બે બળદની લડાઇમાં બીજાનો ખો નિકળવાનો ઘાટ સર્જાવાનું જોખમ

ઇરાન-ઇઝરાયેલ યુધ્ધ ભડકે તો ભારતને મોટા નુકશાનની ભીતિ

India, World | 15 April, 2024 | 03:22 PM
ભારત માટે ઇઝરાયેલ-ઇરાન બન્ને સારા મિત્રો-સહયોગી: ચાબહાર પ્રોજેક્ટથી માંડીને મશિનરી-ચોખા-જ્વેલરી સહિતની આયાત-નિકાસને ફટકો પડવાની દહેશત
સાંજ સમાચાર

મુંબઇ, તા.15
મધ્ય પૂર્વમાં વધુ એક ભડકો થયો છે. ઇરાને ઇઝરાયેલ પર ડ્રોન-મિસાઇલ એટેક કરતાં સમગ્ર વિશ્ર્વ ધ્રુજી ઉઠ્યું છે. જો કે, એક જ દિવસના એટેક બાદ બદલો પૂર્ણ થવાનું ઇરાન જાહેર કરતાં કાંઇક અંશે રાહત છે પરંતુ આવનારા દિવસોમાં ગમે ત્યારે ફરી પલિતો ચંપાવાનું જોખમ ઉભું જ રહે છે. બન્ને દેશો વચ્ચે પૂર્ણ યુધ્ધ થાય તો ભારત સહિત સમગ્ર દુનિયામાં તેના તીવ્ર પ્રત્યાઘાતો પડી શકે છે. પેટ્રોલ-ડીઝલથી માંડીને કોમોડીટી ચીજો તથા સોનામાં ભાવવધારો થવા ઉપરાંત નિકાસ-શીપીંગ ભાડા મોંઘા થઇ શકે છે.

ઇરાન સાથે કેટલાંક વખતથી ભારતનો સહયોગ વધી રહ્યો છે ત્યારે યુધ્ધના સંજોગોમાં આર્થિક સંબંધો પર અસર થઇ શકે છે. ચાબહાર પોર્ટ જેવા પ્રોડેક્ટો અટવાઇ શકે છે અને સમગ્ર આર્થિક હિતો દાવ પર લાગી શકે છે. ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ થકી ભારતનો ઇરાદો વ્યાપાર માર્ગ અને કનેકટીવીટી મજબૂત કરવાનો છે. યુધ્ધના સંજોગોમાં પ્રોજેક્ટ પર જોખમ સર્જાઇ શકે છે. ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોરમાં પણ વિઘ્ન ઉભું થઇ શકે છે.

જાણકારોના કહેવા પ્રમાણે સંઘર્ષ વધવાના સંજોગોમાં સમગ્ર પશ્ર્ચિમ એશિયાઇ ક્ષેત્ર ઝપટમાં આવી શકે છે. સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતાનું જોખમ સર્જાશે અને ભારતના ઉર્જા-સુરક્ષા તથા વ્યાપાર માર્ગ બાધિત થઇ શકે છે.  અન્ય દેશો પણ વિરુધ્ધ કે સમર્થનમાં જાય તો ખતરો વધુ વધી શકે છે.

ભારત માટે હાલત નાજુક છે કારણ છે ઇરાન તથા ઇઝરાયેલ આમ બન્ને દેશો સાથે સારા સંબંધો છે. વ્યાપાર, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સહિતના ક્ષેત્રોમાં સંબંધ છે. ઇરાન સાથે ચોખા-ફાર્માથી માંડીને મશીનરી-જ્વેલરીની આયાત નિકાસ છે બન્ને દેશોમાં અનેક બારતીય કંપનીઓ છે જેને અનિશ્ર્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. મધ્ય પૂર્વના અખાતી દેશોમાં ભારતીયોની કુલ વસતી 90 લાખથી વધુ છે ત્યારે તેઓને અસ્થિરતામાંથી ઉગારવાના પડકારનો સામનો કરવો પડી શકે છે.

► સૌથી પહેલી અસર ક્રૂડતેલમાં: કંપનીઓના નફામાર્જીનથી માંડીને સમગ્ર અર્થતંત્ર પ્રભાવિત બને
ચૂંટણીને કારણે જુન સુધી પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અટકશે

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સંભવિત યુદ્ધની સૌથી પ્રથમ અસર ક્રુડમાં જોવા મળી શકે છે. શુક્રવારે જ બ્રેન્ટફૂડ 92.2 ડોલર પર પહોંચી ગયું હતું. ઓક્ટોબર પછીનો આ સૌથી ઉંચો ભાવ હતો. ભારતમાં તો ચૂંટણીને કારણે જુન મહિના સુધી પેટ્રોલ-ડીઝલમાં કોઇ ભાવવધારો થવાની શક્યતા નથી પરંતુ પેટ્રોલીયમ કંપનીઓના માર્જીનને અસર થઇ શકે ઉપરાંત સરકાર પર સબસીડીનો બોજ વધવાનું જોખમ સર્જાશે. આ સ્થિતિમાં ચાલુ ખાતાની તથા રાજકોષિય ખાદ્ય વધી ગઇ, મોંઘવારી મોઢુ ફાડી શકે ઇંધણ તથા ગેસના ઉંચા ભાવ દરેકેદરેક ચીજોની કિંમતને અસરકર્તા સાબિત થઇ શકે છે. રુપિયો નબળો પડવાથી આયાત પણ વધુ મોંઘી થાય એટલે અર્થતંત્ર પર બેવડુ ભારત આવી શકે છે. બારતમાં રીટેઇલ ફુગાવો માંડ પાંચ ટકાથી નીચે આવ્યો છે. ભૌગોલિક ટેન્શનના સંજોગોમાં તમામ ગણતરીઓ ઉંધી વળી શકે છે.

► ભારતીય રૂપિયા પર પ્રેશર વધશે; નવા તળીયાના સ્તરે સરકશે
કરન્સી માર્કેટમાં લાંબા વખતથી અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયો દબાણ હેઠળ જ છે અને તળીયાના સ્તરે રહ્યો છે તેવા સમયે મધ્યપૂર્વનો ઘટનાક્રમ પ્રેશર વધારી શકે છે. ભારતીય રૂપિયો નવા તળીયે ધસી શકે છે. સામે બોન્ડ પીલ્ડ ઉંચકાઇ શકે છે.

રુપિયાની નબળાઇ સમગ્ર આયાત તથા લોકલ વ્યવહારોમાં અસરકર્તા સાબિત થઇ શકે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઓક્ટોબર 2023માં રુપિયો 83.4775ના તળીયે પહોંચ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં ફોરવર્ડ માર્કેટમાં 83.73 જોવા મળ્યો હતો. પૂર્ણ યુધ્ધના સંજોગોમાં ફરી આ લેવલ તુટી શકે છે.

જો કે ભારતની વિદેશી હુંડિયામણ અનામત રેકોર્ડ સ્તરે છે અને સંભવિત જોખમ સામે રુપિયાને ટકાવવા રિઝર્વ બેંકે તૈયારી રાખી હોવાનું માની શકાય છે. ગત શુક્રવારે 83.41 બંધ રહેલો રુપિયો આજે ઉઘડતામાં 83.43 હતો.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj