www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી પોલીસના ચોપડે સોનાનો ભાવ રૂ.25 હજાર!


જેપુર ગામની ચોરીમાં માત્ર 9.62 લાખનો માલ ગયાની ફરિયાદ નોંધાઇ: કુલ પાંચ મકાનમાં હાથફેરો કરનાર તસ્કરોની શોધખોળ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.22
મોરબીના જેપુર સોમવારે રાતે તસ્કરોએ પૂર્વ સરપંચ સહિત પાંચ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા અને તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનમાંથી કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને રોકડા રૂપિયા તેમજ 28 તોલા સોનાના દાગીના ગયા હતા જેની વર્તમાન કિંમત મુજબની કુલ રકમ 25 લાખ રૂપિયાથી વધુ થાય છે જો કે, પોલીસના ચોપડે સોનાની એક તોલાની કિમત 25 હજાર ગણીને પોલીસે ફરિયાદ લીધેલ છે તો પણ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 9,62,500 ના મુદામાલની ચોરી થઈ હોવાનો ગુનો અજાણ્યા શખ્સોની સામે નોંધાયેલ છે.

નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં સોમવારે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયાના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે. હાલમાં કુંવરજીભાઇ પટેલ (68)ની ફરિયાદ લેવામાં આવેલ છે.

કોઇ અજાણ્યા ચોરે તેના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ આશરે ત્રણ લાખ, સોનાના બે ડોકીયા આશરે બે તોલાના 50,000, સોનાની પાંચ જોડી બુટી આશરે ચાર તોલા 1,00,000, સોનાની વીંટી નંગ- 6 આશરે સાડા ચાર તોલા 1,12,500, સોનાના ચાર ચેઇન આશરે પાંચ તોલાના 1,25,000, સોનાની બંગડી ચાર નંગ આશરે ચાર તોલા 1,00,000, સોનાનું કડુ આશરે સાડા ત્રણ તોલાનું 87,500, સોનાની વીંટી ત્રણ નંગ આશરે બે તોલા 50,000, સોનાનો ચેઇન આશરે દોઢ તોલાનો 37,500 એમ કુલ મળીને આશરે રૂપીયા 9,62,500 ના મુદામાલની ચોરી કરેલ છે.

આ ઉપરાંત ગામમાં રહેતા વીરલભાઇ પ્રભુભાઇ સાણંજા, મગનભાઇ મહાદેવભાઇ સેરસીયા, હરેશભાઇ નરભેરામભાઇ સાણંજા તેમજ હરેશભાઇ ચંદુલાલભાઇ સાણંજાના ઘરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેથી વૃદ્ધે નોંધેવાલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજની તારીખે એક તોલા સોનાનો ભાવ 77,000 ચાલી રહ્યો છે ત્યારે જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના રહેણાંક મકાનને નિશાન બનાવીને તકરો તેના ઘરમાંથી અંદાજે 25 તોલા જેટલા સોનાના દાગીના લઈ ગયેલ છે જેની વર્તમાન બજાર કિંમત 19.25 લાખ થાય તેમ છે અને રોકડા રૂપિયા વધુ ગયા છે જો કે, સરકારી ચોપડે કેમ ઓછી રકમ લેવામાં આવી છે તે પણ એક સવાલ છે ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તસ્કરોને રોકવામાં નિષ્ફળ રહેલ પોલીસે ચોરીનો આંકડો નીચો લાવવા માટે સોનાની રકમ બજાર કિંમત મુજબ ન દર્શાવીને ફરિયાદ લીધેલ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રિના અંધારામાં ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી પૂર્વ સરપંચ અને તેના પત્ની બહારના ભાગે ઘરમાં ફળિયામાં સૂતા હતા અને તેના બે દીકરા અગાશી ઉપર સૂતા હતા તેઓને સૂતા રાખીને તસ્કરો ઘર સાફ કરીને ચાલ્યા ગયેલ છે ત્યારે આ આરોપીઓને પકડવા માટે હાલમાં તાલુકા પોલીસ સહિતની ટીમો દ્વારા જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવેલ છે. આ ફરિયાદ સોનાનો ભાવ રૂા.25 હજાર જેવો ગણાયો છે.

Print