રાજકોટમાં ફાયર એનઓસી અને બીયુ વગરની મિલ્કતોની સીલીંગ ઝુંબેશમાં અનેક પરિવારોના પ્રસંગો રઝળતા જ્ઞાતિના આગેવાનો, હોલના સંચાલકોની રજૂઆત

જ્ઞાતિ-સમાજની સીલ વાડીઓ પણ સોગંદનામા પરથી ખોલી દેવા નિર્ણય : આગેવાનો મનપામાં ઉમટયા

Local | Rajkot | 15 June, 2024 | 05:41 PM
શાળા, હોસ્પિટલ બાદ હવે કોમ્યુનિટી હોલને રાહતમાં પ્રાથમિકતા છતાં મુદ્દતમાં ફાયર એનઓસી તો લેવું જ પડશે- કમિશ્નર : મેયર નયનાબેન પેઢડીયાનો પણ હકારાત્મક પ્રતિભાવ : નરેન્દ્રભાઇ સોલંકીની આગેવાનીમાં રજૂઆતને સફળતા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 15
ટીઆરપી ગેમઝોનની આગ દુર્ઘટનાના કારણે પૂરા રાજકોટમાં ફાયર એનઓસી અને બીયુ વગરની મિલ્કતો સીલ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે ત્યારે બે દિવસ પહેલા શાળાઓ અને હોસ્પિટલો સોગંદનામાના આધારે ખોલવા મંજૂરી અપાઇ છે. આ જ રીતે શહેરમાં આવેલા જુદા જુદા ખાનગી કોમ્યુનિટી હોલ, સમાજની વાડીઓને પણ સીલ કરવામાં આવતા મોટો સામાજીક પ્રશ્ર્ન ઉભો થઇ ગયો છે જે અંગે આજે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના  પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની આગેવાનીમાં ડઝન જેટલી જ્ઞાતિના આગેવાનોએ મહાપાલિકામાં ધામા નાખ્યા હતા. 

કમિશ્નર દેવાંગ દેસાઇ અને મેયર નયનાબેન પેઢડીયાને જ્ઞાતિઓના આગેવાનોએ આવેદનપત્ર પાઠવીને વાડીઓના સીલ ખોલવા રજુઆત કરી હતી. કમિશ્નર અને મેયરે જે રીતે સ્કુલ અને હોસ્પિટલને હંગામી મંજૂરી આપવામાં આવી છે તે રીતે વાડીના સંચાલકોને અરજી કરવા કહ્યું છે. ફાયર એનઓસી તો જરૂરી છે જ, પરંતુ સાધનો લગાડવાની શરતે  હાલ છુટછાટ આપવા નિર્ણય લેવાતા આજે બપોરથી વાડીઓના સીલ ખોલવાનું શરૂ થઇ ગયાનું જણાવ્યું છે. 

કમિશનર દેવાંગ દેસાઇએ કહ્યું હતું કે, વાડીના સીલ ખોલી સાધનો મુકવા માટે હાલની વ્યવસ્થા મુજબ સમય અપાય છે. 60 દિવસમાં નિયમનું પાલન પુરૂ કરવું પડશે. સરકારના માર્ગદર્શનમાં આ ગાઇડલાઇન બનાવવામાં આવી છે. શહેરમાં મોટા ભાગે ફાયર સેફટીનું ચેકીંગ પુરૂ થતા હવે વોર્ડવાઇઝ ટીમોને મુકત કરાઇ છે અને હવે ટીપી તથા ફાયર શાખા રાબેતા મુજબ ચેકીંગ ચાલુ રાખશે. હાલ શાળાઓ, હોસ્પિટલો બાદ હવે જ્ઞાતિ સમાજની વાડીઓના સીલ ખોલવા અગ્રતા આપવા વિચાર કરાયો છે. 

આજે તમામ જ્ઞાતિના આગેવાનોએ કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આવેલ તમામ જ્ઞાતિ સમાજની વાડીઓ, મેરેજ હોલને સીલ મારીને બંધ કરવામાં આવ્યા છે. જેના સીલ ખોલવા માટે સંબંધીત અધિકારીઓ દ્વારા જે તે સંસ્થાઓ, સમાજની વાડીઓ, માલીકો વિગેરે પાસેથી દિવસ-7માં ફાયર અનેઓસી તેમજ ઘટતા કાગળો મેળવી લેવા માટેનું સોગંદનામુ કોર્પોરેશન તેમજ નિયુકત કરેલા અધિકારીઓ તરફથી લેવામાં આવે છે. જેમાં ફાયર એનઓસી માટે બીયુ પરમીશન પણ માંગવામાં આવે છે. 

શહેરમાં વસતા તમામ જ્ઞાતિના લોકોએ ઘણા વર્ષો પહેલા પોતાના સમાજના લોકો માટે ઉપયોગમાં આવે તે હેતુથી એકદમ ઓછા દરથી વાડી મળે તે હેતુથી વાડીઓનું નિર્માણ કરવામાં આવે છે. સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના સુખ તથા દુ:ખના પ્રસંગોએ રહેણાંક મકાન કરતાં થોડી મોટી જગ્યા મળી રહે તે હેતુથી આવી વાડીઓ અસ્તિત્વમાં આવેલ છે. લગ્ન, સગાઇ, મૃત્યુ જેવા પ્રસંગોએ બેસણા, ઉત્તરક્રિયા વગેરે માટે વાડીઓનો ઉપયોગ જે તે સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. આ સામાજીક હેતુ લક્ષ્યમાં લઇને કોર્પોરેશન દ્વારા પણ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવે છે. 

ફાયર એનઓસી મેળવવા માટે પ્રયત્નોમાં બધા સહભાગી થવા માંગે છે. બનાવ પહેલા ફાયર એનઓસી માટેના નિયમો મુજબ ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોર માટે ફાયર એનઓસીની આવશ્યકતા રહેતી નહોતી. પરંતુ હવે તે મેળવવાનું રહેતું હોય તે મેળવવા માટે તૈયાર છીએ, પરંતુ ફાયર એનઓસી મેળવવા માટે જ તે બિલ્ડીંગનું બીયુ પ્રમાણપત્ર આપવાનું રહે છે. મોટા ભાગની સમાજની વાડીઓ પાસે જે ઉપલબ્ધ નથી. કારણ કે આ વાડીઓના બાંધકામ ઘણા વર્ષો પહેલા ટીપી સ્કીમ અમલમાં આવ્યા પહેલા થયેલા છે માટે બીયુ પ્રમાણપત્રનો આગ્રહ ઉચિત જણાતો નથી. જે વાડીઓ પાસે બીયુ પ્રમાણપત્ર છે તેઓએ પણ તેઓના બિલ્ડીંગમાં નાના મોટા ફેરફાર કરેલો હોય છે. 

અનેક લગ્ન હોલ સુચિતમાં છે : જુની વાડીઓમાં BU કયાંથી હોય?
ફાયર સેફટીના નિયમો પાળવા તૈયારી પણ સમાજ વ્યવસ્થા સાથે જોડાયેલા હોલમાં બાંધકામ રેગ્યુલર થઇ શકે તેમ નથી
રાજકોટ, તા. 15

ઘણા ખાનગી મેરેજ હોલ સુચિત સોસાયટીઓમાં બંધાયેલા છે. આવા હોલના પ્લાન સુચિત સોસાયટી હોવાનો કારણે પ્લાન પાસ કરવામાં આવતા નથી. સુચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવા માટેની પ્રક્રિયા સરકાર દ્વારા કરવાની ચાલુ છે. જે વાડીઓમાં બાંધકામ ફેરફાર થયેલ હોય તે વાડીઓને ઇમ્પેકટ ફી હેઠળ રેગ્યુલરાઇઝ કરવાની રહે છે. જે મુદત માંગી લે તેવી બાબત છે તેમ નરેન્દ્રબાપુએ કમિશ્નરને જણાવ્યું હતું.

ઉપરાંત ઘણા સમાજની વાડીઓનું બાંધકામ રેગ્યુલરાઇઝ થઇ શકે તેમ નથી. તો આવી બાબતોમાં વાડીઓમાં ફાયર સિસ્ટમ તથા બીજી બધી આવશ્યક બાબતોનો અમે અમલ કરીશું પરંતુ બાંધકામ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને સામાન્ય સ્થિતિમાં લોકોના હીતને નુકસાન ન થાય તેવો નિર્ણય લેવા જણાવ્યું છે. ઉપરાંત સમાજની વાડીઓ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે તો વાડીના સ્થાયી ખર્ચાઓ તો ચાલુ જ રહે છે. જેથી નાણાકીય મોટી ખોટ જવાનો ભય રહેલો છે. વાડીઓના ટેકસ નિયમિત ભરાય છે.

આ બધી વાડીઓ ટી.પી.સ્કીમ અમલમાં આવ્યા પહેલા ઘણા વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. છતાં પણ તેમાં કયારેય  કોઇ આગ બનાવ બનેલ નથી. પરંતુ ટી.આર.પી. ગેમઝોનના બનાવને લક્ષ્યમાં લઇ કડક કાર્યવાહીની પુન: વિચારણા કરવા તમામ સમાજના આગેવાનોએ વિનંતી કરી છે. તમામ સમાજના લોકો વાડીઓ બંધ થવાના મુદ્દે ઉગ્ર સ્વરૂપ  ધારણ ન કરે તે માટે સમાજને સંતોષ થાય તેવો કાયદાની મર્યાદામાં રહીને ફાયર એનઓસીના માપદંડ પૂર્ણ કરી શકાય તેવા આદેશ કરવા અનુરોધ કર્યો છે. 

મનપાના અનેક કોમ્યુનિટી હોલ પણ ફાયર સેફટી વગરના 
એકાએક કાર્યવાહીથી લગ્નથી માંડી બેસણા પણ કેન્સલ કરવા પડયા : કોર્પો.ના હોલ અંગે પણ તુરંતમાં નિર્ણય કરાશે
રાજકોટ, તા. 15

રાજકોટ ફાયર સેફટી અને એનઓસી વગરની જ્ઞાતિ સમાજની વાડીઓ ધડાધડ સીલ કરવામાં આવતા સેંકડો પરિવારોના સારા અને માઠા બંને પ્રસંગ રઝળી રહ્યા છે. આ સ્થિતિમાં મ્યુનિ. કોર્પોરેશનના હસ્તકના અનેક કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ન હોય હવે ‘સરકારી હોલ’નું શું કરવું તેની વિચારણા તંત્રએ શરૂ કરી છે! 

કોર્પો.એ છેલ્લા દિવસોમાં અનેક જ્ઞાતિના હોલ, કોમ્યુનિટી હોલ સીલ કર્યા છે. મહિનાઓ અગાઉ જેમના બુકીંગ હતા તે પરિવારોએ તાબડતોબ લગ્ન પ્રસંગો ખસેડવાની નોબત આવી છે. બુકીંગ કરનારાઓને વાડીએથી ફોન આવે છે કે  મનપા સીલ મારી ગઇ છે આથી તમારા પ્રસંગની વ્યવસ્થા અન્યત્ર કરજો. જાનના ઉતારા પણ ફેરવ્યા પડયા છે. ગઇકાલે  તો સોની સમાજની એક વાડીમાં ઉઠમણું રદ્દ કરી ફોન પર ટેલીફોનિક બેસણું રાખવાની ફરજ પડી હતી. રૈયા રોડની  એક વાડીમાં શ્રીમંતનો પ્રસંગ બગડયો હતો. 

હવે મનપા હસ્તક પણ શહેરમાં બે ડઝનથી વધુ લગ્ન હોલ આવેલા છે. આ જગ્યાએ પણ જુના હોલમાં નિયમના પાલન નથી. કમિશનર પાસે પણ રીપોર્ટ આવ્યા છે. અહીં પણ ઘણા બુકીંગ હોય છે આથી હવે કોર્પો.ના હોલમાં શું કરવું તે અંગે શાસક અને વહીવટી પાંખ ચર્ચા કરીને નિર્ણય લેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj