www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

T20 World cup 2024 : રોહિત શર્માએ નવા રેકોર્ડ સર્જયા


50 સિકસ મારનાર પહેલો ભારતીય : બાઉન્ડ્રીનો જયવર્દનેનો વિક્રમ પણ તોડયો

સાંજ સમાચાર

ગુયાના, તા. 28
ટી-20 વર્લ્ડ કપ 2024ના સેમિફાઈનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને 2022ના વર્લ્ડ કપનો બદલો પણ લઈ લીધો હતો. સેમિફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમીને ઘણા રેકોર્ડ પોતાને નામે કર્યા હતા.

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોતાના કરિયરમાં એક પછી એક મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ગુરુવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં રોહિતે શાનદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી.

હિટમેને 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેમજ મેચમાં 146.15ના સ્ટ્રાઈક રેટથી 57 રન બનાવ્યા હતા. આ સાથે સિક્સર કિંગે બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપમાં 50 છગ્ગા મારનાર એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયો છે. હવે તે માત્ર ક્રિસ ગેલના રેકોર્ડથી પાછળ છે. જેણે વર્લ્ડ કપમાં 63 સિક્સર ફટકારી છે. રોહિત માત્ર બીજો ખેલાડી છે જેણે 50 સિક્સરનો આંકડો પાર કર્યો છે.

આ સાથે હિટમેને સાબિત કરી દીધું છે કે તેને અસલી સિક્સર કિંગ કેમ કહેવામાં આવે છે. આ મામલામાં ઈંગ્લેન્ડનો જોસ બટલર ત્રીજા સ્થાને છે. જેણે 43 સિક્સર ફટકારી છે.

આ સાથે રોહિતે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેનો પણ મોટો રેકોર્ડ તોડ્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ મહેલા જયવર્દનેના નામે હતો. તેણે 111 ચોગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે 113 ચોગ્ગા ફટકારીને આ રેકોર્ડ પણ ધવસ્ત કરી નાખ્યો. આ ઉપરાંત રોહિત શર્માએ કેપ્ટન તરીકે 5000 રન પણ પૂરા કર્યા હતા.

Print