દુબઈમાં દોઢ વર્ષનો વરસાદ 24 કલાકમાં પડતા જળબંબાકાર

World | 17 April, 2024 | 12:20 PM
♦ માર્ગો પર વાહનો ડૂબવા-તણાવા લાગ્યા: ગગનચુંબી ઈમારતોમાં પાણી ભરાયા
સાંજ સમાચાર

♦ રણપ્રદેશમાં ભારે વરસાદને પગલે માર્ગો પર બોટો ફરવા લાગી

♦ મેટ્રો ટ્રેન અને વિમાન સેવા ઠપ્પ: પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદે 18 લોકોનો જીવ લીધો, સ્કૂલ વેન તણાતા બાળકોના મોત

♦ બહેરીન, કતર, સાઉદી અરબમાં પણ ધોધમાર વરસાદ

દુબઈ (યુએઈ) તા.17
 યુએઈ જેવા રણ પ્રદેશોમાં ખુબજ ઓછો વરસાદ થતો હોય છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી આવેલા ઋતુ પરિવર્તનોના કારણે હવે યુએઈના રણમાં ધોધમાર વરસાદ પડવા લાગ્યા છે. દુબઈ સહિત સંયુકત અરબ અમીરાત (યુએઈ)ના અને તેના આસપાસના દેશોમાં મંગળવારે 24 કલાકે એટલો તો ગાજવીજ ધોધમાર વરસાદ 24 કલાકમાં પડેલો જે આખા વર્ષ દરમિયાન પડતો હોય છે.

એટલે કે દોઢ વર્ષનો વરસાદ 24 કલાકમાં વરસ્યો હતો. ભારે વરસાદ અને વરસાદના કારણે આવેલા પુરથી 18 લોકોના મોત નિપજયા છે. દુબઈમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આટલો વરસાદ દુબઈમાં દોઢ વર્ષ દરમિયાન પડતો હોય છે.

સંયુકત રાષ્ટ્રોમાં દુબઈ એક એવો દેશ છે જયાં વર્ષો સુધી વરસાદ પડતો નથી હોતો. જેથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. પણ મંગળવારે દેશમાં એક દિ’ વરસેલા વરસાદે પુરની સ્થિતિ પેદા કરી દીધી હતી. આ ભારે વરસાદના કારણે વિમાનથી માંડીને મેટ્રો ટ્રેન વ્યવસ્થાને અસર થઈ હતી. રસ્તા પર કારો તણાવા લાગી હતી તો લોકો નાવ પર સવાર જોવા મળ્યા હતા. એરપોર્ટથી માંડીને મેટ્રો સુધી બધુ ઠપ્પ થઈ ગયુ હતું.

દુબઈમાં મંગળવારે થયેલા ભારે વરસાદના કારણે પુર જેવી હાલત પેદા થઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે યુએઈમાં મુખ્ય રાજમાર્ગો પાણીથી ભરાઈ ગયા હતા અને વાહનો પાણીમાં ડુબતા તણાતા નજરે પડયા હતા.

 ભારે વરસાદના કારણે યુએઈમાં પ્રશાસને લોકોને ઘરમાં રહેવાનો અનુરોધ કર્યો હતો. સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા કરાઈ હતી. સરકારી કર્મચારીઓને પણ ઘરમાં રહીને કામ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ભારે વરસાદના કારણે દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતા વિમાન મથકોમાનું એક દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (ડીએકસબી) પર લગભગ 25 મિનિટ સુધી સંચાલન ઠપ્પ રહ્યું હતું આ કારણે અનેક ઉડાનો રદ કરવી પડી હતી તો અનેક ફલાઈટો મોડી પડી હતી.

મંગળવારે દુબઈમાં મેઘસવારી એટલી જોરદાર હતી કે અનેક હાઈવે પર ભરાયેલા પાણીને કાઢવા માટે પ્રશાસને મોટા મોટા પંપ લગાવવા પડયા હતા. પાણી એટલું તો ભરાયું હતું કે તેમાં અનેક ગાડીઓ ડૂબી ગઈ હતી.

દુબઈ તેની બુર્જ ખલીફા સહિત મોટી મોટી બિલ્ડીંગોથી જાણીતું છે. પણ મંગળવારે થયેલ જોરદાર વરસાદથી અને બહુમાળી બિલ્ડીંગોની બહાર પાણી જમા થઈ ગયું હતું. તો ઘણી બિલ્ડીંગોમાં અંદર પાણી ઘુસી ગયા હતા.

વરસાદના પાણીથી ફસાયેલા લોકો પોતાના ઘરની બહાર બોટની મદદ લેતા જોવા મળ્યા હતા. ઘરની બહાર પાણી ભરાઈ જવાથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.
 યુએઈના પડોશી દેશો બહેરીન, કતર સાઉદી અરબમાં પણ જોરદાર વરસાદ થયો હતો.

ઓમાનમાં તો હાલમાં થયેલા વરસાદથી 18 લોકોના મોત થયા છે. જેમાં 10 તો સ્કૂલના બાળકો છે. જેમની સ્કૂલવાન પુરમાં તણાઈ ગઈ હતી. બહેરીનની રાજધાની મનામામાં માર્ગો પર પાણી ભરાઈ ગયું હતું. કુવૈત, સાઉદી અરબ અને ઓમાનમાં આજે વાવાઝોડાની આશંકા વ્યકત કરાઈ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj