www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો એક લાખના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા


સાંજ સમાચાર

જામનગર તા.17:

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં છ દિવસ પહેલાં થયેલ ઘરફોડીના ગુન્હાનો સિટી સી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલ્યો છે અને આ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને રૂપિયા એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આજથી છ દિવસ પહેલાં તા.11ના રોજ રહેણાંક મકાનમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રોકડ રકમ, સોના-ચાંદી તેમજ મોબાઇલ ફોન સહિત રૂા.146500 ની ચોરી કરી નાશી ગયા હતાં. જે ચોરીના બનાવની સિટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હતી.

આ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા માટે સિટી સી ડિવિઝન સર્વેલન્સ સ્કોવડના માણસો તેમજ ઉદ્યોગનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજા તેમજ કોન્સ્ટેબલ હોમદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે શહેરના દિ.પ્લોટ 49 રોડ પર મામા સાહેબના મંદિરની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં અમુક શખ્સો ચોરીના સામાનની આપ-લે કરી રહ્યાં છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ઉપરોક્ત સ્થળે રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન પોલીસે પ્રકાશભાઇ ઉર્ફે કાનો ભાણજીભાઇ પરમાર (રહે.શંકર ટેકરી, સિધ્ધાર્થ કોલોની શેરી નં.14, જામનગર), દિલીપભાઇ નાનજીભાઇ જાદવ (રહે.ન્યુ ઇન્દિરા કોલોની, ખેેતીવાડી શેરી નં.4-5 વચ્ચે હિરાભાઇના વોર્ડની બાજુમાં જામનગર), મયુરભાઇ વાલજીભાઇ ચાવડા (રહે.શંકરટેકરી, સિધ્ધાર્થ કોલોની શેરી નં.17, જામનગર) અને નીખીલભાઇ રમેશભાઇ ચાવડા (રહે.શંકરટેકરી, સિધ્ધાર્થ કોલોની શાળા નં.12ની પાછળ, સમાજની વાડી પાસે, જામનગર) નામના ચાર શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે ઝડપાયેલા તમામ શખ્સોની પૂછપરછ કરતાં તેઓએ શંકરટેકરીમાં થયેલ ચોરી તેઓએ કરી હોવાનું કબુલ્યું હતું.

પોલીસે ઝડપાયેલા શખ્સોના કબ્જામાંથી રૂા.12000 ની કિંમતની સોનાની 1 જોડી ઇયરીંગ (બુટી), રૂા.30,000 ની કિંમતનો સોનાનો હાર, રૂા.15,000 ની કિંમતનું સોનાનું બાજુબંધ, રૂા.3000ની કિંમતના ચાંદીના ત્રણ જોડી સાકળા, રૂા.3000 ની કિંમતની એક નંગ સોનાની બુટી, રૂા.4000ની કિંમતનો ચાંદીનો એક જૂડો, રૂા.16500 ની રોકડ અને રૂા.22,000 ની કિંમતના બે નંગ મોબાઇલ સહિત કુલ રૂા.1,05,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ કાર્યવાહી પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.બી.બરબસિયા, આર.ડી.ગોહિલ તથા સર્વેલન્સ સ્કોવડના પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, ખીમશીભાઇ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ પરમાર તથા ઉદ્યોગનગર પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ધર્મેશભાઇ મોરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી. 

Print