www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેકેશનની રજાઓમાં પર્યટકોનો ગોવા તરફ ધસારો; એર લાઈન્સ કંપનીએ એરફેર વધાયુર્ં


ગઈકાલે ગોવાનું ભાડુ રૂા.16 હજારે પહોંચ્યું હતું: દિલ્હી, મુંબઈની ડેઈલી ફલાઈટો ફુલ ઉડવા લાગી

સાંજ સમાચાર

રાજકોટ,તા.24
લોકસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવા સાથે શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશનની રજાઓની શરૂઆત થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ દેશ-વિદેશના પર્યટન સ્થળોની સહેલગાહ માટે ઉમટી રહ્યા છે.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દિલ્હી, મુંબઈ બાદ હવે સાપ્તાહિક ગોવાની ફલાઈટમાં પણ મુસાફરોનો ટ્રાફિક વધતા એર લાઈન્સ કંપનીએ તકનો લાભ લઈ એરફેરમાં વધારો ઝીંકી દીધો છે.

ગોવાના એરફેરમાં વધારો થતા હવાઈ માર્ગે ગોવા જવું વધુ મોંઘુ બન્યું છે. દેશના પર્યટન સ્થળોમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓને ગોવા ફેવરીટ હોવાથી રાજકોટ એરપોર્ટથી સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન ભરતી ગોવાની ફલાઈટ ફુલ ઉડવા લાગી છે. સપ્તાહમાં મંગળ, ગુરૂ, શનિવારે રાજકોટ-ગોવાની સીધી ફલાઈટનું એરફેર બમણું થયું છે.

ગઈકાલે ગુરૂવારે એરફેર રૂા.16 હજાર સુધી રહ્યું હતું. અગાઉ રૂા.6થી 7 હજારના એરફેરની સરખામણીએ હાલ રૂા.16 હજાર સુધી પહોંચતા હવાઈ માર્ગે સીધા ગોવા આવવા-જવાનું વધુ ખર્ચાળ બન્યું છે.

ચારધામ યાત્રા સહિતના અન્ય પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર પ્રવાસન સ્થળોએ જવા પ્રવાસીઓની સંખ્યા વધતા દિલ્હીનું એરફેર પણ ત્રણ ગણું વધુ છે. હાલ વેકેશનની રજાના દિવસોમાં દિલ્હી, મુંબઈની ડેઈલી ફલાઈટ અને ગોવાની સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન ભરતી સીધી ફલાઈટ ફુલ ઉડી રહી છે. દિલ્હી, મુંબઈ બાદ ગોવાનાં એરફેરમાં પણ એર લાઈન્સ કંપનીએ વધારો કર્યો છે.

 

Print