www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદમાં રાત્રે ધોધમાર બે ઇંચ વરસાદ : જર્જરીત મકાન પડતા બે વ્યકિતઓ ફસાયા


વીજળીના કડાકા ભડાકા વચ્ચે વૃક્ષ ધરાશાયી : અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા

સાંજ સમાચાર

અમદાવાદ, તા. 25
અમદાવાદમાં ગત મોડી રાત્રે 12.30 કલાકે વરસાદ શરૂ થતા બે કલાકમાં શહેરના વિરાટનગર, ઓઢવ, રખિયાલ, સૈજપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપૂરા, વાડજ, આશ્રમ રોડ પર પણ બે ઇંચ વરસાદ પડ્યો હતો તો રાણીપ, ચાંદખેડા, પાલડી, એલીસબ્રીજ, દુધેશ્રર, જમાલપુર, શાહપુર, ઠક્કરનગર, નિકોલમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

પશ્ચિમ વિસ્તારના બોપલ, સરખેજ, જોધપુર, મક્તમપુરા, બોડકદેવ, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ નરોડા, મેમકો, ઉસ્માનપુરા, આશ્રમરોડ, પાલડી, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાં પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વહેલી સવાર સુધી પાણી ભરાયેલા હતા.

નિકોલ રોડ અને ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ઝાડ ધરાશાયી થતા ઝાડને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારે વરસાદના પગલે રાયપુર વિસ્તારમાં ચકલેશ્વર મહાદેવ પાસે લાલા વસાણી પોળમાં બે માળના મકાનનો અમુક ભાગ જર્જરિત હાલતમાં હતો. જે વરસાદના કારણે પડી જતાં 2 વ્યક્તિ ફસાયા હતા. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાય ગયા હતા. 30 મિનિટમાં વરસાદના પગલે રોડ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમોશન કામગીરીની પોલ ખોલતા દૃશ્યો દેખાયા હતા. સરસપુર અનુપમ પ્રાથમિક શાળાની બહાર જ પાણી ભરાયેલા હતા. જેના પગલે બાળકોએ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. 

અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડામાં સારો  વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ અમદાવાદમાં વરસાદી માહોલ છે અને ચાલુ સપ્તાહમાં નોંધપાત્ર વરસાદ પડવાની પૂરી શકયતા છે. 

Print