www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારના નિષ્ણાંત સંજીવ ભસીન ‘કૃત્રિમ તેજી’ કરાવવામાં સામેલ? સેબીએ તપાસ શરૂ કરી


ડીજીટલ ઉપકરણોની તપાસ: મહત્વના પૂરાવા મળ્યાનો નિર્દેશ

સાંજ સમાચાર

મુંબઇ, તા.26
શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે ઇન્વેસ્ટરોના હિત જાળવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી શ્રેણીબધ્ધ પગલા લઇ જ રહી છે. આઇઆઇએફએલ સિક્યુરીટીઝ સાથે જોડાયેલા માર્કેટ નિષ્ણાંત સંજીવ ભસીનની કથિત ‘ગરબડ’ વિશે સેબીએ તપાસ શરૂ કરતા બજારમાં તીવ્ર પ્રત્યાઘાતો સાથે અનેકવિધ ચર્ચા થવા લાગી છે.

માહિતગાર સૂત્રોએ કહ્યું કે તપાસના ભાગરૂપે સેબી અધિકારીઓએ સંજીવ ભસીનના ડીજીટલ ઉપકરણોની ચકાસણી કરીને પુરાવા એકત્રિત કર્યા હતા. આ મામલે આઇઆઇએફએલ દ્વારા એવી ચોખવટ કરવામાં આવી હતી કે તેઓ ડાયરેક્ટર તરીકે બોર્ડમાં નથી અને કંપની સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ નિયત કરતા વહેલો પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. તેઓનો કોન્ટ્રાક્ટ 30 જુને પૂર્ણ થતો હતો પરંતુ આરોગ્યના કારણોસર 17 જુને જ કાર્યકાળ પૂરો કરી દેવાયો હતો. તેઓએ સેબીની તપાસ વિશે કંપનીનું ધ્યાન દોર્યું હતું. પરંતુ કોઇ વિગતો આપી નહતી.

શેરબજાર માટે સંજીવ ભસીન જાણીતું નામ છે અને માર્કેટના સેન્ટીમેન્ટ તથા શેરો-કંપનીઓ વિશે જાણકારી આપતા હોય છે. સેબીની પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે સંજીવ ભસીન પ્રથમ ખાનગી કંપનીને ચોક્કસ શેર ખરીદવા સુચવતા હતા અને ત્યારબાદ ટેલીવીઝનની ચર્ચા દરમ્યાન તેની ટીપ્સ જાહેર કરતા હતા. તેઓની ટીપના આધારે રીટેઇલ ઇન્વેસ્ટરોની ખરીદી શરૂ થતાં ભાવ ઉંચકાવા લાગ્યા હતા.

અગાઉ નીચા ભાવે ખરીદી કરનારી ખાનગી કંપની તે વેચીને તગડો નફો મેળવી લેતી હતી. સંજીવ ભસીન તથા ખાનગી કંપનીના કનેકશન વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. 

સુત્રોએ એમ કહ્યું કે ડીજીટલ ઉપકરણોમાંથી સેબીને કેટલાંક મહત્વના પુરાવા પણ મળ્યા છે જેમાં તેમની સંડોવણી સાબીત થઇ શકે છે. ભારતમાં શેરબજાર-સેબીના કાયદા એવું સુચવે છે કે જાહેરમાં શેર વિશે ટીપ્સ આપનારી વ્યકિતએ નિયત નિયમોનું પાલન કરવાનું હોય છે. ટીપ્સ ધરાવતી કંપનીના શેરમાં 30 દિવસ પૂર્વે અને પાંચ દિવસ પછીના સમય સુધી તેમાં વેપાર કરી શકતા નથી. આ નિયમનો ભંગ કરવા બદલ આકરી પેન્લીટ સહિતની જોગવાઇ છે.

 

Print