RAJKOT : અગ્નિકાંડની નિષ્પક્ષ તપાસ માટે ‘સીટ’ બદલાવો: પોલીસ કમિશ્નર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ

Saurashtra | Rajkot | 15 June, 2024 | 05:49 PM
♦ સુભાષ ત્રિવેદી વડપણ હેઠળ સીટની ટીમ ભીનુ સંકેલો સમિતિ છે: IPS સુધા પાંડે, સુજાતા મજમુદાર અને નિર્લીપ્ત રાયને તપાસ સોંપવામાં આવે
સાંજ સમાચાર

♦ બહુમાળી ભવન ચોક પાસેથી નીકળેલી રેલી જીલ્લા પંચાયત ચોક પાસે પહોંચતા જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ: સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસ આગેવાનો પીડિતોને ન્યાય અપાવવા રોડ પર બેસી ગયા: ધારાસભ્ય અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી મેરેથોન બેઠક યોજી

♦ અમુક અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી પ્રજાને મુર્ખ બનાવી: કોર્પોરેટરો, મેયર અને મંત્રીઓને બચાવવાની ચાલ

રાજકોટ તા.15
ગત તા.25ના ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગથી 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. જે મામલે વિરોધ પક્ષ કોંગ્રેસ આકરા મુડમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આઈપીએસ સુભાષ ત્રિવેદી વડપણ હેઠળની સીટની ટીમને બદલી નિષ્પક્ષ તપાસ કરાવવા માટે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા માટે બહુમાળી ભવન ચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જીલ્લા પંચાયત ચોક પાસેથી પહોંચતા જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો, કાર્યકરો રોડ પર બેસી ગયા હતા.

જયારે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનોએ પોલીસ કમિશ્નરને પીડિતોને ન્યાય અપાવવા માટે ઉગ્ર રજુઆત સાથે મેરેથોન બેઠક કરી હતી. તેમજ રાજય સરકાર પર કોંગ્રેસ નેતાઓએ ચાબખાં માર્યા હતા. કોંગ્રેસના હલ્લાબોલથી શહેર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. એક તબકકે ઉગ્ર થયેલ વાતાવરણને લીધે ચિંતીત થયેલ પોલીસને કોંગ્રેસનો કાર્યક્રમ શાંતિથી સમાપ્ત થતા રાહતનો શ્ર્વાસ લીધો હતો.

કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવેલ તેમાં જણાવ્યું હતું કે સતાધારી પક્ષના ભ્રષ્ટ નેતાઓ અને માનીતા અધિકારીઓની પૈસાની ભૂખના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નીકાંડમાં 12 માસુમ ભુલકાઓ સહિત 30 જેટલા લોકો હોમાઈ ગયા હતા. પરંતુ હજુ સુધી પીડિત પરિવારોને કે શહેરીજનોને જરાપણ ખાતરી મળી નથી કે યોગ્ય અને સચોટ તપાસ કરવામાં આવી રહી છે.

મોરબીકાંડ અને તક્ષશીલા કાંડની માફક અગ્નીકાંડમાં પણ છેલ્લે ભીનુ સંકેલાઈ જશે. તંત્રની અત્યાર સુધીની વર્તણુંક જોતા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સીટ એ ભીનુ સંકેલો સમીતી છે. હાઈકોર્ટ પણ સતત કહી રહી છે કે નાની માછલીઓને પકડવામાં આવી છે. ઔપચારીકતા પુરતા નાના અધિકારીઓની તંત્ર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે તેમજ અમુક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી પણ મોટા અધિકારીઓ સામે વિશેષ તો જેની હપ્તાખોરીના કારણે આ ઘટના બની તેવા સતાધારી પક્ષના કોર્પોરેટરો, મંત્રીઓ, મેયર વગેરે સામે કોઈપણ પ્રકારનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો નથી જે સમગ્ર ગુજરાતની જનતા લોલીપોપ જોઈ રહી છે.

♦ આગકાંડમાં બચી ગયેલ ઈજાગ્રસ્ત યુવક એમ્બ્યુલન્સમાં ન્યાય માટે પહોંચ્યો
કોંગ્રેસ દ્વારા આગકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે પોલીસ કમિશ્નરને રજુઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગકાંડ સમયે ગેમઝોનમાં કામ કરતા જામનગરનો મનીષ ખીમસુરીયા નામનો યુવક કેટલાય લોકોને બચાવ્યા બાદ બીજા માળેથી પોતે પણ જીવ બચાવવા કુદયો તેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે હાલ સુધી સારવારમાં જ હતો પણ નિર્ભર તંત્રએ તેની નોંધ પણ ન લેતા ઈજાગ્રસ્ત યુવક એમ્બ્યુલન્સમાં ન્યાયની ગુહાર લગાવવા માટે પહોંચ્યો હતો.

♦ કોંગ્રેસી આગેવાનો અને પોલીસ કમિશ્નર વચ્ચે મેરેથોન બેઠક ચાલી
અગ્નીકાંડમાં ભોગ બનેલા લોકોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અમીત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજુઆત કર્યા બાદ આગળની તપાસ 
માટે પોઈન્ટ ટુ પોઈન્ટ તપાસ થાય તે માટે એક કલાકથી વધુ મેરેથોન બેઠક ચાલી હતી જેમાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડીશ્નલ સીપી, ડીસીપી ક્રાઈમ, પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજજનસિંહ પરમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

♦ કોંગ્રેસની રજુઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે: સીપી બ્રજેશકુમાર ઝા
કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સીટની ટીમને બદલવામાં આવે તેવી પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી. જે મામલે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ કોંગ્રેસની તમામ રજુઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેવુ આશ્ર્વાસ આપવામાં આવ્યું હતું.

♦ પોલીસ કમિશ્નરે યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને તેના પર ભરોસો નથી: જીજ્ઞેશ મેવાણી
અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો જીજ્ઞેશ મેવાણીએ પોલીસ કમિશ્નરને ઉગ્ર રજુઆત કર્યા બાદ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ કમિશ્નરે યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભાજપ સરકાર પર ભરોસો નથી. અગાઉ મોરબી ઝુલતા પુલ કાંડ, તક્ષશીલા કાંડ અને હરણીકાંડમાં ભાજપે એક પણ પીડિતને ન્યાય આપ્યો નથી. જયાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસમાં લેવામાં નહી આવે ત્યાં સુધી કોંગ્રેસી આંદોલન ચાલુ રાખવામાં આવશે.

♦ અગ્નિકાંડમાં મૃતક આશાના પરિવારને સહાય પણ મળી નથી
ટીઆરપી ગેમઝોનમાં કર્મી આશા નામની યુવતી પણ અગ્નિકાંડમાં ભોગ બની હતી જે બાદ સરકારે લાખો રૂપિયાની સહાયની જાહેરાત કર્યા બાદ પણ કોઈ પણ જાતની સહાય ન મળી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું તેમજ તેમના પરિવારે પોલીસ કમિશ્નરને મૃતક આશાને ન્યાય મળે તે માટે તટસ્થ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.

♦ તા.25ના રાજકોટ બંધના એલાનમાં પક્ષાપક્ષી છોડી જોડાવા લોકોને અપીલ: લાલજી દેસાઈ
કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અગ્નીકાંડમાં જીવ ગુમાવનાર વ્યક્તિના આત્માની શાંતિ તેમજ પીડિત પરિવારોને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં લોકો પક્ષાપક્ષી છોડી માનવતાની ખાતર બંધમાં જોડાવા બે હાથ જોડી વિનંતી છે.

♦ કોર્પોરેશનથી લઈ મુખ્યમંત્રી સહિતના તમામ પદાધિકારીઓની તપાસ થવી જોઈએ: અમીત ચાવડા
ધારાસભ્યો અમીત ચાવડાએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમઝોન આગકાંડ ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના કહી શકાય. તેના માટે સતાધારી પક્ષ જવાબદાર છે જેથી રાજકોટ મહાનગરપાલિકાથી લઈ મુખ્યમંત્રી સહિતના તમામ પદાધિકારીઓની તપાસ થવી જોઈએ તેમજ હાલના સીટીંગ જજના વડપણ હેઠળની કમીટી બનાવી તપાસ થવી જોઈએ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj