www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરમાં ત્રણ ભાઈઓ ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો


કોર્ટ કેસ પાછો ખેંચી લેવા બાબતે હુમલો કર્યાની ત્રણ સામે ફરિયાદ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 25
સુરેન્દ્રનગર શહેરના બાલા હનુમાન રોડ પર અગાઉના કોર્ટ કેસ પાછો ખેંચી લેવા બાબતે 3 શખ્સોએ 3 ભાઇઓ પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.
 જેમાં ઇજાગ્રસ્ત 3 ભાઇઓને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ મામલે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના સિંધવનગરમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઇ સિંધવ બાઇક લઇ બાલા હનુમાન રોડ પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમના કૌટુંબિક ભાઇ રવિભાઈ રણછોડભાઈ સિંધવે તેમનું બાઇક ઉભુ રખાવી અગાઉ કરેલો કોર્ટ કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી પરંતુ ભરતભાઇએ કેસ પાછો ખેંચવાની ના પાડતા રવિભાઇ ઝઘડો કરવા લાગતા ભરતભાઇએ ફોન કરી તેમના ભાઈ હિતેશભાઇને ત્યાં બોલાવ્યા હતા.

દરમિયાન મેહુલભાઇ રણછોડભાઈ સિંધવ અને પીન્ટુ ઉર્ફે મફો રણછોડભાઈ સિંધવ પણ ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરતા ભરતભાઇ, વિપુલભાઇ અને હિતેશભાઇને ઈજાઓ પહોંચી હતી. જેથી સ્થાનિકો દોડી આવતા હુમલો કરનાર ત્રણેય શખ્સો ધમકી આપી નાસી છુટયા હતા. જ્યારે તમામ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ મામલે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસે રવિભાઇ રણછોડભાઈ સિંધવ, મેહુલભાઈ રણછોડભાઈ સિંધવ અને પીન્ટુ ઉર્ફે મફો રણછોડભાઈ સિંધવ વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 

 

Print