારે અમુક વિસ્તારમાં ચા-પાન જેવી દુકાનો ખુલી હતી. બજારમાં પણ કેટલીક દુકાનો ખુલતા કોંગ્રેસના આગેવાનોએ વિનંતી કરીને દુકાનો બંધ કરાવી હતી તો મોટા ભાગની સ્કુલ બંધ હોવા છતાં સેલ્ફ ફાયનાન્સ એસો.એ સત્તાવાર રીતે ટેકો આપ્યો ન હોય, અમુક ખુલ્લી શાળા-કોલેજો એનએસયુઆઇએ શાંતિથી બંધ કરાવી હતી. યુવા કોંગ્રેસના આગેવાનો માઇક લઇને વિસ્તારોમાં ફર્યા હતા જયાં વહેલી સવારથી પોલીસનો સજજડ હથિયારધારી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

આજે શહેરના મુખ્ય વેપારી વિસ્તારોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, જીજ્ઞેશ મેવાણી,  ઋત્વિક મકવાણા, શૈલેષ પરમાર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, શહેર પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ નેતાઓ મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સુરેશ બથવાર, રણજીત મુંધવા સહિતના આગેવાનો અને કાર્યકરોની ટીમ ફરી વળી હતી. જુના રાજકોટની પરાબજાર, દાણાપીઠ, ગુંદાવાડી સહિતના વેપારી સંગઠનોએ ગઇકાલે જ બંધને સમર્થન જાહેર કર્યુ હતું.

બાર એસો. પણ કોર્ટ કાર્યવાહીથી દુર રહી છે. ચેમ્બર્સ ઓફ કોમર્સે બંધને ટેકો જાહેર કર્યો ન હોવા છતાં બજારો મોટા ભાગે શાંતિપૂર્ણ બંધ રહેતા આ માહોલ માત્ર રાજકીય નહીં પરંતુ રોષ અને દુ:ખ સાથેનો પણ દેખાયો હતો. 

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટના બાદ 5રિવારજનોને ન્યાય અપાવવા ઉપવાસ આંદોલન બાદ  આજે પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું. એસઆઇટી પર કોંગ્રેસે ભરોસો નહીં હોવાની વાત અનેક વખત કરી દીધી છે ત્યારે સીધા જનતાની અદાલતમાં જઇને સરકારના કાન ખોલવા પ્રયાસ કર્યો છે.

આ ગેમઝોનમાં મહેમાન બની ચૂકેલા અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલા લેવાની આશા લોકોને રહી નથી. પરંતુ કોંગ્રેસ પીડીત પરિવારો માટે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની છે. પુરાવાઓ નષ્ટ કરવામાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

મોરબી સહિત અનેક ઘટનાના આરોપીઓ જેલની બહાર છે. શકિતસિંહ ગોહિલે ગઇકાલે જે લોકોએ દુકાન બંધ ન રાખી હોય તેનો નાનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર મુકવા અનુરોધ કરતા તેના પણ પડઘા પડયા છે.

રાજકોટની લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ, દાણાપીઠ સહીતની અનેક બજારો આજે અડધો દિવસ બંધ રહી છે. ચાની લારી અને દુકાનો, પ્રોવિઝન સ્ટોર અને પાનની દુકાનો બંધ રહી છે. વેપારીઓએ મૃતકોને શ્રધ્ધાંજલીરૂપે અડધો દિવસ બંધ પાળ્યો છે. સોનીબજારમાં પણ આજે સવારે મોટા ભાગના શોરૂમ બંધ રહ્યા હતા. ન્યાયની માંગણીમાં તમામ વેપારી વર્ગ સામેલ થયો છે. 

રાજકોટ હોલસેલ ટેકસટાઈલ એસો.નાં 300 વેપારીઓ પણ આ બંધમાં જોડાયા હતા. જંકશન પ્લોટ, ગાયકવાડી પ્લોટ વેપારી મંડળે બંધને ટેકો આપ્યો હતો. 

શાળા-કોલેજો
શહેરની અનેક શાળાઓએ આજે રજાના મેસેજ વાલીઓને મોકલ્યા હતા. પરંતુ સ્વનિર્ભર શાળા મંડળ સત્તાવાર રીતે બંધમાં જોડાયું ન હોય અનેક સંસ્થાઓ સવારે ખુલી હતી. ત્યાં યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનોએ પહોંચીને શાંતિથી શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કારણે ધકકા પણ થયા હતા. 

મધ્યપ્રદેશ, ઝારખંડ,રાજસ્થાન,મહારાષ્ટ્ર, યુ.પી., બિહાર જેવા રાજયોમાંથી પણ કોંગ્રેસની ટીમ રાજકોટ આવી
રાજકોટ, તા.25

રાજકોટના ગેમઝોનની દુર્ઘટનાના શોકમાં આજે શહેર શોકમય બંધ થયું છે ત્યારે અન્ય રાજયોમાંથી પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રાજકોટ આવ્યા હતા.  મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુ.પી., બિહાર જેવા રાજયોમાંથી 300 કાર્યકરોની ટીમ ગઇકાલે જ રાજકોટ આવી ગઇ હતી.

આજે સ્વયંભુ બંધ પાળવાની સ્થાનિક નેતાઓની અપીલમાં તેઓ પણ જોડાયા હતા અને બજારમાં ફર્યા હતા. જે દુકાનો ખુલ્લી હતી ત્યાં વેપારીઓને  વિનંતી કરીને ધંધા બંધ કરવા અનુરોધ કર્યો હતો. 

Print