www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાયલા પંથકમાં વરસાદી વાતાવરણમાં વીજ કરંટ લાગવાની બે ઘટના : મહિલાનું મોત


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 1
સાયલા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે બનેલા બે વીજ અકસ્માતમાં મહિલાનું સારવારમાં મોત નિપજયું હતું. જયારે યુવાનને વીજ આંચકો લાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.સાયલા-મૂળી રોડ પર તથા ગંગાનગરની સીમમાં બનેલ બન્ને બનાવો વાડી વિસ્તારમાં બનવા સાથે ખુલ્લા વીજ વાયરને કારણે થયેલા અકસ્માતમાં એક માનવ જિંદગી હોમાઇ જવા પામી હતી.

ડોળીયા ગામના લક્ષ્મણભાઇ ડોડીયાનો પરીવાર સેજકપરના પેટા પરા ગંગાનગર પાસેની સીમમાં વાડી ખેતી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે શુક્રવારે બપોરે વાડીએ રહેલા તેમના દાદીમા, પુત્રી તેમજ સગર્ભા પત્ની ભાવીનાબહેનને ઓરડી નજીક ખુલ્લા વાયરને અડકતા ભયંકર વીજ શોક લાગ્યો હતો.

એથી ભાવીનાબહેનને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જયારે વૃધ્ધ માજી તથા નાની બાળકીનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત ભાવીનાબહેન ડોડીયાને પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું કરુણ મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાઇ જવા પામ્યું હતું.મૃતક ભાવીનાબહેનને 7 માસનો ગર્ભ હતો તેમજ સંતાનમાં તેમને ત્રણ દિકરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હાલ તો 3 સંતાનોએ માતાનો આધાર ગુમાવ્યો છે ત્યારે મૃતક સગર્ભા મહીલાની લાશનું રાજકોટ સિવિલમાં પીએમ કરાવાયું હતું. 

સાયલા-મૂળી રોડ પર રાતડકા હનુમાનજી મંદિર વિસ્તારમાં બનેલ બીજા બનાવમાં ભાગવી વાડી વાવતા મનોજભાઇ ધનજીભાઇ ખાવડીયા ટીસીમાં છેડા આપવા જતા વીજ શોક લાગ્યો હતો. ઇજાગ્રસ્ત મનોજભાઇને સાયલામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Print