♦પોલીસે આખી ટીપી શાખાને સાગમટે પૂછપરછ માટે બોલાવી ક્રોસ વેરીફાઈ થતા ગરબડ સામે આવી હતી, ચારેક અધિકારી-કર્મચારી પર શંકા : હવે કોની જવાબદારી એ તપાસમાં ખુલશે
રાજકોટ, તા.15
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અગાઉ રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ એમ.ડી. સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા, એટીપીઓ ગૌતમ જોશી અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ હતી.
તેમાં સાગઠિયાએ બનાવ પછી એક બેઠક બોલાવી જુદી જુદી તારીખોની મિનિટ્સ નોટ બનાવી, અન્ય અધિકારીઓ-કર્મચારીઓ એ ગર્ભિત ધમકી આપી સહીઓ કરાવી આ બોગસ મિનિટ્સ નોટ પોલીસ સમક્ષ તપાસ વખતે રજૂ કરી પોતાનો બચાવ કર્યો હતો. જે અંગે પોલીસને ગુમરાહ કરવા સહિતની કલમો હેઠળ અલગથી ગુનો નોંધાયો હતો. હવે નવું ષડયંત્ર સામે આવ્યું છે. જેમાં ઇમ્પેક્ટ ઈનવર્ડ રજીસ્ટરમાં ઘાલમેલ થઈ હોવાનું ખુલ્યું છે. જાવક રજીસ્ટર નવું બનાવી તેમાં કવેરી લેટરના જાવક નંબર બતાવી, જુના રજીસ્ટરનો નાશ કરી ખોટી માહિતી પોલીસ સામે રજુ કરી જેથી પુરાવા નાશની કલમો ઉમેરાશે.
પોલીસે આખી ટીપી શાખાને સાગમટે પૂછપરછ માટે બોલાવી ક્રોસ વેરીફાઈ થતા ગરબડ સામે આવી હતી. ચારેક અધિકારી-કર્મચારી પર શંકા છે. હવે કોની જવાબદારી એ તપાસમાં ખુલશે.
ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (3) કિરીતસિંહ જગદીશસિંહ જાડેજા (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (5) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (6) રાહુલ લલિત રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ ગુનો દાખલ થયેલો. આ આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું હતું કે, બે થી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનનું માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવ્યું હતું.
તેમાં ઇમ્પેક્ટ ફી માટે મનપમાં અરજી કરી હતી. આ અંગે તપાસ સીટએ ટીપજ શાખાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની.પૂછપરછ કરી હતી. જેમાં ખુલવા પામેલ કે, ટી.આર.પી. ગેમ ઝોનની જગ્યાનો ઈમ્પેકટ પ્લાન મંજુર કરવા માટે ચકાસણી ફી ભર્યા બાદ ઈનવર્ડ થયેલ ન હોય અને બનાવ બાદ અગાઉની તારીખમાં ઈનવર્ડ કરવામાં આવેલ. તથા અગાઉની તારીખમાં ક્વેરી લેટર તૈયાર કરી આપવામાં આવેલ તથા ઈમ્પેકટ ઈનવર્ડ રજીસ્ટરમાં ચેડા કરવામાં આવ્યા હતા. જાવક રજીસ્ટર નવુ બનાવી તેમાં ક્વેરી લેટરના જાવક નંબર બતાવી જુના રજીસ્ટરનો નાશ કરી નખાયો હતો. અને ખોટી માહીતી રજુ કરી બનાવટી બનાવેલ રજીસ્ટર કબ્જે રાખેલ હતો. તેથી પોલીસે આઇપીસી કલમ - 465, 466 471, 474, 120(બી), 201, 114 નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે.
આ અંગે તપાસ કમિટીના અધ્યક્ષ એસીપી ભરત બી. બસીયાએ જણાવ્યું કે, કલમો ઉમેરાયા અંગે કોર્ટની મંજૂરી મળી જાય પછી ઊંડાણ પૂર્વક તપાસ થશે. જે તે વિભાગમાં અનેક અધિકારી કર્મચારી છે. કોણે પુરાવા નાશ કરવા આ ખોટું રજીસ્ટર ઉભું કર્યું, કોનો મુખ્ય રોલ, કોને મદદ કરી? વગેરે તપાસમાં ખુલશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy