www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાણી વેરો લેવામાં શૂરાતન દેખાડતી પાલિકા શહેરીજનોને ચોખ્ખું પાણી આપવામાં ઉણી ઉતરી !


નીલમકુંજ સોસાયટી, છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ગટર મિશ્રિત : પાણીજન્ય બીમારી ફેલાવાનો ભય

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 25
સુરેન્દ્રનગર નગરપાલિકાના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ છે. ત્યારે શહેરની ગાંધી હોસ્પિટલ પાછળ આવેલી 3 સોસાયટીઓ નિલમકુંજ સોસાયટી, શિવમ સોસાયટી અને મહાવીર સોસાયટીમાં છેલ્લા 20 દિવસ કરતા વધુ સમયથી પીવાના પાણી સાથે ગટરનું પાણી મિશ્રણ થઈને આવતુ હોવાની રહીશો પરેશાન થઈ ગયા છે.

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ પાણીથી હીલોળા ભરતો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. છેવાડાના વિસ્તારોમાં પાણી મળતુ નથી.
 ત્યારે જયાં પાણી મળે છે ત્યાં પણ ગટરના મિશ્રિત પાણી પહોંચતા હોવાની રાવ ઉઠી છે. 

મળતી માહિતી મુજબ શહેરની ગાંધી હોસ્પિટલ પાછળ આવેલી નીલમકુંજ સોસાયટી, શીવમ સોસાયટી અને મહાવીર સોસાયટીમાં છેલ્લા 20 દિવસ કરતા વધુ સમયથી ગટરનું પાણી મીશ્રાણ થઈને આવે છે. 

આ ત્રણેય સોસાયટીમાં અંદાજે 100થી વધુ પરીવારો આ ગટર મીશ્રીત પાણીથી પરેશાન થઈ ગયા છે.  આ અંગે નીલમકુંજ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ રાઠોડે જણાવ્યુ કે, હાલ ઉનાળામાં પાણીની તાતી જરૂરીયાત રહે છે.  ત્યારે પાલિકા દ્વારા અપાતુ પાણી ગટર મીશ્રીત આવતુ હોવાથી પીવા અને વાપરવા માટે પાણીની તકલીફ રહે છે. 

ગટર મીશ્રીત આવતા પાણી પીવા તો શું વાપરવાના કામમાં પણ આવતા નથી. પાલીકા પાણી વેરો ઉઘરાવવામાં જેવુ શૂરાતન દાખવે છે. તેવુ ચોખ્ખુ પાણી આપવામાં શૂરાતન દાખવે તે જરૂરી છે. અગાઉ પણ આવુ પાણી અમારા ઘરોમાં આવતુ હતુ. પરંતુ ત્યારબાદ થોડો સમય ચોખ્ખુ પાણી આવ્યા બાદ ફરી ગટર મીશ્રીત પાણી છેલ્લા 20 દિવસથી આવે છે. અમારા વિસ્તારમાં કયાંક પાણીની પાઈપ લાઈન રીપેર કરવામાં આવે કે તુરંત અમારા ઘરોમાં ગટરના પાણી મીશ્રીત થઈને નળમાં આવવા લાગે છે.

Print