www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચિંતાજનક / અમેરિકામાં એક વર્ષમાં 19 લાખ અકસ્માતો થાય છે, જેમાં 36560 લોકોના મોત થાય છે

ભારતમાં દરરોજ 1263 માર્ગ અકસ્માતો થાય છે, સરેરાશ 461 લોકોનાં મોત


દેશમાં દર વર્ષે ચાર લાખથી વધુ માર્ગ અકસ્માતો થાય છેઃ વિકસિત દેશોની તુલનાએ ભારતમાં અકસ્માતની સંખ્યા ઘણી વધારે

સાંજ સમાચાર

નવી દિલ્હી : ભારતમાં દરરોજ 1263 માર્ગ અકસ્માતો થાય છે. જો 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 461 લોકોના મોત થાય છે. દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ એવી અપેક્ષા હતી કે માર્ગ દુર્ઘટનાઓની સંખ્યા ઘટશે, પરંતુ તેમ થયું નથી. બીજી તરફ અમેરિકામાં એક વર્ષમાં 19 લાખ માર્ગ અકસ્માત થાય છે, પરંતુ તેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા માત્ર 36560 હોય છે.

પાંચ વર્ષ પહેલા અમલમાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડની રકમમાં અનેકગણાનો વધારો કરાયો હતો. તેની પાછળનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે ચાર લાખથી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને આ અકસ્માતોમાં મરનાર લોકોની સંખ્યા જોઈએ તો ભારતે ઘણા વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે.

2022માં 1,68,491 લોકોના મોત રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા “રોડ એક્સિડન્ટ્સ ઇન ઇન્ડિયા-2022' શીર્ષક સાથેના વાર્ષિક અહેવાલ મુજબ, સમગ્ર દેશમાં વર્ષ 2022માં 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયાં હતાં. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા 66.5 ટકા લોકો 18 થી 45 વર્ષની વયના હતા જેમાંથી ઉત્તર પ્રદેશમાં 22,595 લોકોના મોત થયા હતા.

2022માં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સૌથી વધુ માર્ગ અકસ્માતો તમિલનાડુમાં નોંધાયા છે. આ રાજ્યમાં 64,105 માર્ગ અકસ્માતો થયા હતા. એ પછીના ક્રમે મધ્યપ્રદેશ આવે છે. અહીં 54,432 માર્ગ અકસ્માતો થયા હતા. માર્ગ અકસ્માતમાં સૌથી વધુ લોકોના મોત ઉત્તર પ્રદેશમાં થાય છે. આ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 22,595 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં આ આંકડો 17,884 રહ્યો છે.

આ દિગ્ગજ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા  
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાનિ જૈલસિંઘ, કોંગ્રેસ નેતા રાજેશ પાયલટ, ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી ગોપીનાથ મુંડે અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માથી લઈને ટાટા જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રી સુધી, ઘણા લોકો માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતાં.

Print