નવી દિલ્હી : દેશમાં ઈક્વિટી માર્કેટમાં તેજીને પગલે ડિમેટ ખાતાની સંખ્યા માર્ચ- 2024માં 15 કરોડના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. માર્ચ મહિનામાં જ નવા 31 લાખ ડિમેટ ખાતા ખૂલ્યા હતા. માર્ચ-2023ના અંતે ડિમેટ ખાતાની કુલ સંખ્યા 11.45 કરોડ હતી, જે વધીને માર્ચ- 2024ના અંતે 15.1 કરોડ થઈ હતી. આમ, એક વર્ષમાં નવા 3.69 કરોડ ડિમેટ ખાતા ખૂલ્યા હતા, જે 32.25 ટકા વધારો દર્શાવે છે.
બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલના ડેટા એનાલિસીસ અનુસાર નવા વર્ષમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે તેવી ધારણા છે. તેણે કહ્યું કે 2023-24માં દર મહિને સરેરાશ 31 લાખ (એક્ઝેટ 30.7 લાખ) નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા.
ડિપોઝીટરી સર્વિસ પ્રોવાઈડર્સ સીડીએસએલ અને એનએસડીએલ પૈકી સીડીએસએલનો માર્કેટ હિસ્સો વધી રહ્યો છે. તેનો અર્થ એ છે કે નવા ખૂલી રહેલા ડિમેટ ખાતા સીડીએસએલમાં વધુ સંખ્યામાં ખૂલી રહ્યા છે. સીડીએસએલનો માર્કેટ હિસ્સો ફેબ્રુઆરીની સરખામણીમાં પણ વધ્યો છે અને ગત વર્ષે માર્ચની સરખામણીમાં પણ વધ્યો છે. બીજી તરફ એનએસડીએલનો માર્કેટ હિસ્સો બન્ને રીતે ઘટ્યો છે.
કુલ ડિમેટ ખાતાની સંખ્યાની દૃષ્ટિએ અને નવા ખાતાના ઉમેરા બન્નેમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. એનએસઈ ખાતે એક્ટિવ ક્લાયન્ટ્સની સંખ્યા ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં 1.8 ટકા વધીને 4.08 કરોડ થઈ હતી. હાલમાં એનએસઈના એક્ટિવ ક્યાલન્ટ્સના 63.8 ટકા પર ટોપ-5 ડિસ્કાઉન્ટ બ્રોકર્સનો કબજો છે. માર્ચ-2023માં તેમની ટકાવારી 59.9 ટકા હતી.
ઝીરોધા ટોચના સ્થાન પર રહી છે. જોકે માર્ચમાં તેનો ક્લાયન્ટ બેઝ 0.9 ટકા વધવા છતાં તેનો માર્કેટ હિસ્સો 0.2 ટકા ઘટ્યો છે. પરંપરાગત બ્રોકર્સમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. આઈએસઈસીના ક્લાયન્ટ્સની સંખ્યામાં 1.3 ટકાનો ઘટાડો જોવાયો હતો અને તેનો માર્કેટહિસ્સો 0.15 ટકા ઘટ્યો હતો.
જોકે આઈઆઈએફએલ સિક્યુરિટીઝના ક્લાયન્ટ્સની સંખ્યા 0.3 ટકા વધી હતી, અને તેણે માર્કેટ હિસ્સો 1.1 ટકા જાળવી રાખ્યો હતો. ડિસેમ્બર 2023થી નવા ડિમેટ ખાતા ખૂલવાનું પ્રમાણ ઝડપથી વધ્યું છે.
ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ ત્રણેય મહિનામાં પ્રત્યેકમાં 40 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા. જાન્યુઆરીમાં સૌથી વધુ 46 લાખ ડિમેટ ખાતા ખૂલ્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં નિફ્ટી ઈન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy