www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજે ભારત અને આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડ કપ ફાઇનલ

આફ્રિકન ખેલાડીઓ જાણે છે ટીમ ઇન્ડિયાની "સિક્રેટ" : મોટા ભાગના પ્લેયર હાલમાં જ IPL રમ્યા છે


► ડી’ કોક લખનૌ, માર્કરમ - કલાસન - યાન્સેન હૈદરાબાદ, સ્ટબસ - નોર્કિયે દિલ્હી માટે રમ્યા છે : ત્રણ મહિના સુધી ભારતમાં પડાવ હતો

સાંજ સમાચાર

► કુલદીપ - અક્ષર - રવીન્દ્ર - બૂમરાહની બોલિંગ આફ્રિકનો માટે નવી નથી : જોકે ભારતીય ખેલાડીઓ પણ તેની નબળી કડી જાણે છે 

► બારબેડોઝની પીચ સ્પિનર કરતા ફાસ્ટ બોલર માટે વધુ સફળ રહે તેવું માનવામાં આવે છે: કેંસિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમ વધુ મેચ જીતી છે : 180+ રન મેચ વિનિંગ સ્કોર બની શકે છે 

બારબેડોઝ : આજે ટી20 વર્લ્ડ કપનો મેગા ફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ખાસ વાત એ છે કે આ બંને ટીમ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. તેઓ એક પણ મેચ નથી હારી. આફ્રિકા 8 મેચ જીતી છે તો ભારત સાત મેચ અને એક મેચમાં કોઈ પરિણામ નથી આવ્યું. બન્ને ટીમ જોરદાર ફોર્મમાં છે.

આફ્રિકન ટીમ ઇતિહાસમાં પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોચ્યું છે તો ભારત દસ વર્ષ બાદ ફાઇનલ રમશે. બન્ને ટીમ માટે ઇતિહાસ રચવા માટે તક છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, વનડે વર્લ્ડ કપ બાદ સળંગ ત્રીજી આઇસીસી ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોચ્યું છે. 

◙ આફ્રિકન ખેલાડીઓ અને આઈપીએલ 
ભારતને એક ખાસ વાત ધ્યાને રાખવી પડશે કે આફ્રિકન ખેલાડીઓ માટે ટીમ ઈંડિયાનો સામનો કરવો કોઈ નવીન નથી. આ તમામ ખેલાડીઓ ત્રણ મહિના માટે ભારતમાં પડાવ નાખ્યો હતો અને અલગ અલગ ટીમ વતી આઈપીએલ રમ્યા હતા. આ તમામ ખેલાડીઓ ભારતના ખેલાડીઓ સાથે અને વિરુદ્ધમાં રમ્યા છે. આફ્રિકન ખેલાડીઓ માટે અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, જસ્પ્રિત બુમરાહ, કુલદીપ યાદવનો સામનો કરવો હવે અઘરો નથી. 

આફ્રિકા પ્લેયર જે આઈપીએલ રમે છે 
એડન મારક્રમ : સન રાઈઝર્સ હૈદરાબાદ
માર્કો યેન્સન: સન રાઈઝર્સ હૈદરાબાદ
હેનરિક કલાસન: સન રાઈઝર્સ હૈદરાબાદ
જેરાલ્ડ કોટ્ઝી: મુંબઈ ઇન્ડીયન્સ 
કવિંટન ડી કોક : લખનૌ સુપર જાયંટ્સ 
કેશવ મહારાજ : રાજસ્થાન રોયલ્સ
ડેવિડ મિલર : ગુજરાત ટાઇટન્સ
એનરિચ નોર્કીયે: દિલ્હી કેપિટલ
ટ્રિસ્તન સ્ટબસ: દિલ્હી કેપિટલ
કાગીસો રબાડા : પંજાબ કિંગ્સ 

◙ બ્રિજટાઉન, બાર્બાડોસ પિચ રિપોર્ટ  
બાર્બાડોસની વિકેટ 167 રનના સરેરાશ સ્કોર સાથે બેટિંગ-ફ્રેન્ડલી હોવાની અપેક્ષા છે જ્યારે 2022 પછી પ્રથમ દાવનો વિજેતા સ્કોર 184 રન રહ્યો છે. જો કે, ટી20 વર્લ્ડ કપ 2024માં, પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 150 છે, જ્યારે પ્રથમ બેટિંગ કરતી વખતે 182 રન વિજેતા સ્કોર રહ્યો છે.  સ્થળ પરના રેકોડર્સ એ પણ સૂચવે છે કે 2022 થી અત્યારસુધીમાં રમાયેલ 20 મેચમાં ફાસ્ટ બોલરોએ 145 વિકેટ તો સ્પિનરોએ 99 વિકેટ લીધી છે.  કેન્સિંગ્ટન ઓવલ ખાતે ફાસ્ટ બોલરોને વધુ સફળતા મળવાની અપેક્ષા છે.

આફ્રિકા-ઇન્ડિયા હેડ ટુ હેડ 
અત્યારસુધી આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે 26 મેચ રમાયેલ છે જેમાંથી ઇન્ડિયા 14 મેચ જીતી છે, આફ્રિકા 11 અને 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. અને ટી20 વર્લ્ડ કપના ઇતિહાસની વાત કરીએ તો બન્ને વચ્ચે 6 મેચ રમાયા છે જેમાંથી ભારત 4 અને આફ્રિકા 2 મેચ જીતી છે.

બારબેડોઝ પર ટોસ અને પરિણામ 
2022 થી બાર્બેડોઝ ગ્રાઉન્ડ પર 20 મેચ રમાયા છે જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમ 11 મેચ જીતી છે તો બીજી બેટિંગ કરનાર ટીમ 9 મેચ જીતી છે. 

ટોસ ફેક્ટર  
ટોસ જીતનારી ટીમે આ સ્થળ પર પૂર્ણ થયેલી 29 T20I મેચોમાંથી 18 જીતી છે. ટીમોએ અહીં 13 વખત પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે અને તેમાંથી 10 મેચ જીતી છે.  બીજી તરફ, ટીમોએ 19 પ્રસંગોએ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હોવા છતાં, તેઓ તેમાંથી માત્ર આઠ મેચ જીતી શક્યા છે, જ્યારે નવમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ચાલુ ટુર્નામેન્ટમાં, ટોસ જીતનારી ટીમે છ માંથી ત્રણ મેચ જીતી હતી જે પરિણામમાં સમાપ્ત થઈ હતી.  આઠ રમતોમાંથી, કેપ્ટનોએ ત્રણ વખત પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે, જ્યારે પાંચ પ્રસંગોએ પીછો કરવાનું પસંદ કર્યું છે.  બેટિંગ કરવાનું પસંદ કરતી ટીમે ત્રણમાંથી એક ગેમ જીતી છે, જ્યારે પીછો કરવાનું પસંદ કરતી ટીમે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે.

◙ હવામાન કેવું રહેશે?
ગયાનામાં રમાયેલી બીજી સેમીફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.  આવી સ્થિતિમાં, ચાહકો ભારત અને દક્ષિણ આફ્રિકા મેચને લઈને ચિંતિત છે.  હવામાન અહેવાલ અનુસાર, 29 જૂને બાર્બાડોસમાં વરસાદની સંભાવના 78 ટકા છે.  મેચ સ્થાનિક સમય મુજબ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. 

સવારે 3 થી 10 વાગ્યા સુધી વરસાદની સંભાવના 50 ટકા જેટલી છે.  સાથે જ 11 વાગે વાવાઝોડાની સાથે વરસાદની પણ શક્યતા છે.  જો આ મેચ શરૂ થાય છે તો પણ ભારે વરસાદને કારણે બંધ થવી નિશ્ચિત છે.

ફાઇનલ મેચ માટે બંને ટીમના સંભવિત પ્લેયિંગ ઇલેવન 
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે/સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક ((wk), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, તબરાઈઝ શમ્સી.

◙ આફ્રિકા 26 વર્ષ પેહલા અને ભારત 11 વર્ષ પેહલા આઇસીસી ટ્રોફી જીતી હતી 
► કોઈ પણ એક ટીમનો લાંબા સમયથી આઇસીસી ટ્રોફી ન જીત્યાના દુકાળનો અંત આવશે 
► આફ્રિકા છેલ્લે 1998માં તો ભારત 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી
બારબેડોઝ : આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ રમાશે. આ મેચ અનેક રીતે ખાસ બન્યો છે. ભારત 10 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોચ્યું છે તો આફ્રિકા ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ રમશે. ઉલ્લેખનિય છે કે બન્ને ટીમ આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. તો બન્ને ટીમ લાંબા સમય થી કોઈ પણ આઇસીસી ટુર્નામેન્ટ જીતી નથી.

સાઉથ આફ્રિકા છેલ્લા 1998 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી જ્યારે તેને વેસ્ટ ઇન્ડીઝને 4 વિકેટ3 હરાવ્યું હતું. તો ભારત છેલ્લે 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું જેમાં તેણે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

ત્યારબાદ બંને ટીમને એક રીતે આઇસીસી ટુર્નામેન્ટની જીત માટે દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જે આજે કોઈ પણ એક ટીમનો જીત સાથે અંત આવશે.

ઉલ્લેખનિય છે કે ભારત હાલમાં સતત ત્રીજી આઇસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. આઇસીસી ટુર્નામેન્ટ એટલે ટી20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, વનડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે.

Print