હવે OTP આધારિત ડિજિટલ ફ્રોડ રોકવાની તૈયારી

India, Technology | 24 April, 2024 | 03:54 PM
નવી એલર્ટ સિસ્ટમ વિકસાવાતી હોવાનો નિર્દેશ: શંકાસ્પદ વ્યવહારમાં ‘એલર્ટ’ મેસેજ આવી જશે; કૌભાંડિયાની ઓળખ પણ શકય બનશે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
સાઈબર છેતરપીંડી તથા ઓટીપી આધારિત કૌભાંડો રોકવા માટે હવે મહત્વપૂર્ણ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. ગૃહમંત્રાલય, એસબીઆઈ કાર્ડ તથા ટેલીકોમ ઓપરેટરોના આ સંયુક્ત પ્રોજેકટ હેઠળ શંકાસ્પદ વ્યવહારમાં ગ્રાહકને તુર્ત ચેતવણી મળી જશે અને છેતરપીંડીથી નાણાં મેળવનાર વ્યક્તિની ઓળખ પણ મળી જશે.
ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં ઓટીપી (વનટાઈમ પાસવર્ડ) સિસ્ટમનો ઉપયોગ થાય છે.

પરંતુ સાઈબર માફીયાઓ તથા કૌભાંડીયાઓ યેનકેન પ્રકારે ઓટીપી હાંસલ કરીને છેતરપીંડી આચરતા હોવાના અનેક કિસ્સા બને છે. મોબાઈલ હેક કરીને પણ કૌભાંડ આચરી લ્યે છે. હવે સરકારે આ પ્રકારના કૌભાંડ રોકવા એલર્ટ સીસ્ટમ વિકસાવવાની યોજના તૈયાર કરી છે. આ સિસ્ટમ અંતર્ગત કોઈ વ્યક્તિ છેતરપીંડી મારફત ઓટીપી મેળવી લ્યે તો પણ ગ્રાહકને એલર્ટ મેસેજ મળી જશે અને સંભવિત છેતરપીંડી અટકાવી શકાશે.

નવી સીસ્ટમ અંતર્ગત ગ્રાહકના રજીસ્ટર્ડ લોકેશનની સાથોસાથ સીમકાર્ડના જીયો લોકેશનને પણ દર્શાવાશે. સાથોસાથ ઓટીપી કયા લોકેશન પરથી માંગવામાં આવ્યુ છે તેનુ મેચીંગ કરાશે. આ પ્રક્રિયામાં કોઈ શંકાસ્પદ તથ્ય માલુમ પડવાના સંજોગોમાં ગ્રાહકને એલર્ટ અપાશે કે તેઓ સાથે છેતરપીંડીનુ જોખમ છે. ટેલીકોમ કંપનીઓની મદદથી ગ્રાહકનો ડેટાબેઝ ચેક કરીને જ ઓટીપી મોકલાશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ ડીજીટલ કૌભાંડો રોકવા માટે વધારાના વેરીફીકેશન પર ભાર મુકયો હતો. આ પાછળનુ કારણ એ હતુ કે કૌભાંડીયાઓ બેંક ગ્રાહકને જાળમાં સપડાવીને ઓટીપી મેળવી લ્યે છે અથવા મોબાઈલ હેક કરીને ઓટીપી તફડાવી લે છે.

સૂત્રોએ કહ્યું કે ડીજીટલ ફ્રોડ રોકવા માટે બે વિકલ્પો સાથે સીસ્ટમ વિકસાવવામાં આવી રહી છે એવો પ્રયાસ છે કે ઓટીપીના ડીલીવરી સ્થળ તથા ગ્રાહકના સિમ લોકેશન વચ્ચે અંતર માલુમ પડવાના સંજોગોમાં એલર્ટનો મેસેજ અપાય અથવા ઓટીપીને બ્લોક કરી દેવામાં આવે. હાલ બન્ને સિસ્ટમ પર કાર્યવાહી થઈ રહી છે.

મોબાઈલથી નાણાકીય ટ્રાન્ઝેકશનમાં ઓટીપીનો મુખ્ય રોલ હોય છે. કસ્ટમર કેર એજન્ટ કે મિત્રતા દાવે વિશ્વાસ મેળવીને ગ્રાહકને જાળમાં સપડાવવામાં આવે છે અને ઓનલાઈન ફ્રોડને અંજામ આપવામાં આવે છે. અનેક વખત સિમકાર્ડ બ્લોક કરવા કે બેંક ખાતા બંધ કરવા અથવા વિજજોડાણ કટ થઈ જવાની ધમકી આપીને કેવાયસી અપડેટના નામે ઓટીપી ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારના મોટાભાગના કૌભાંડ ચીન, કંબોડીયા તથા મ્યાંમાર જેવા દેશોમાંથી અંજામ આપવામાં આવે છે.

ડિજિટલ કૌભાંડ  થાય તો શું કરવું?
ઓનલાઈન ઠગાઈ થવાના સંજોગોમાં ભોગ બનેલા ગ્રાહકે સૌપ્રથમ ફરિયાદ કરવી જોઈએ. બેંક અથવા સંબંધીત ક્રેડીટકાર્ડ કંપનીનું ધ્યાન દોરીને ફ્રોડની માહિતી આપવી જોઈએ અને બેંક ખાતુ અથવા ક્રેડીટકાર્ડ બ્લોક કરાવી દેવુ જોઈએ એટલે વધુ કોઈ નાણાકીય નુકશાન ન થાય. આ પછી નેશનલ સાઈબર ક્રાઈમના રિપોર્ટીંગ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ થઈ શકે છે અથવા લોકલ સાઈબર પોલીસમાં પણ ફરિયાદ કરી શકાય છે. 

2023માં 1.28 લાખ સાઈબર ફ્રોડ
ડીજીટલના વધતા ટ્રેન્ડ વચ્ચે કૌભાંડો પણ વધી જ રહ્યા છે. 2023માં 1,28,265 ડીજીટલ ફ્રોડની ફરિયાદો થઈ હતી તેમાં લોકોએ 7489 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. અનેક કિસ્સામાં સાઈબર પોલીસ દ્વારા ગ્રાહકોને નાણાં પણ પરત કરાવવામાં આવતા હોય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj