www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા સ્પીકર પદ માટે TDP જીદ્દે ચડી


નીતિશકુમારે ભાજપ પર છોડયું તો ચંદ્રબાબુ નાયડુના પક્ષે સર્વસંમત ઉમેદવારની વાત મૂકી : ભાજપમાં ચિંતા

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 17
દેશમાં ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના શપથ લીધા બાદ સંસદનું પ્રથમ સત્ર ર4 જુનથી શરૂ થશે. આ સત્ર આઠ દિવસ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણીના આ સત્રના ત્રીજા દિવસે ર6 જુને થવાની છે. આ ચૂંટણી પહેલા વિપક્ષ વારંવાર આગ્રહ કરી રહ્યો છે કે એનડીએના સહયોગી પક્ષો પાસે લોકસભા સ્પીકરનું પદ હોવું જોઇએ. 

આ મુદ્દે નીતિશકુમારના જનતા દળે (યુ) સ્પષ્ટ કર્યુ છે કે ભાજપ જે નિર્ણય લેશે પાર્ટી તેનું સમર્થન કરશે. પરંતુ ટીડીપીએ કહ્યું છે કે ગઠબંધનમાં તમામ પક્ષોની સહમતિથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે. ટીડીપીની આ શરતના કારણે સ્પીકરપદની ચૂંટણી બાબતે ભાજપમાં થોડી ચિંતા પેઠી છે. 

જનતા દળ(યુ)ના નેતા કેસી ત્યાગીએ શનિવારે કહ્યું કે જેડીયુ અને ટીડીપી એનડીએમાં સહયોગી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકિત ઉમેદવારને સમર્થન કરશે. કેસી ત્યાગીએ કહ્યું કે, જનતા દળ (યુ) અને તેલુગુ દેશમ પાર્ટી એનડીએમાં મજબુતીથી છે. અમે ભાજપ દ્વારા નામાંકિત વ્યકિતનું સમર્થન કરીશું.

ટીડીપીના રાષ્ટ્રીય પ્રવકતા પટ્ટાભી રામ કોમરેડ્ડીએ કહ્યું કે સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને જ સ્પીકર પદ મળશે. તેમણે કહ્યું, આ અંગે એનડીએ સહયોગીઓ સાથે બેસીને નકકી કરશે કે સ્પીકર માટે અમારો ઉમેદવાર કોણ હશે. સર્વસંમતિ થયા પછી જ ઉમેદવારને મેદાનમાં ઉતારવમાં આવશે અને ટીડીપી સહિત તમામ સહયોગી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.

દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્મયંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, માત્ર ટીડીપી અને જેડીયુ જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતા લોકસભા સ્પીકર પદની ચૂંટણીની આતુરતાથી જોઇ રહી છે. જો ભાજપનો ભવિષ્યમાં કોઇ બિનલોકતાંત્રિક કૃત્ય કરવાનો ઇરાદો ન હોય તો તેમણે સ્પીકરનું પદ સાથી પક્ષને જ આપવું જોઇએ.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, લોકસભા સ્પીકરનું પદ એનડીએ ગઠબંધનમાંથી કોઇ નેતાએ મળવું જોઇએ. ચંદ્રબાબુ નાયડુએ લોકસભા સ્પીકરનું પદ માંગ્યુ છે. અને જો તેમને આ પદ ન મળે તો અમે સુનિશ્ચિત કરીશુ કે ટીડીપી  ઉમેદવારને ઇન્ડિયા ગઠબંધનનું સમર્થન મળે. લોકસભા અધ્યક્ષપદની લડાઇ મહત્વપૂર્ણ છે. આ વખતે સ્થિતિ 2014 અને 2019 જેવી નથી. સરકાર સ્થિર નથી.

અમે સાંભળ્યું છે કે, ચંદ્રાબાબુ નાયડુએ લોકસભા સ્પીકરનું પદ માંગ્યુ છે. જો એનડીએના ઉમેદવારને આ પદ ન મળે તો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટીડીપી, જેડીયુ અને એલજેપી (રામ વિલાસ)ને તોડી શકે છે. જો ચંદ્રાબાબુ નાયડુને આ પદ નહીં મળે તો અમે ખાતરી કરીશુ કે તેમના ઉમેદવારને ઇન્ડિયન ગઠબંધનનું સમર્થન મળે.

Print