મનપા કચેરીમાં ‘આપ’ની ધમાલ : ચકકાજામ કરતા પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોને ઉપાડયા

Saurashtra | Rajkot | 14 June, 2024 | 05:23 PM
અગ્નિકાંડની ઘટના બદલ પ્રજાના ટેકસમાંથી પગાર સહિતની સુવિધા ભોગવતી મહાપાલિકાને સુપરસીડ કરવા માંગણી : તમામની જવાબદારી નકકી કરી દાખલારૂપ સજા કરો
સાંજ સમાચાર

► ઢેબર રોડ પર ભરબપોરે આગેવાનો બેસી જતા પોલીસ દોડી આવી : ઉગ્ર સુત્રોચ્ચાર વચ્ચે ટ્રાફિકજામ થઇ ગયો :  સીલીંગની કામગીરીમાં પણ અતિરેક : 16ની અટકાયત

રાજકોટ, તા. 14
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલુ છે ત્યારે આ ઘટના બાદ પૂરા શહેરમાં ફાયર એનઓસી અંગે આડેધડ થતી કામગીરી સામે આજે આમ આદમી પાર્ટીએ મહાપાલિકામાં ઉગ્ર વિરોધ ઠાલવ્યો હતો. ડે.કમિશનરને આવેદન બાદ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મનપાના ગેટ બહાર બેસી ગયા હતા અને ચકકાજામ કરતા બસ સ્ટેન્ડ લાગુ ઢેબર રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

કાર્યકરોએ તાનાશાહી નહીં ચાલે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા અને જયાંથી અધિકારીઓ અને ચૂંટાયેલા લોકોને પ્રજાના  ટેકસમાંથી પગાર સહિતના લાભો મળે છે તે મહાપાલિકાને સુપરસીડ કરવા માંગ કરી છે. ધમાલ વચ્ચે પોલીસે ટ્રાફિક જામ કલીયર કરવા હોદ્દેદારો અને કાર્યકરોની ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. એ ડીવીઝન પોલીસે મનપા કચેરીમાંથી પાર્ટીના 16 કાર્યકરોને ડીટેઇન કર્યાનું જણાવ્યું હતું. 

આવેદનમાં પાર્ટીએ જણાવ્યું હતું કે, તા.25-5ના રોજ ટીઆરપી ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકારના દ્વારા (સીટ)ની રચના કર્યા બાદ તેમજ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લીધા બાદ શહેરમાં સોસાયટીના કોમ્યુનિટીહોલ, સમાજની વાડીઓ, ટયુશન કલાસીસ, શાળા, કોલેજોમાં અને કોમર્શિયલ બિલ્ડીંગો મ્યુનિ. કોર્પોરેશન આડેધડ કોઇપણ સાંભળ્યા વિના તેમજ  દસ્તાવેજી પુરાવા અંગે સમય આપ્યા વિના ધડાધડ સીલ કરે છે, નોટીફીકેશન-પરીપત્રો દ્વારા ફાયર સેફટી એકના અમલમાં વખતોવખતની પરિસ્થિતિ જોઇએ અને લાગુ પડતા એકમોને જ સીલ કરવામાં આવે છે. 

કોર્પોરેશનમાં અગાઉ ભયંકર ભ્રષ્ટાચારના હિસાબે ફાયર વિભાગની કામગીરીમાં સવાલો ઉઠેલ જેમાં અરજદારોની અરજી તારીખ, ઇન્સ્પેકશન અને એનઓસીઓ સમયગાળા ચકાસવામાં આવશે તો તમામ વિગતો બહાર આવશે જેનો સુધારો કરીને પારદર્શક અને ઝડપથી કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા જરૂરી છે. 

બિલ્ડીંગના વપરાશમાં કોઇપણ સળગી ઉઠે તેવી વસ્તુ કે રસોઇ થતી ન હોય ફર્નિચર કે ઇન્ટીરીયરમાં લાકડુ, કાપડ કે બેનરનો વપરાશ ન હોય, એકથી વધારે દરવાજા હોય, બિલ્ડીંગની ઉંચાઇ એક જ માળ હોય છતાં સીલીંગ પ્રક્રિયા  થાય છે જે ગેરવ્યાજબી છે આ વખતે વિવેક બુધ્ધિનો ઉપયોગ કરી અને ફાયર એનઓસીની મુકિતનો લાભ આપવો જોઇએ.

આ બાબતે એસઓપી બહાર પાડવી જોઇએ તેને અનુરૂપ કાર્યવાહી કરવાની જરૂરી છે. હાઇકોર્ટ કે ગુજરાત સરકાર અને સીટને કામગીરી દેખાડવા માટે આડેધડ સીલીંગ કરી અને તંત્ર કામગીરી કરતું હોય તેવો હાઉ ઉભો કરવામાં આવે છે આ કારણે સામાન્ય જનતાને હેરાનગતિ થાય છે તે બાબતે તમામ પ્રક્રિયા નિયમાનુસાર કરવી જોઇએ.

સાથે સાથે જાહેર સેવકની વ્યાખ્યામાં કોર્પોરેટર, મેયર, સ્ટે.ચેરમેન વિવિધ વિભાગોમાં ચેરમેન, ધારાસભ્ય તથા બ્યુરોકેટસમાં કલાર્કથી માંડીને કમિશ્નર સુધીના અધિકારી તેમજ પદાધિકારીની જયાં ભુલ જણાય તેઓની જવાબદારી  ફિકસ કરીને કાર્યવાહી કરવી જોઇએ. આ દરેક લોકો જાહેર સેવકની વ્યાખ્યામાં આવે છે અને પ્રજાના ટેકસના પૈસાથી પગાર અને વિવિધ સગવડો ભોગવે છે માટે જવાબદારી નકકી કરીને દાખલારૂપ સજા થાય તેવી કામગીરી કરવા માંગ કરી છે. આ વિરોધથી ધમાલ મચી હતી. પાર્ટી અધ્યક્ષ દિનેશ જોશી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મૃતકોના પરિવારોને 1-1 કરોડની સહાય આપવા પણ માંગણી કરી 
હતી.

► મ્યુનિ. કોર્પોરેશન કચેરીમાં આજે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને ઢેબર રોડ પર ચકકાજામ કર્યો હતો જેથી પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોને વાનમાં બેસાડયા હતા. આ સમયે રકઝક થઇ ગઇ હતી. આ પૂર્વે આગેવાનોએ ડે.કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj