કુવાડવા પાસે વાહન ચેકીંગ દરમિયાન એનએસયુઆઈ પ્રમુખ અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Crime | Rajkot | 29 April, 2024 | 11:47 AM
બીજીવાર કાર ચેક કરવાં બાબતે પૂછતાં વિદ્યાર્થી નેતાને પોલીસે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ફડાકા ઝીંક્યા: પોલીસમેન કનુભાઈ ભમ્મર અને અજીતસિંહ ઝાલા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
સાંજ સમાચાર

રાજકોટ. તા.29
કુવાડવા પાસે વાહન ચેકીંગ દરમિયાન બીજીવાર કાર ચેક કરવાં બાબતે પૂછતાં વિદ્યાર્થી નેતાને પોલીસે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ફડાકા ઝીંકતા
પોલીસમેન કનુભાઈ ભમ્મર અને અજીતસિંહ ઝાલા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જિલ્લા ગાર્ડન ચોક પાસે કુંભારાવાડમાં રહેતાં મૂળ કોડીનારના અરણેજ ગામના વતની હુલકુમાર મનુભાઈ સોલંકી (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પોલીસવાળા કનુભાઈ ભમર અને અજીતસિંહ ઝાલાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ બાલાજી હોલ પાસે આવેલ ક્રીએશન કોલેજમાં અભ્યાસ કરે છે અને તે અગાઉ કાલાવાડ રોડ પર આવેલ એમ.જી.હોસ્ટેલમાં રહેતો હતો.

ગઈ તા.27/04 ના તે તેમના મિત્ર નરેન્દ્રભાઈ સોલંકી અને રાહુલ ગમારા નરેંદ્રભાઈ સોલંકીની ક્રેટા ગાડીમાં અમદાવાદથી રાજકોટ આવતા હતા દરમ્યાન સાંજના સમયે અમદાવાદ-રાજકોટ હાઇવે જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે પહોચેલ ત્યારે ત્યા રોડ ઉપર વાહન ચેકીંગ શરૂ હતું. તે દરમ્યાન  વાહન ચેકીંગમા હાજર રહેલ પોલીસ દ્વારા તેઓની ગાડી રોકવામા આવતા રાહુલે સાઇડમા ઉભી રાખેલ હતી.

દરમ્યાન ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા ગાડી ચેક કરવામા આવેલ હતી. ત્યારબાદ તેઓની ગાડી ફરી વખત ચેક કરતા ત્યાં હાજર પોલીસવાળા ભાઈને જણાવેલ કે, અમારી ગાડી એક વખત ચેક થઇ ગયેલ છે તેમ છતાં બીજીવાર તમે કેમ ચેક કરો છો તેમ કહી ત્યાં હાજર પોલીસ અધિકારીને રજુઆત કરવા માટે ગયેલ અને ત્યાથી રજુઆત કરી પરત આવતા પોલીસવાળા ભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયેલા અને જણાવેલ કે, તારૂ શું નામ છે અને તું ક્યાં રહે છે તેમ કહેતા તેમને પોતાનું નામ  રાહુલ સોલંકી અને એમ.જી.હોસ્ટેલનો ભુતપુર્વ વિદ્યાર્થી છુ તેમ કહેતા પોલીસવાળા ભાઈએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમે ક્યારથી આવી ગાડીમા ફરતા થઇ ગયા અને અમારી સામે બોલતા થઇ ગયા તેમ કહેતા પોલીસવાળા ભાઇની નેમ પ્લેટ જોયેલ તો નેમ પ્લેટ ઉપર કનુભાઇ જી. ભમ્મર લખેલ હતું. જેથી તેઓને જણાવેલ કે, તમારે પોલીસ તરીકે આવુ વર્તન ન કરાઇ તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયેલા અને ગાળો દેવા લાગેલ તે દરમ્યાન બીજા એક પોલીસવાળા અભીજીતસિંહ ઝાલા ઘસી આવેલ અને અભીજીતસિંહ ઝાલાએ તેમને પકડી રાખેલ અને કનુભાઇએ બે-ત્રણ ફડાકા મારેલ હતાં. દરમ્યાન ગાડીના ડ્રાઈવર રાહુલ ગમારા અને નરેદ્રભાઇ સોલંકી ગાડીમાથી નીચે ઉતરી તેઓને વધુ મારથી છોડાવેલ હતો. 

♦ ’હું એન.એસ.યુ.આઈ.નો પ્રમુખ છુ, તારાથી મારી ગાડી ચેક કેમ કરાઈ’ કહીં પોલીસ પર હુમલો

♦ નરેન્દ્ર સોલંકી, રાહુલ સોલંકી અને રાહુલ ગમારા વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ. તા.29
કુવાડવા પાસે વાહન ચેકીંગ દરમિયાન હું એન.એસ.યુ.આઈ.નો પ્રમુખ છુ, તારાથી મારી ગાડી ચેક કેમ કરાઈ’ કહીં બે પોલીસમેન પર હુમલો કરનાર નરેન્દ્ર સોલંકી, રાહુલ સોલંકી અને રાહુલ ગમારા વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

જ્યારે સામાપક્ષે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતાં કનુભાઇ ગોદડભાઈ ભમ્મર (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નરેન્દ્ર સોલંકી, રાહુલ સોલંકી
 અને રાહુલ ગમારાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ શહેર પ્રદ્યુમનનગર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હાલ તેઓ આગામી લોકસભા ચુટણી અનુસંધાને એસ.એસ.ટી. ટીમમા ગઇ તા.12/04/2024 થી ફરજ બજાવે છે. ગઈ તા. તા.27/04ના એસ.એસ.ટી. ટીમમાં હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ રીટાબેન  વીડીયોગ્રાફર હરેશભાઈ ગોંડલીયા, ડ્રાઇવર ધર્મેશભાઇ જીંજરીયા અને ટીમના ઇન્ચાર્જ ડો. જયેશભાઇ સાવલિયા સાથે અમદાવાદ-રાજકોટ હાઇવે જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે   વાહન ચેકીંગ કરતા હતાં.

દરમ્યાન સાંજના સમયે અમદાવાદ તરફથી ક્રેટા ગાડી આવતાં તે ગાડીને સાઇડમા ઉભી રખાવી ચેક કરતા હતા અને બાજુમાં ટ્રાફીક પોલીસનુ ચેકીંગ પણ શરૂ હતું. ક્રેટા ગાડી ચેક કરતા તેમા કાંઈ ગેરકાયદેસર મળી આવેલ નહી પરંતુ ક્રેટા ગાડીના કાચ કાળા હોય જેથી ત્યાં હાજર ટ્રાફીક પોલીસે ક્રેટા ગાડીના કાળા કાચ બાબતે હાજર દંડ લીધેલ હોય જેથી ગાડીવાળા ત્રણ જણા અમારી પાસે આવેલ અને તેમાંથી એક શખ્સે જણાવેલ કે, મારૂ નામ નરેંદ્ર સોલંકી છે અને મારી સાથે ગાડીમાં રાહુલ સોલંકી અને રાહુલ ગમારા છે.

હું એન.એસ.યુ.આઈ.નો પ્રમુખ છુ, તારાથી મારી ગાડી ચેક કેમ કરાઈ તેમ કહિ ઉશ્કેરાઇ જઈ ગાળો દેતા તેમને ગાળો નહિ બોલવાનુ કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ ગયેલ અને રાહુલ સોલંકીએ  જણાવેલ કે, તમારા પોલીસવાળાને બહુ હવા છે હવે તમારા પટ્ટા ટોપી ઉતારાવી ન દઉં તો કહેજો તેમ કહીં નરેંદ્ર સોલંકીએ  કાઠલો પકડતા અભીજીતસિંહ વચ્ચે પડી છોડાવેલ જેથી ત્રણેય શખ્સો તેઓને અને સાથેના અભેજીતસિંહને ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતાં.  જ્યાં હાજર પોલીસ સ્ટાફ આવી જતાં બન્નેને વધુ મારથી છોડાવેલ અને આ રાહુલ સોલંકીએ કહેલ કે, આ લોકો વિરૂધ્ધ હવે એટ્રોસીટીની ફરીયાદ કરવી છે અને હવે કેમ નોકરી કરો છો તે અમે જોઇ લેશુ તેમ કહીં ધમકી આપી હતી. બી. ડિવિઝન પોલીસે સામસામી ફરીયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj