શેરબજારમાં નવો રેકોર્ડ: નીફટી 22783ની નવી ઉંચાઇએ: માર્કેટ કેપ 409 લાખ કરોડ

India, Business | 30 April, 2024 | 04:58 PM
હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલી: ઇન્વેસ્ટરોની સંપત્તિમાં 3 લાખ કરોડનો વધારો: જેએનકે ઇન્ડિયાનું બમ્પર લીસ્ટીંગ
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
મુંબઇ શેરબજારમાં ફરી એક વખત નવો ઇતિહાસ રચાયો હતો. તેજીનો દૌર આગળ ધપવા સાથે નિફટીએ નવો રેકોર્ડ સર્જ્યો હતો. સેન્સેક્સ પણ સર્વોચ્ચ લેવલની નજીક પહોંચી ગયો હતો. બીએસસીનું માર્કેટ કેપ 409 લાખ કરોડને વટાવી ગયું હતું. 

શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઇ હતી પ્રી-ઇલેકશન રેલી અંતર્ગત હેવી વેઇટ શેરોમાં ધુમ લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. વિદેશી નાણાં સંસ્થાઓ ફરી વખત ખરીદીમાં આવ્યાના રીપોર્ટ આવતા સારી અસર થઇ હતી. ચૂંટણીમાં મોદી સરકારની જીત થવાના આશાવાદ તથા ભારતીય અર્થતંત્ર આવતા વર્ષે દુનિયાના ચોથા નંબરે પહોંચી જવાના રિપોર્ટ જેવા કારણો તેજીને ટેકારૂપ બની રહ્યા હતાં.

જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજી ઝોનમાં રહ્યું છે અને પરિણામે નવું જંગી રોકાણ ઠલવાતું હોવાના કારણોસર ભાવો સતત ઉંચકાતા રહ્યા છે. નવું કોઇ ગંભીર કારણ ઉભું ન થાય તો રેકોર્ડ બ્રેક તેજીનો દોર આગળ વધી શકે છે. 

શેરબજારમાં આજે અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટસ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન બેંક, મહિન્દ્ર, મારૂતિ, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ જેવા શેરોમાં ઉછાળો હતો. જાના સ્મોલ ફાઇનાન્સ બેંકના 20 ટકાની તેજીની સર્કિટ લાગી હતી. નવો લીસ્ટેડ જેએનકે ઇન્ડિયા 67 ટકા ઉછળ્યો હતો. તેજી બજારે પણ ભારતીય એરટેલ, એચસીએલ ટેકનો, કોટક બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, ટીસીએસ, એચસીએલ ઇન્ફો, ડો. રેડ્ડી, ઇન્ફોસીસ જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઇ શેર બજારનો સેન્સેક્સ ઇન્ડેક્સ 411 પોઇન્ટના ઉછાળાથી 75083 સાંપડ્યો હતો. જે ઉંચામાં 75111 તથા નીચામાં 74710 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 132 પોઇન્ટ ઉંચકાઇને 22776 હતો જે ઉંચામાં 22783ની નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. નીચામાં 22661 થયો હતો. 

બીએસસીમાં આજે 3898 શેરોમાં ટ્રેડીંગ થયું હતું તેમાંથી 2058માં સુધારો હતો. 250 શેરો વર્ષની નવી ઉંચાઇએ પહોંચ્યા હતા જ્યારે 313 શેરોમાં તેજીની સર્કિટ લાગી હતી. બીએસઇનું માર્કેટ કેપ 409 લાખ કરોડને પાર થઇ ગયું હતું. 

સોના-ચાંદીમાં ગાબડું: રૂપિયો તૂટ્યો
રાજકોટ, તા.30

સોના-ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ બે તરફી અફડાતફડી રહી હોય તેમ આજે ફરી વખત ગાબડુ પડ્યું હતું. સોનામાં રૂા.500 તથા ચાંદીમાં રૂા.1200નો ઘટાડો હતો.રાજકોટમાં હાજર સોનુ ઘટીને 74300 રહ્યું હતું. કોમોડીટી એક્સચેંજમાં 70985નો ભાવ હતો. વિશ્ર્વબજારમાં  સોનાનો ભાવ ગગડીને 2320 ડોલર હતો. 

ચાંદીમાં 1200 રૂપિયા નીકળી ગયા હતા અને હાજરનો ભાવ 82500 હતો. કોમોડીટી એક્સચેંજમાં 79900 તથા વિશ્ર્વ બજારમાં 26.62 ડોલર હતો. જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકામાં વ્યાજદર ઘટાડાના નિર્ણયમાં ફરી મુદત પડશે તેવી અટકળોથી માનસ નબળું પડ્યું હતું. ભોગોલિક ક્ષેત્રે પણ કોઇ નવા બનાવોની ગેરહાજરીથી ટોન ઘટાડાનો બન્યો હતો. 

બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો હતો અને ડોલર સામે 83.51 સાંપડ્યો હતો. કેટલાક દિવસોથી ડોલર સામે રૂપિયા સતત નબળો પડતો હોવાથી આયાત જેવા ક્ષેત્રોને તિવ્ર અસર થવાની આશંકા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj