www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

141 શહેરોના અભ્યાસના આધારે ભુવનેશ્વર આઈઆઈટીનો ચોંકાવનારો રીપોર્ટ

હીટવેવ માટે શહેરીકરણ જવાબદાર: 3 દાયકામાં ગરમી 90 ટકા સુધી વધશે


શહેરોમાં ગરમી હાલ 60 ટકા વધી ગઈ છે: એક દાયકામાં સરેરાશ 0.2 ડીગ્રીનો જયારે અમદાવાદમાં 0.45 ડીગ્રીનો વધારો: ટાયર-ટુ શહેરો વધુ પ્રભાવિત થવાની ચેતવણી

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.25

દેશના પાટનગરથી નાના-મોટા શહેરો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે એક નવા સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વધતુ શહેરીકરણ પણ ગરમીના આ પ્રકોપ પાછળ જવાબદાર છે. શહેરોમાં ગરમીનું સ્તર 60 ટકા વધી ગયુ છે અને આવતા ત્રણ દાયકામાં શહેરી વસ્તી ડબલ થવા સાથે ગરમીનું સ્તર 90 ટકા થઈ શકે છે.

સંશોધનમાં થયેલા દાવા પ્રમાણે ભારતના ટિયર-ટુ શહેરો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ભુવનેશ્વર સ્થિત આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ આ સંશોધન રિપોર્ટ તૈયાર કર્યો છે. દેશમાં હાલ ભયંકર હીટવેવનો દોર ચાલી રહ્યો છે. દિલ્હી ઉપરાંત ઉતરપ્રદેશ, બિહાર, ગુજરાત સહિતના રાજયોના નાના શહેરોમાં પણ તાપમાન 45 ડીગ્રીથી વધી ગયુ હતુ.

વૈજ્ઞાનિકો દ્વારા ભારતના 141 શહેરોમાં વધતા તાપમાન મામલે શહેરીકરણ તથા લોકલ કલાયમેટ ચેન્જ વિશે અભ્યાસ હાથ ધર્યો હતો અને આ માટે ઉપગ્રહથી મેળવાયેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શહેરોમાં વધતા તાપમાન માટે કોંક્રીટ-ડામરના ઉપયોગ, પવનની ગતિમાં બદલાવ તથા વધતી માનવીય ગતિવિધિને જવાબદાર ગણવામાં આવે છે. આ કારણોથી ધરતી વધુને વધુ ગરમ થઈ રહી છે. શહેરોમાં વસ્તીવધારાથી ગીચતા સર્જાય છે. માળખાકીય સુવિધા વિસ્તારવામાં આવે છે.

પરિણામે લૂ, પુર જેવી કુદરતી ઘટનાઓનો કહેર વધી રહ્યો છે. કલાયમેટ ચેન્જનો પ્રભાવ પણ વધે છે. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોની સરખામણીએ ભારતના ટાયર-ટુ શહેરોમાં વધતી ગરમી પાછળ શહેરીકરણ મોટો ભાગ ભજવી રહ્યું છે.

સંશોધનમાં એવા ઉદાહરણ ટાંકતા જણાવાયુ છે કે, પુનામાં શહેરીકરણમાં 61.23 ટકાનો વધારો થયો છે તેની સામે છેલ્લા એક દાયકામાં તાપમાન 0.55 ડીગ્રી વધી ગયુ છે. અમદાવાદના તાપમાનમાં છેલ્લા એક દાયકામાં 0.45 ડીગ્રીનો સરેરાશ વધારો થયો છે. રાયપુરનું તાપમાન 0.41 ડીગ્રી, જયપુરનું 0.49 ડીગ્રી, પટણાનું 0.43 ડીગ્રી તથા લખનૌનું 0.40 ડીગ્રી વધી ગયુ છે.

રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે શહેરીકરણને પગલે તાપમાનમાં છેલ્લા એક દાયકામાં સરેરાશ 0.2 ટકાનો વધારો થયો છે. વધતી ગરમીના 37.7 ટકા ગરમી પાછળ વધતુ શહેરીકરણ કારણરૂપ છે. આવતા ત્રણ દાયકામાં ઉર્જા માંગમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિ થશે અને તેની અસર જલવાયુ પરિવર્તન પર પણ થશે.

શહેરીકરણના વધતા ટ્રેન્ડને કારણે શહેરોમાં કુદરતી સ્ત્રોતો નાશ પામી રહ્યા છે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2050 સુધીમાં દુનિયાની 68 ટકા વસતી શહેરોમાં વસવાટ કરતી હશે.

Print