www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જિલ્લા ક્રાઇમ ડાયરી


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગર શહેરના સિટી બી-ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં આવતા વિસ્તારોમાં પોલીસે દેશી દારૂનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર દૂધની ડેરી પાસેના વિસ્તારમાંથી મફતિયા પરામાંથી બી-ડિવિઝન પોલીસે રેડ કરી મહેશભાઇ છનાભાઇ ગળધરિયાને રૂ. 320ની કિંમતના 16 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે બીજી રેડમાં સુરેન્દ્રનગર જીઆઇડીસીના આંબાવાડી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જીતેન્દ્રભાઇ પ્રભુભાઇ મીઠાપરા નામના શખસને રૂ.300ની કિંમતના 15 લીટર દારૂ સાથે પકડી પાડ્યા હતા. બંનેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેમની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ધમકી
લીંબડી ચુડા શહેરમાં રૂાગનાથજી મંદિર પાછળ રહેતાં સુખદેવસિંહ ભુપતસિંહ ઝાલાના દીકરી હિરલબાના લગ્ન કચ્છના મુંદ્રા તાલુકાના ભોરારા ગામે રહેતાં ભુરૂભા જાડેજાના પુત્ર રાજેન્દ્રસિંહ સાથે થયા હતા. ચારેક માસ પહેલાં હિરલબાને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. સાસરીમાં કોઈ સાર સંભાળ કરવાવાળું નહીં હોવાથી હિરલબા અને ભાણેજને ચુડા લઈ આવ્યા હતા.

દારૂ પીધેલી હાલતમાં આવેલ રાજેન્દ્રસિંહે હિરલબાને ઘર બહાર બોલાવીને સસરા સુખદેવસિંહ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. જમાઈએ સસરાને ફડાકા ઝીંકી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સસરા સુખદેવસિંહે જમાઈ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેન્દ્રસિંહને ઝડપી પાડ્યાં હતા.

હુમલો
સાયલા તાલુકાના મોટા ભડલા ગામે કરિયાણાની દુકાન ચલાવતા રણજીતભાઈ ઉર્ફે રણો ગોદડભાઈ મેર દુકાનમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન નાગડકા ગામ રસ્તેથી 3 યુવાન કારમાંથી ઉતરી આવ્યા હતા. એક યુવાને રણજીતભાઈને બંદૂક જેવું સાધન બતાવ્યું હતું. બીજા યુવાને લોખંડનો પાઇપ માર્યો, ત્રીજા વ્યક્તિએ હાથ ઉપર ઘા કરતા નાસભાગ મચી હતી.

વેપારીના પત્ની શારદાબેનને જાણ થતા તે દોડી આવતા પગના ભાગે પાઇપ મારી ત્રણેય યુવાન નાસી છૂટ્યા હતા. આ બાબતે ધજાળા પોલીસે નાના ભડલા ગામના દેવાભાઈ વિભાભાઈ સાનિયા સાથે અગાઉના ઝઘડાના મન દુ:ખને કારણે દેવાભાઈએ હુમલો કરાવ્યો હોવાનું અને 3 અજાણ્યા યુવાને હુમલો કર્યો હોવાથી 4 શખસ સામે ગુનો દાખલ કર્યો હતો.

દારૂ સાથે ઝબ્બે
કાળાસર ગામમાં પોલીસે રેડ પાડતા વિદેશી દારૂ સાથે 2 શખ્સ પકડાઈ ગયા હતા. ચોટીલા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા પોલીસે ગામમાં તપાસ કરતા વાઘુભાઈ અનકભાઈ અને તેમનો પુત્ર ભયલુભાઈ મળતા મકાનમાં તપાસ કરતા રૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ 5 , ચપલા નંગ 62 કુલ 8200નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.દારૂ જાનીવડલાના ભીખુભાઈ પીઠુભાઈ પાસેથી ખરીદયાનુ જણાવતા વાઘુભાઈ અનકભાઈ અને ભયલુભાઈ અનકભાઈ અને ભીખુભાઈ પીઠુભાઈ વિરૂદ્ધ ગુનો નોંધી ચોટીલાના હેડ કોન્સ્ટેબલ ધનરાજ સિંહ વાઘેલા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

Print