શેરબજારમાં મંદીથી 300 પોઇન્ટનું ગાબડું: સેન્સેક્સ 74800ના સ્તરે

સેન્સેક્સ કરતાં સોનુ આગળ નીકળી ગયું: 10 ગ્રામના રૂા.75300

India, Business | 12 April, 2024 | 02:29 PM
સોનામાં 1450નો તોતીંગ ઉછાળો: ચાંદીનો ભાવ પણ 86000 વટાવી ગયો: વિશ્વ બજારમાં સોનુ 2388 ડોલરની નવી ઉંચાઇએ: ઝવેરીઓ-ઇન્વેસ્ટરો સ્તબ્ધ
સાંજ સમાચાર

રાજકોટ, તા.12
શેરબજારમાં તથા સોના-ચાંદીમાં કેટલાક દિવસોથી રેકોર્ડ બ્રેક તેજીનો દૌર ચાલી રહ્યો છે અને હવે શેરબજારના સેન્સેક્સ કરતાં સોનુ આગળ નીકળી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે. સેન્સેક્સ 75000 વટાવી ગયા બાદ આજે પાછો પડ્યો હતો જ્યારે સોનુ 75000ને ક્રોસ કરી ગયું હતું. ચાંદી પણ 86000ની સપાટી કુદાવીને નવા ઉંચા સ્તરે પહોંચી હતી. 

સોના-ચાંદીમાં તેજીનો દોર વધુને વધુ આગળ ધપતો રહ્યો હોય તેમ એક દિવસની રજા બાદ આજે ફરી વખત તોતીંગ ઉછાળો નોંધાયો હતો. વિશ્ર્વના અનેક ભાગોમાં ભૌગોલિક ટેન્શન અને ઇઝરાયેલ-ઇરાક વચ્ચે નવો મોરચો ખુલવાની આશંકા, અનેક દેશો પર આર્થિક મંદીનું જોખમ જેવા કારણો ભાગ ભજવી રહ્યા છે. આ સિવાય અમેરિકામાં વ્યાજદર ઘટાડાના શેડ્યુલમાં ફેરફાર થવાની આશંકાની પણ અસર હતી

આ ઉપરાંત ચીન સહિતના દેશોની સેન્ટ્રલ બેન્કો જંગી માત્રામાં સોનુ ખરીદતી હોવાનું જાહેર થતાં તેજી વધુ તીવ્ર બની રહી છે. ઝવેરીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદીની વર્તમાન તેજી સમજની બહાર છે. તેજી પાછળના અનેક કારણો આગળ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ તેનો સ્વીકાર કરવા સિવાય કોઇ છુટકો નથી. બાકી આવી તેજી ભૂતકાળમાં ક્યારેય નિહાળી નથી.

ધરખમ ઉંચા ભાવના કારણે રીટેઇલ ઘરાકી એકદમ ઘટી ગઇ છે અને ગ્રાહકો ઝવેરી માર્કેટથી દૂર થવા લાગ્યા છે. આવનારા સમયમાં વસંત પંચમી જેવા પવિત્ર દિવસો આવવાના છે ત્યારે પણ ઘરાકી રહેવા વિશે શંકા ઉભી થવા લાગી છે. 

રાજકોટની માર્કેટમાં આજે 10 ગ્રામ સોનુ 75000ની સપાટી કુદાવી ગયું હતું અને ગઇકાલની સરખામણીએ 1450ના ઉછાળાથી 75300 સાંપડ્યું હતું. વિશ્ર્વ બજારમાં ભાવ 2388 ડોલરએ પહોંચ્યો હતો. કોમોડીટી એક્સચેંજમાં 72600નો ભાવ થયો હતો. આજ રીતે હાજર ચાંદી 1750 રૂપિયા વધીને 86300 થઇ હતી. કોમોટીડી એક્સચેંજમાં 84200નો ભાવ હતો જ્યારે વિશ્વ બજારમાં 28.90 ડોલર હતી.

બીજી તરફ શેરબજારમાં આજે મંદીનો માહોલ રહ્યો હતો અમેરિકામાં ફુગાવો વધતા વ્યાજદર ઘટાડામાં વિલંબ થવાની આશંકાની અસર હતી. આ સિવાય વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનો પ્રત્યાઘાત જણાયો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, મારૂતી, સ્ટેટ બેંક, એશિયન પેન્ટસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, ટાઇટન જેવા શેરોમાં ઘટાડો હતો. મહિેન્દ્ર, નેસલે, એનટીપીસી, રીલાયન્સ, ટાટા મોટર્સ, ડીવીઝ લેબ, બજાજ ઓટો જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્સ 225 પોઇન્ટના ઘટાડાથી 74812 સાંપડ્યો હતો. જે ઉંચામાં 74951 તથા નીચામાં 74539 હતો. નેશનલ સ્ટોક એકસચેંજમાં નીફટી 66 પોઇન્ટ ઘટીને 22687 હતો તે ઉંચામાં 22726 તથા નીચામાં 22624 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj