www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાંકાનેરના કોઠી ગામે હત્યાની કોશિશ-રાયોટિંગના કેસમાં કોર્ટે છ આરોપીઓને 10 વર્ષની સજા કરી


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી, તા.26

વાંકાનેર તાલુકાનાં કોઠી ગામે છેડતી કરવા મુદે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની બંને પક્ષેથી સામસામી ફરિયાદ પણ નોંધાયેલ હતી. જે બંને કેસ મોરબીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યા હતા તેવામાં આજે એક કેસનો ચુકાદો આવેલ છે જેમાં કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવોઓને ધ્યાને રાખીને 6 આરોપીઓને 10 વર્ષની સજા અને 1.20 લાખનો દંડ કર્યો છે.

હાલમાં આ કેસની માહિતી મોરબીના મદદનીસ સરકારી વકીલ પાસેથી મળી રહી છે તે મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં કોઠી ગામે સતાભાઈ લાખાભાઈ મુંધવા (35)એ તા 11/9/2004 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડુ સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા, નાગજી દેવા સરૈયા રહે. બધા જ કોઠી ગામ વાળાની હત્યાની કોશિશ અને રાયોટિંગની ફરિયાદ નોંધાવેલ હતી.

જેમાં તેને જણાવ્યુ હતું કે છેડતી કરવા મુદે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેથી નવઘણ દેવાભાઈએ સમાધાન માટે ખેતા ખેંગારભાઈને કહ્યું હતું બાદમાં ફરિયાદી તેમજ રાઘવભાઈ ખેંગારભાઈ અને હઠાભાઈ ખેંગારભાઈ ઘરે હતા ત્યારે આરોપીઓએ તેના ઘરે લાકડીઓ લઈને આવીને હુમલો કર્યો હતો. જે ગુનામાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસ મોરબી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ કરેલ દલીલો અને મૌખિક 23 તેમજ દસ્તાવેજી 62 પુરાવા ધ્યાને લઈને કોર્ટે 6 આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 1.20 લાખનો દંડ કર્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, જે તે સમયે સાત આરોપીઓની સામે ગુનો નોંધાયો હતો. અને કેસની ટ્રાયલ દરમ્યાન આરોપીઓ પૈકીનાં રૈયા જગમાલ સરૈયાનું અવસાન થયેલ છે. જેથી કરીને કોર્ટે હાલમાં 6 આરોપીઓને સજા ફટકારી છે અને ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ- 357 (3) અનુસાર અપીલ પીરીયડ બાદ આ આ ઘટનામાં ઈજા પામેલા હઠાભાઈ ખેંગારભાઈને બે લાખ રૂપિયા અને આરોપીઓ દંડની રકમ ભરે તો તે સહિત કુલ 3.20 વળતર પેટે આપવા હુકમ કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ આ બનાવમાં સામસામે ફરિયાદ નોંધાયેલ હતી જે પૈકીનાં એક એકનો આજે ચુકાદો આવી ગયેલ છે અને બીજા કેસનો આવતીકાલે તા. 26 ને બુધવારે ચુકાદો આવશે. તેવું સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે.

Print