ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજની મોટી વસ્તી ધરાવતા ગામના આગેવાનો સાથે પૂનમબેન માડમની મહત્વની-સફળ બેઠક

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 02 May, 2024 | 03:39 PM
♦ ક્ષત્રિય સમાજના ભાજપ વિરોધી આંદોલનનું એ.પી.સેન્ટર બનેલા જામનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવાની દિશામાં મહત્વનું પગલું: ધ્રોલના મોટાવાગુદળ ગામે ક્ષત્રિય આગેવાન રાજભા જાડેજાના ફાર્મહાઉસ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય મેઘજી ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે મેરેથોન બેઠક યોજી કર્યો સીધો સંવાદ: ભાજપ વિરૂધ્ધ મત આપવા માટે કોઇને ફરજ પડાશે નહીં કે ભાજપ મત આપવા જતાં કોઇને ન અટકાવવા અપાઇ ખાત્રી: ભાજપ સામેની નારાજગીનો મતલબ કોંગ્રેસનું સમર્થન કરીએ તેવો નથી: ઘોડો ન ગમતો હોય તો, ગધેડો ન રખાય: કોંગ્રેસના નિશાન સામે બટન દબાવવું શક્ય ન હોવાનું સ્પષ્ટ જણાવતા રાજભા જાડેજા: ગામના આગેવાનોએ સમગ્ર ચૂંટણીમાં ઘર્ષણથી દૂર રહેવા ગ્રામજનોને સમજાવવાની પણ આપી હૈયાધારણા: વડાપ્રધાનની સભામાં વિરોધ ન કરવાની સંકલન સમિત્તિની જાહેરાતના બાર કલાક બાદ પૂનમબેન માડમ અને ભાજપ માટે ધ્રોલ પંથકમાંથી મળ્યાં સારા સમાચાર
સાંજ સમાચાર

જામનગર તા.2
જામનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજની ભાજપ પ્રત્યેની દેખાતી ભારે નારાજગીને હળવી કરવા માટેના પ્રયાસો હવે ધીમેધીમે સફળ થવાની શરૂઆત થઇ હોય તેમ લાગે છે. ક્ષત્રિય સમાજનું ભાજપ વિરોધી આંદોલન માટેનું એપી સેન્ટર બની ગયેલ જામનગરમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાઇ રહેલી જાહેરસભામાં કોઇપણ જાતનો વિરોધ વ્યક્ત ન કરવાની રાજપૂત સમાજની સંસ્થાઓની બનેલી સંકલન સમિત્તિએ ગઇકાલે જાહેરાત કરી હતી. આ પછી ગત્ રાત્રે ધ્રોલ તાલુકાના એકાદ ડઝન જેટલા ક્ષત્રિય સમાજની મોટી વસ્તી ધરાવતા ગામોના ક્ષત્રિય આગેવાનો-સરપંચો સાથે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે કરેલી બેઠકમાં પણ કોઇ સંઘર્ષ ન થાય કે વર્ગવિગ્રહ ન થાય તેમજ ખાસ કરીને મતદાનના દિવસે ભાજપ તરફી મતદાનને અટકાવવાનો પ્રયાસ નહીં થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી.

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે કરેલી વિવાદિત ટિપ્પણી સામે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળે છે. જામનગર જિલ્લામાં જે પ્રમાણે ભાજપ સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે તે જોતા ભાજપ સામેના ક્ષત્રિય સમાજના આંદોલનનું એપી સેન્ટર રાજકોટને બદલે જામનગર બની ગયું હોય તેવી સ્થિતિ વચ્ચે આખરે ભાજપ માટે રાહત આપતા સમાચારો ક્ષત્રિય સમાજમાંથી જ સામે આવી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા આજે સાંજે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાઇ રહી છે. જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમના પ્રચાર માટે જામનગરમાં યોજાયેલી આ જાહેરસભામાં કોઇ ખલેલ ન પહોંચે કે વડાપ્રધાનનું અપમાન ન થાય તે માટે ગઇકાલે જ ક્ષત્રિય સમાજની સંકલન સમિત્તિએ પત્રકાર પરિષદ યોજીને વડાપ્રધાનની સભામાં કોઇપણ જાતનો વિરોધ કે દેખાવ ન કરવાનો નિર્ણય લેવાયાનું જાહેર કર્યું હતું. આમ ક્ષત્રિય સમાજના ભાજપ સામેના આંદોલનના એપી સેન્ટર બનેલા જામનગર લોકસભા બેઠક માટે આ સમાચાર એક પોઝીટીવ સંકેત સમાન ગણાય. ગત્ રાત્રે જ ભાજપને અને ખાસ કરીને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત લોકસભાની ચૂંટણી લડી રહેલાં પૂનમબેન માડમ માટે વધુ એક મોટી રાહતના સમાચાર બન્યા હતાં.

ધ્રોલ તાલુકાના એકાદ ડઝન જેટલા એવા ગામો કે જ્યાં ક્ષત્રિય સમાજની મોટી વસ્તી છે અને ગામના સરપંચ કે ઉપસરપંચ ક્ષત્રિય સમાજના વ્યક્તિ છે. આવા આગેવાનો સાથે ગઇરાત્રે ધ્રોલ તાલુકાના વાગુદળ ગામે આવેલ રાજભા જાડેજા નામના ક્ષત્રિય અગ્રણીના ફાર્મહાઉસ ખાતે એક તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્ષત્રિય અગ્રણીઓ સાથે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ અને કાલાવડ વિધાનસભા મત વિસ્તાનાર ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાને સાથે રાખી જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમે જાતે સંવાદ કર્યો હતો. એકાદ કલાકની ચર્ચા-વિચારણાને અંતે પૂનમબેન માડમ માટે મોટી રાહત સાબિત થઇ શકે તેવો નિર્ણય લેવાયો હતો.

આ બેઠક પુરી થયા બાદ પૂનમબેન માડમે મીડિયા સમક્ષ આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ હાલ ભાજપની નારાજ છે તે વાત સાચી છે. પરંતુ આ સમાજ રાષ્ટ્રના વિકાસ માટે પણ ચિંતિત રહે છે. આથી આ સમાજ ગુસ્સે હોય, ઉગ્રતાથી વિરોધ કરતો હોય ત્યારે મેં જાતે આ સમાજના અગ્રણીઓ સાથે સંવાદ કરવા નક્કી કર્યું હતું. આ માટે મેં ધ્રોલ તાલુકાના રાજપૂત આગેવાનોને વિનંતી કરી હતી. જેને સ્વિકારી મોટાવાગુદળ ખાતે રાજભા જાડેજાના પ્રયત્નોથી તેમના ફાર્મહાઉસમાં 10 થી 12 ગામના સરપંચો સહિતના ક્ષત્રિય આગેવાનો, યુવાનો તથા વડીલો સાથે વિસ્તારથી વાત કરી હતી.

પ્રવિણસિંહ ઝાલા, નવલસિંહ જાડેજા, ગોવુભા, લગધીરસિંહ, રાજભા જાડેજા, સી.આર.જાડેજાએ પણ ખાસ હાજરી આપી હતી. મતદાન 7 મી એ પુરૂં થઇ જશે પણ જો સંઘર્ષ કે વર્ગવિગ્રહ થાય તો તેની અસર લાંબો સમય રહે. આથી આવું કંઇ ન બને તેમ હું પણ ઇચ્છું છું અને ક્ષત્રિય અગ્રણીઓ પણ ઇચ્છે છે. તેઓ તેમના સમાની બહેન-દિકરીની વાત લઇને આગળ વધે છે ત્યારે મેં પણ એક બહેન કે દિકરી બની મારી વાત તેમની સમક્ષ મુકી હતી. આથી એ વાત ઉપર સૌ સહમત થયા કે શાંતિપૂર્ણ માહોલમાં અને કોઇ વિવાદ કે સંઘર્ષ વિના ચૂંટણી સંપન્ન થાય. આથી મને એવી પણ ખાત્રી આ બેઠકમાં આપવામાં આવેલ કે પરાણે કોંગ્રેસ તરફી મતદાન કરાવવામાં નહીં આવે કે ભાજપ તરફી થતું મતદાન અટકાવવામાં પણ નહીં આવે. ભાજપની તેઓ નારાજ ચોક્કસ છે પરંતુ કોંગ્રસના સમર્થક નથી કે તેમાં જોડાયા નથી તેવી સ્પષ્ટતા પણ ભારપૂર્વક આ આગેવાનોને કરી હતી. એટલું જ નહીં આ આગેવાનો ગ્રામજનોને પણ આ માટે સમજાવશે તેવી ખાત્રી આપી હતી. આથી હું આ તમામ આગેવાનોને હૃદયથી અભિનંદન આપી તેઓનો આભાર વ્યક્ત કરૂં છું.
આ મહત્વની બેઠકમાં ઉપરોક્ત આગેવાનો ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હુકુમતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને ખૂબ જ હકારાત્મક વલણ દાખવ્યું હતું.

આ બેઠક જેના ફાર્મ હાઉસ ખાતે અને જેના પ્રયત્નથી યોજાઇ હતી તેવા રાજભા જાડેજાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના મુખ્ય ગામો ધ્રોલ તાલુકામાં આવે છે તે ગામના આગેવાનો અને સરપંચો સાથે પૂનમબેનની આ બેઠકમાં રાઘવજીભાઇ પટેલ અને મેઘજીભાઇ ચાવડા પણ ઉપસ્થિત હતાં. ભાજપે ક્ષત્રિય સમાજની માંગ સ્વિકારી નથી જો કે મૂળ આ પ્રશ્ર્ન રૂપાલાનો અને રાજકોટનો લોકલ હતો. આથી અહીં સીધી રીતે લાગુ પડતો નથી. તેઓએ તળપદી ભાષામાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, હાલમાં જો કોઇ ઘોડો ગમતો ન હોય તો એનો મતલબ એ નથી કે ઘોડાને બદલે ગધેડો રાખવો. કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવાનું અમારા માટે શક્ય નથી. કદાચ જો કોઇને ભાજપનું નિશાન નહીં ગમે તો મતદાનથી દૂર રહી શકે છે. પરંતુ કોંગ્રેસનું સમર્થન અમે કરીશું નહીં.

આમ માત્ર બાર કલાકના સમયગાળા બાદ ભાજપને અને ખાસ કરીને જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમ માટે રાહત આપે તેવા બીજા સમાચાર આ બેઠક બાદ સામે આવ્યા હતાં. આથી ભાજપની છાવણીમાં હવે ઉત્સાહમાં વધારો થશે તેમ મનાય છે અને પૂનમબેન માડમ વધુ સરસાઇથી જીત મેળવવા તરફ મક્કમતાથી આગળ વધશે તે નિશ્ર્ચિત બન્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj