www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નીલગાય આડી આવતા કિયા કારનો ભુક્કો થતા બેનાં મોત


ગાયને બચાવવા જતા સુરતથી વતન જઈ રહેલા પરિવારની કાર ઝાડમાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

સાંજ સમાચાર

પાટણ, તા.17
પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો થયો હતો. કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેથી કિયા કારનો ભુક્કો બોલી ગયો હતો. 

ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ખુશીઓનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો.

ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ
પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે બે વાગ્યા આસપાસ રાત્રે વતનમાં આવી રહ્યો હતો. તે દરમિયાન વાગડોદથી વાદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઊતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા ગાડી ચોકડીઓમાં બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પરિવારના છ સભ્યોને ઈજા પહોંચી હતી. જેમાં એક બાળક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત 4 લોકોમાંથી એકની હાલત ગંભીર છે.

હોસ્પિટલમાં ભારે શોકમય વાતાવરણ બન્યું
સુરત રહેતો પરિવાર પોતાના વતનમાં માતાજીનો પ્રસંગ હોવાથી આવી રહ્યો હતો. ત્યારે રાત્રે તેઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષના મોહિતકુમાર મહેશભાઈ દેસાઈનું અને 65 વર્ષીય ઈશાબહેન જીવાભાઇ દેસાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ માં સારવાર હેઠળ છે. 

આ બનાવને પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ બન્યું હતું.

 

 

Print