www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એસઓજીની ટીમે વહેલી સવારે પાંચ દિવસ રેકી કરી ગુજસીટોકના આરોપી સરતાજ ખીયાણીને દબોચ્યો


શહેરના સીમાડાની દરગાહમાં પડયો રહેતો કુખ્યાત શખ્સ અઠવાડીયામાં એકવાર ઘરે આવતો: પંટરોને શોધી જુગાર રમાડી લેતો અને બાદમાં અજમેર ભાગી જતો: આરોપી ગુજસીટોકના ગુનામાં જામીન પરથી છુટયા બાદ એક વર્ષથી ફરાર હતો

સાંજ સમાચાર

રાજકોટ તા.25
 ભીસ્તીવાડની કુખ્યાત ખીયાણી ગેંગ સામે થયેલ ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ સરતાજ ખીયાણી એક વર્ષ પહેલા વચગાળાના જામીન પર છુટયા બાદ ફરાર થઈ ગયો હતો. જેમને એસઓજીની ટીમે વહેલી સવારે સતત પાંચ દિવસ રેકી કરી જંકશન પ્લોટમાંથી દબોચી લીધો હતો. કુખ્યાત શખ્સ શહેરના સીમાડાની દરગાહમાં પડયો રહેતો અને અઠવાડીયામાં એકવાર ઘરે આવતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દબોચી મોટી કાર્યવાહી કરી હતી.

 શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાએ નાસતા ફરતા આરોપીઓને પકડવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ જે.એમ. કૈલાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી ત્યારે એએસઆઈ ફીરોજ શેખ, હે.કો. ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિરદેવસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે ગુજસીટોકના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન પર છુટયા બાદ એક વર્ષથી ફરાર સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી (ઉ.42) રહે. સ્લમ કવાર્ટરની બાજુમાં ભીસ્તીવાડને જંકશન પ્લોટ શેરી નં.8માંથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
 

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર કુખ્યાત સરતાજ ખીયાણી પેરોલ જંપ કરી નાસી છુટયા બાદ જામનગર રોડ, કુવાડવા રોડ, મોરબી રોડ, સહિતના શહેરના સિમાડામાં આવેલ દરગાહમાં પડયો પાથર્યો રહેતો હતો. અઠવાડીયામાં એકવાર ઘરે આવતો અને નાના મોટા પંટરોને શોધી જુગાર રમાડતો હતો. જેમાં જીતેલા નાણામાંથી થોડા રૂપિયા ઘરે આપી બાકી વધેલા રૂપિયા લઈ ટ્રેન મારફતે અજમેર ભાગી જતો હતો. તે વહેલી સવારે જ ફાટેલા તૂટેલા કપડા પહેરી ઘરે આવતો હોવાની બાતમી મળી હતી. જેથી એસઓજીની ટીમે છેલ્લા પાંચ દિવસથી વહેલી સવારે પાંચથી આઠ રેકી કરી હતી. ત્યારે ગઈકાલે વહેલી સવારમાં આબાદ દબોચાઈ ગયો હતો.

♣મુખ્યત્વે સામેથી જ હાજર થતો સરતાજ પહેલીવાર પકડાયો: ડીસીપી ક્રાઈમે અભિનંદન પાઠવ્યા
 ભીસ્તીવાડની ગેંગનો મુખ્ય સાગ્રીત કહી શકાય તે સરતાજ ખીયાણી સહિતની ગેંગે શહેરમાં ઉત્પાત મચાવ્યો હતો. જેથી પોલીસે ગુજસીટોકના કાયદાનું હથીયાર ઉગામી ગેંગને જેલ ભેગી કરી હતી. ઉલ્લેખનીય છે કે અનેક ગુનામાં સંડોવાયેલો સરતાજ ખીયાણી મુખ્યત્વે સામેથી જ પોલીસમાં હાજર થતો હતો. પ્રથમવાર એસઓજીની ટીમે સતત પાંચ દિવસ મહેનત કરી આરોપીને પકડી લેતા ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે એસઓજીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

♣સરતાજ ખીયાણી ફાટેલા કપડા પહેરતો અને મોબાઈલ પણ ન રાખતો
 એસઓજીની ટીમે પકડેલા ગુજસીટોકના આરોપી સરતાજ ખીયાણી ફાટેલા તૂટેલા કપડા જ પહેરતો તેમજ શહેરના કોઈ વ્યકિત સાથે સબંધ પણ રાખતો ન હતો. તેમજ તે પકડાઈ ન જાય તે માટે મોબાઈલનો ઉપયોગ પણ કરતો ન હતો.

Print