હવે હવામાન જાણવામાં આપને મદદ કરશે, આ 4 ભારતીય એપ્લિકેશન

India | 04 May, 2024 | 11:51 AM
મૌસમ, દામિની, મેઘદૂત અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્સ દ્વારા લોકોને આંગળીના ટેરવે મળશે માહિતી: વાવાઝોડું, વીજળી, હીટવેવ, માવઠા વિશે જાણકારી સાથે બચવાના ઉપાયો પણ મળશે
સાંજ સમાચાર

રાજકોટ: હાલ ગરમીનો પારો ખૂબ ઉંચો જઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં લોકો હીટ વેવનો માર સહન કરી રહ્યા છે. ત્યારે આ હીટ વેવની આગાહી હોય કે કમોસમી વરસાદ હોય, ચોમાસાની ઋતુની એકંદર સ્થિતિ હોય કે શિયાળાના પવનોની સ્થિતિ દરેક ઋતુ વિશે આપણને ભારતીય હવામાન વિભાગ દ્વારા આગોતરી જાણ કરવામાં આવે છે. અતિવૃષ્ટિ હોય કે અતિ ગરમીના સમયમાં સ્થિતિ અનુસાર આગોતરા પગલાં લેવા આપણને હંમેશા સાવચેત કરવામાં આવે છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા હવે દરેક નાગરિકને પોતાના મોબાઇલ ફોન પર જ આંગળીના ટેરવે પોતાના શહેર/ગામ સહિતના વિસ્તારોના હવામાનની તમામ માહિતી મળી રહે તે માટે વિશિષ્ટ ફીચર સાથે તદ્દન ભારતીય એવી 4 એપ્લિકેશન વિકસાવવામાં આવેલી છે. આ એપ્લિકેશનમાં પ્રથમ છે, મૌસમ એપ્લિકેશન. 

1) મૌસમ એપ્લિકેશન
હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓના પ્રસારમાં સુધારણા માટે મોબાઈલ એપ "મૌસમ” લોન્ચ કરવામાં આવી છે. વપરાશકર્તાઓ અવલોકન કરેલ હવામાન, આગાહીઓ, રડાર છબીઓને ઍક્સેસ કરી શકે છે અને આગામી હવામાનની ઘટનાઓ વિશે સક્રિયપણે ચેતવણી મેળવી શકે છે. મૌસમ મોબાઇલ એપ્લિકેશનમાં 200 શહેરો માટે વર્તમાન તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા દિવસમાં 8 વખત અપડેટ કરવામાં આવે છે.

સૂર્યોદય/સૂર્યાસ્ત અને ચંદ્રોદય વિશેની માહિતી મૂનસેટ પણ આપવામાં આવે છે. હવામાન વિભાગના રાજ્ય હવામાન કેન્દ્રો દ્વારા ભારતના આશરે 800 સ્ટેશનો અને જિલ્લાઓ માટે સ્થાનિક હવામાનની ઘટનાઓ અને તેમની તીવ્રતાની ત્રણ કલાકની ચેતવણીઓ જારી કરવામાં આવે છે. ગંભીર હવામાનના કિસ્સામાં, તેની અસર પણ ચેતવણીમાં સામેલ હોય છે. ભારતના 450 શહેરોની  છેલ્લા 24 કલાક અને 7-દિવસના હવામાનની સ્થિતિઓની સચોટ આગાહી પણ કરવામાં આવે છે.

આ એપ્લિકેશન જોખમી હવામાન વિશે નાગરિકોને ચેતવણી આપવા માટે આગામી પાંચ દિવસ અંગેની આગાહી જાહેર કરી, કલર કોડ (લાલ, નારંગી અને પીળો)માં તમામ જિલ્લાઓ માટે દિવસમાં બે વખત ચેતવણીઓ જાહેર કરે છે. જેમાં "લાલ” કલર કોડએ સૌથી ગંભીર કેટેગરી છે જે અધિકારીઓને પગલાં લેવા વિનંતી કરે છે, ઓરેન્જ કોડ સત્તાવાળાઓ અને લોકોને સતર્ક રહેવા માટે કહે છે અને યલો કોડ સત્તાવાળાઓ અને લોકોને પોતાને અપડેટ રાખવા માટે કહે છે.

2) દામિની એપ
મોબાઈલ એપ DAMINI-LIGHTNING વિકસાવવામાં આવી છે. આ એપ વર્તમાન વીજળી પડવાનું ચોક્કસ સ્થાન, 40 ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશા વિશે વિગતો આપે છે. દામિની વીજળી દરમિયાન લેવાના સાવચેતીનાં પગલાંની પણ સૂચિ આપે છે અને વીજળી વિશે કેટલીક સામાન્ય માહિતી તથા ખરેખર તોળાઈ રહેલી વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે.

ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓને લીધે અનેક લોકો ખાસ કરીને ખેડૂતો તેમજ તેમના પશુઓના જીવ જોખમમાં હોય છે ત્યારે આ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા વીજળી નાટકવાની ખેતી વખતે તેનાથી બચીને સલામત સ્થળે પહોંચવામાં મદદ મળી રહે છે. 

3) મેઘદૂત એગ્રો એપ
ભારતીય કૃષિ હવામાન આધારિત છે ત્યારે મેઘદૂત એગ્રો એપ્લિકેશન દ્વારા ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે ભૂતકાળ અને હવામાનની આગાહીના વિશ્ર્લેષણના આધારે પાક અને પશુધન વ્યવસ્થાપન અંગે જિલ્લાવાર સલાહ આપવામાં આવે છે. તે ખેડૂતોને પાકની વાવણી, જંતુનાશક અને ખાતરનો ઉપયોગ, સિંચાઈના સમયપત્રક અને પ્રાણીઓના રસીકરણ જેવા હવામાન-સંવેદનશીલ નિર્ણયો લેવામાં મદદ કરશે. 

4) પબ્લિક ઓબ્ઝર્વેશન એપ
આ એપ્લિકેશન વપરાશકર્તાઓને સ્થાન મુજબ હવામાનની માહિતી પ્રદાન કરે છે. યૂઝર્સ આ એપ પર ઝડપી અને અદ્યતન એમ બે મોડ દ્વારા ફીડબેક પણ આપી શકે છે. 

આ તમામ મોબાઈલ એપ પ્લેસ્ટોર અને એપસ્ટોર બંને પર ઉપલબ્ધ છે. મોબાઇલ એપ્લિકેશન્સ આકર્ષક અને વપરાશકર્તા માટે સરળ છે. હવામાન માહિતી અને ચેતવણીઓના પ્રસાર માટે આ એપ્સ મહત્વપૂર્ણ સાધન છે ત્યારે ઝડપથી બદલાતા વૈશ્વિક હવામાનમાં ભારતીય નાગરિક પોતાની જરૂરિયાતો અને સાવચેતીઓને સમજી શકે તે માટે આ એપ્લિકેશન ખૂબ આવશ્યક અને ઉપયોગી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj