અમદાવાદ,તા.14
અમદાવાદના દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે.
કાપડ અને સિન્થેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ છે. તેમજ પતરાના શેડ હોવાથી પણ આગ વધુ વિકરાળ બની છે. 10 જેટલા પતરાના શેડમાં ગોડાઉનો ઊભા હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ પણ આગને કાબૂમાં કરવાના પ્રયત્નો કરી રહી છે. હાલ ચાર કલાક બાદ પણ આગ કાબૂમાં આવી નથી. કાપડનું મટિરિયલ અને મોટા શેડ હોવાના કારણે આગ કાબૂમાં આવી શકી નથી.
બે કલાક સુધી રોબોટ ચલાવી એક ગોડાઉનમાં આગ કાબૂમાં લીધી
દાણીલીમડા જૂના ઢોર બજાર પાછળ છીપા કૂવા ખાતે કોહિનૂર ક્રિએશન્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનું કાપડનું વિશાળ ગોડાઉન આવેલું છે, જેમાં આગ લાગી છે. આગ ખૂબ જ વિકરાળ ફેલાઈ ગઈ હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર સુધી પહોંચી શક્યા નથી. આથી રોબોટની મદદ લેવામાં આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે અદ્યતન ટેક્નોલોજીવાળા રોબોટની મદદ લઈ અને આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.
સતત બે કલાક સુધી રોબોટ ચલાવી અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આગના કારણે આખો પતરાનો શેડ ધરાશાયી થઈ ગયો છે. આગ ખૂબ જ મોટી હોવાથી જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી અને માલસામાનને સાઈડમાં કરી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી રહી છે.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે, સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ દાણીલીમડા જૂના ઢોર બજારની પાછળ આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 11 મોટી ગજરાજ ગાડીઓ સાથે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે 70 ટકાથી વધુ આગ કાબૂમાં આવી ગઈ છે.
ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર એનઓસી અને સાધનો વગેરે હતા કે કેમ તે આગ બૂઝાવવાની કામગીરીની તપાસ બાદ ખ્યાલ આવશે. હાલમાં આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દાણીલીમડામાં 2,000 ફેક્ટરી છે
દાણીલીમડા ખાતે બનેલી ઘટનાને લઈ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. સવારથી આગ લાગી છે, તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દાણીલીમડા વિસ્તારની આસપાસ 2000 જેટલી ફેક્ટરીઓ આવેલી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy