ચૂંટણી પૂર્વે રાજકોટમાં સહકારી ક્ષેત્રે ‘ગરમી’ ! ‘ઇફકો’માં રાદડીયા કે પટેલ ?

Saurashtra | Rajkot | 25 April, 2024 | 05:40 PM
9મી મેના રોજ યોજાનારી ડાયરેકટર બોર્ડની ચૂંટણી માટે જયેશ રાદડીયાએ ફોર્મ ભરી દીધુ : ભાજપનો મેન્ડેટ અમદાવાદના બીપીન પટેલ (ગોતા)ના નામે નીકળ્યો : ગુજરાતભરના શહેર-જિલ્લા સંગઠન પ્રમુખોને પણ મોકલાયો : સહકારી ક્ષેત્રે જબરી ચર્ચા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 25
રાજકોટ સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે તેવા સમયે રાજકોટના સહકારી જગતમાં એકાએક ગરમી સર્જાય છે. આગામી 9મી મેના રોજ યોજાનારી ઇફકોની ચૂંટણીમાં ખેંચતાણ સર્જાયાના એંધાણ હોય તેમ રાજકોટના સહકારી નેતા અને ભાજપના ધારાસભ્ય એવા જયેશ રાદડીયાએ ફોર્મ ભરી દીધુ છે તો બીજી તરફ ભાજપ દ્વારા અમદાવાદના બીપીન નારણભાઇ પટેલ (ગોતા)ના નામનો મેન્ડેટ જારી કરવામાં આવ્યો છે 

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ભાજપના સંગઠન પ્રમુખોને પાઠવી પોતપોતાના જિલ્લાના ડેલીગેટ મતદારોને બિપીન પટેલ તરફી મતદાન કરવાની સૂચના આપવા કહેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમથી લોકસભા ચૂંટણી ટાંણે જ રાજકોટના સહકારી જગતમાં જબરી ચર્ચા શરૂ થઇ છે. 

સહકારી ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું છે કે દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણી આગામી 9 મેના રોજ યોજાનારી છે. તેમાં ગુજરાતની એક બેઠક છે. છેલ્લી બે ટર્મથી જયેશ રાદડીયા જ તેમાં બિનહરીફ ચૂંટાતા રહ્યા છે અને  વર્તમાન ડાયરેકટર પણ છે.

આ વખતે તેઓ જ ચૂંટણી લડશે તે નકકી ગણવામાં આવતું હતું અને તે મુજબ તેઓએ  ગઇકાલે દિલ્હી પહોંચીને ઉમેદવારી પણ નોંધાવી દીધી હતી. આ દરમ્યાન ભાજપ દ્વારા હવે બિપીન પટેલ (ગોતા)ના નામનો મેન્ડેટ ઇસ્યુ કરીને ચૂંટણીમાં તેમના તરફી મતદાન થાય તે જોવાની તાકીદ કરવા સાથે તમામ જિલ્લાના સંગઠન પ્રમુખોને મેન્ડેટનો પત્ર પાઠવવામાં આવ્યો છે. આ સંજોગોમાં ઇફકોના ઉમેદવાર તરીકે જયેશ રાદડીયા હશે કે બિપીન પટેલ તે વિશે સહકારી ક્ષેત્રમાં જોરદાર ચર્ચા થવા લાગી છે. 

ઇફકોના ગર્વનીંગ બોર્ડને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતની એક બેઠક છે. રાજકોટ જિલ્લાના 4ર સહિત સમગ્ર ગુજરાતના 176 ડેલીગેટ મતદારો છે જેઓને ચૂંટણીના સંજોગોમાં મતદાન કરવાનો અધિકાર મળે છે. વર્તમાન ડાયરેકટર જયેશ રાદડીયા બે ટર્મથી ચૂંટાતા રહ્યા છે.

આ વખતની ત્રીજી ટર્મ માટે તેઓએ ફોર્મ ભર્યુ છે. ભાજપ દ્વારા છેલ્લા કેટલાક વખતથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડવાનું જાહેર કરી દેવામાં આવ્યું જ હતું. રાજકોટની જિલ્લા બેંક હોય કે લોધીકા સંઘ અથવા તો ડેરી તમામની ચૂંટણી વખતે પાર્ટી દ્વારા જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય લેવલની સંસ્થા ઇફકોમાં પણ સમાન પ્રણાલી અપનાવવામાં આવતી હોવાનું સ્પષ્ટ છે.

આ સંજોગોમાં ભાજપનું મેન્ડેટ બિપીન પટેલના નામે છે જયારે ફોર્મ જયેશ રાદડીયાએ ભર્યુ છે ત્યારે આખરી ચિત્ર હવે પછી સ્પષ્ટ થઇ શકવાનું માનવામાં આવી રહ્યું છે.  સુત્રોના કહેવા પ્રમાણે ઇફકોના ડાયરેકટર પદ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે અને ફોર્મ પાછા ખેંચવાની તારીખ 2 મે છે.

હજુ સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેવો લાંબો સમય બાકી છે એટલે દેખીતી રીતે સંબંધીત નેતાઓ પક્ષ સાથે ચોખવટ કરી લેશે. સુત્રોએ એમ કહ્યું કે, ભાજપના મેન્ડેટના આધારે ઇફકોમાં ઉમેદવારી માટે ખેંચતાણ હોવાનું જણાઇ રહ્યું છે. આવતા દિવસોમાં કેવું પરિણામ આવશે તેના પર સમગ્ર સહકારી ક્ષેત્રની નજર રહેશે.

► ઇફકોના આખા ડાયરેકટર બોર્ડે ફોર્મ ભરી  દીધા છે, મેન્ડેટની ખબર નથી : રાદડીયા
ઇફકોના ડાયરેકટર જયેશ રાદડીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, 9 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ગઇકાલે ઇફકોની બોર્ડ મીટીંગ હતી અને તેમાં ભાગ લેવા પોતે દિલ્હી ગયા હતા. આ સમયે વર્તમાન બોર્ડના તમામ ડાયરેકટરોએ એક સાથે ફોર્મ ભરી દીધા હતા. મેં પોતે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે. ભાજપ દ્વારા બિપીન પટેલના નામનો મેન્ડેટ ઇસ્યુ કરવામાં આવ્યો છે તે વિશે પોતાને કોઇ જાણકારી નથી. લોકસભાની ચૂંટણી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જામકંડોરણામાં સભા હોવાથી ચૂંટણી પ્રચાર અને અમિત શાહના કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj