ભારે ગરમી વચ્ચે વિપક્ષ પર તાપની જેમ વરસતા વડાપ્રધાન : દેશના વિકાસ માટે ગેરંટી પૂરી કરવાના કોલ

મોદી સૌરાષ્ટ્રમાં : સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગરમાં ઝંઝાવાતી સભાઓ

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 02 May, 2024 | 11:17 AM
જુદી-જુદી બેઠક પર સમાજોના વિરોધ વચ્ચે સૌના સાથનો અવાજ : રાજકોટ સુધી સંદેશો પહોંચાડશે : સભા સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત : ‘કમળ’ને જ યાદ રાખવા મતદારોને હાકલ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 2
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે છે. સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરમાં ભાજપની વિશાળ જાહેર સભાના આયોજન કરવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકોના મતદારોને તેઓ વિકાસની  ગેરંટી આપી રહ્યા છે. 

આજે બપોરે સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનની સભા માટે ભારે ઉત્સાહ દેખાયો છે. તે બાદ હાલના શેડયુલ મુજબ બપોરે ત્રણ વાગ્યે જુનાગઢ અને સાંજે પાંચ કલાકે જામનગરમાં વડાપ્રધાન સભાને સંબોધશે. 

સુરેન્દ્રનગરમાં કોળી જ્ઞાતિના જુદા જુદા સમાજ વચ્ચે ઉમેદવારનું નામ જાહેર થયા બાદ વિવાદ સર્જાયો હતો. તો જામનગરમાં ક્ષત્રિય સમાજમાં હજુ વિરોધ દેખાઇ રહ્યો છે. જુનાગઢમાં છેલ્લી ઘડીએ અમુક વિવાદ વચ્ચે પણ રાજેશ ચુડાસમા ભાજપની ટીકીટ લાવવામાં સફળ થયા હતા આ બેઠકો અને આજુબાજુના મત વિસ્તારમાં પણ મોદી લોકોને  સંદેશ આપશે.

રાજકોટના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ સૌરાષ્ટ્રમાં પ્રસર્યો છે ત્યારે આ મામલે પ્રધાનમંત્રી નામ લીધા વગર રાષ્ટ્ર હિતમાં સૌનો સહકાર માંગી રહ્યા છે. તો કોંગ્રેસ ઉપર પણ વડાપ્રધાન પ્રહારો કરશે. 

જુનાગઢ
આજે બપોરના 3 કલાકે દેશના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં સભા સંબોધશે. પોરબંદર, અમરેલી, જુનાગઢની બેઠકના ભાજપના ઉમેદવારો માટે સભાને સંબોધશે.

કડક જાપ્તા માટે 2200થી વધુ પોલીસ તેમજ કેન્દ્રીય એજન્સીઓ, સુરક્ષા કર્મી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોતીબાગ, ટીંબાવાડી સહિતના રૂટ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સ્ટેજ આસપાસ પોલીસ  પોલીસ કર્મીઓને પણ નો એન્ટ્રી કરવામાં આવી છે. આ સ્થળે એસપીજી, કેન્દ્રીય એજન્સીના કર્મીઓ તૈનાત કરાયા છે. 

વડાપ્રધાનના આગમન પૂર્વે આજે પોલીસ દ્વારા મધુરમથી સરદાર ચોક તેમજ સરદાર બાગથી મોતીબાગના રોડ ડાયવર્ટ કરવામાં આવેલ છે. ભારે વાહનોને બાયપાસ થઇને ખામધ્રોળ ચોકડી, મજેવડી દરવાજા, કાળવા ચોકથી પસાર કરવામાં આવ્યા છે. જયારે ટુ વ્હીલરને ચોબારી ફાટક અથવા ઝાંઝરડા ચોકડીથી પસાર થઇ શકશે.

વિસાવદર, બિલખા, મેંદરડા તરફથી આવતા વાહનો સરદાર ચોક, કાળવા ચોક, દાતાર રોડ, ગિરનર દરવાજા પાસે થઇ મજેવડી દરવાજાથી પસાર કરવામાં આવી રહ્યા છે. જયારે સરદાર બાગથી મોતીબાગ તરફ જતા વાહનો ઝાંઝરડા રોડ, ચોબારી ફાટક અને ઝાંઝરડા ચોકડીથી પસાર કરવામાં આવી રહ્યા છે.

ભારે તાપ-બફારા વચ્ચે ભરબપોરના આકરા તાપ વચ્ચે મોદીની સભામાં આવનાર શ્રોતાઓને હીટવેવમાં કોઇની તબીયત લથડે તો તેની સારવાર માટે આરોગ્ય વિભાગની ચાર મેડીકલ ટીમો, 40 પેરા મેડીકલ ઓફીસર, બે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. ઓઆરએસના બે હજાર પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરના 12 વાગ્યાથી લોકોને સભામંડપમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે.

જામનગર
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર માટે આજે સાંજે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેરસભાને સંબોધશે. વડાપ્રધાનના પ્રવાસને લઇને જામનગરમાં વડાપ્રધાનનો રૂટ સુરક્ષા છાવણીમાં ફેરવાઇ ગયો છે.

જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપે બે ટર્મથી સાંસદ તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર પૂનમબેન માડમને ત્રીજી વખત ટિકીટ આપી છે. જામનગરમાં ભાજપની તરફે પલ્લુ વધુ નમતું કરવાના હેતુથી આજે ભાજપ માટે ચૂંટણી પ્રચાર માટેના બ્રહ્માસ્ત્ર ગણાતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે જાહેરસભા માટેના સ્ટેજ સહિતનો સમિયાણો તૈયાર થઇ ગયો છે. આજે સાંજે 4:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઇ માર્ગે જામનગર આવી ત્યાંથી સીધા જ સભા સ્થળે પહોંચશે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓ પણ આ સભામાં ઉભસ્થિત રહેશે.

વડાપ્રધાનની સભાને લઇને તેમના રૂટ એટલે કે એરપોર્ટથી સાત રસ્તા સર્કલ સુધીના 10 કિમીના માર્ગ ઉપર સલામતી વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. આ ઉ5રાંત સભા સ્થળે બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો ખડેપગે રહેશે.

એસપીજીની ટીમ ઉપરાંત સભા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ બ બને તે માટે એટીએસની ટીમ પણ વોચ માટે ગોઠવાઇ ગઇ છે. જામનગરમાં આજે સાંજે યોજાનારી વડાપ્રધાનની સભાની સુરક્ષાની બાગડોળ એડી.ડી.જી. રાજકુમાર પાંડીયનને સોંપવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj