અમદાવાદ,તા.14
ભારતીય શેરબજારનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોય તેમ કેટલાંક વખતથી સેન્સેકસ-નિફટી નવી-નવી ઉંચાઈ બનાવી રહ્યા છે.રીટેઈલ ઈન્વેસ્ટરોની સંખ્યામાં પણ રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે ત્યારે એનો રસપ્રદ આંકડાકીય રીપોર્ટ જાહેર થયો છે કે એકટીવ ઈન્વેસ્ટરો ધરાવતા દેશનાં ટોપ-10 શહેરોમાં રાજકોટ સહીત ગુજરાતનાં ત્રણ શહેરો સામેલ છે.
નેશનલ સ્ટોક એકસચેંજનાં રીપોર્ટમાં એમ જાહેર થયુ છે કે ગત એપ્રિલમાં ઈન્વેસ્ટરોની સંખ્યામા વૃધ્ધિદરમાં રાજકોટ સમગ્ર દેશમાં અવ્વલ રહ્યું હતુ.આ મહિનામાં રાજકોટમાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં 17 ટકાનો વધારો થયો હતો. જયારે ટર્ન ઓવરની દ્રષ્ટ્રિએ અમદાવાદ મેદાન મારી ગયુ હતું 63000 કરોડના ટર્નઓવર સાથે ગુજરાતમાં પ્રથમ અને દેશલેવલે ત્રીજા સ્થાને રહ્યું હતુ આ રીપોર્ટ પરથી ભારતીય શેરબજારમાં ગુજરાતનો સિંહફાળો હોવાનું સાબીત થાય છે.
એપ્રિલ 2024 માં અમદાવાદમાં 4.10 લાખ યુનિક ઈન્વેસ્ટરો હતા જેઓ મહિનામાં ઓછામાં ઓછુ એક વખત શેરબજારમાં ટ્રેડીંગ હતું. સુરતમાં આવા ઈન્વેસ્ટરોની સંખ્યા 2.96 લાખ તથા રાજકોટમાં 1.6 લાખની હતી. ગત મહિને દેશનાં તમામ જીલ્લાઓમાં મહિનામાં ઓછામાં ઓછુ એક વખત ટ્રેડીંગ કરનારા ઈન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થયો હતો. માસીક ધોરણે 4.6 ટકાનો વધારો નોંધાયો હતો અને ઈન્વેસ્ટરોની કુલ સંખ્યા 4.4 લાખ થઈ હતી.
એકટીવ ઈન્વેસ્ટરોની કુલ સંખ્યામાં 10.5 લાખની સંખ્યા સાથે મુંબઈ ટોચ પર યથાવત રહ્યું હતું. માસીક ધોરણે એકટીવ ઈન્વેસ્ટરોનો સંખ્યા વધારો 2.5 ટકા હતો. બીજા સ્થાને દિલ્હીમાં 9.9 લાખ એકટીવ ઈન્વેસ્ટરો નોંધાયા હતા અને તેમાં માસીક વધારો 2.4 ટકા હતો.અમદાવાદમાં એકટીવ ઈન્વેસ્ટરોમાં 13.1 ટકાની વૃધ્ધિ હતી અને સંખ્યા 4.1 લાખની થઈ હતી દેશ લેવલે ત્રીજા સ્થાને રહ્યું હતું.
માસીક ધોરણે ઈન્વેસ્ટરોની સંખ્યા વૃધ્ધિમાં રાજકોટ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે હતું 17.5 ટકાના વધારા સાથે એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા 1.6 લાખ થઈ હતી. એપ્રિલ મહિનામાં સૌથી વધુ એકટીવ ઈન્વેસ્ટરો ધરાવતાં ટોપ-10 જીલ્લામાં સરેરાશ 6.2 ટકાનો વધારો થયો હતો.
શેરબજારનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણીને કારણે એપ્રિલ મહિનામાં મોટી વોલાટીલીટી જોવા મળી હતી. એપ્રિલમાં સેન્સેકસ 72350 થી 75000 ની રેન્જમાં હતો ભારે વધઘટને કારણે એકટીવ ઈન્વેસ્ટરો વધી ગયા હતા.
એનએસઈના રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ટોપ-10 જીલ્લામાં એકટીવ ઈન્વેસ્ટરોનાં સરેરાશ ટર્નઓવરમાં પણ માસીક ધોરણે 26.8 ટકાનો મોટો વધારો થયો હતો અને તે 6.7 લાખ કરોડે પહોંચ્યુ હતું. ઈન્વેસ્ટરોનાં વ્યકિતગત ટર્ન ઓવરમાં મુંબઈ ટોચ પર હતું. 23.4 ટકાની વૃધ્ધિ સાથે 1.9 લાખ કરોડ હતું.
બીજા ક્રમે દિલ્હીમાં 1.6 લાખ કરોડ નોંધાયુ હતું. આ સિવાય અમદાવાદનું ટર્નઓવર 28.3 ટકા વધીને 63000 કરોડ, બેંગ્લોરનું 27.2 ટકા વધીને 57000 કરોડ તથા પુનાનું 25.5 ટકા વધીને 40,000 કરોડ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy