કોંગ્રેસ બળજબરી નહીં કરે પણ ખુલ્લી દુકાનોના વીડિયો વાયરલ કરશે

અગ્નિકાંડનો એક મહિનો: આવતીકાલે ‘રાજકોટ બંધ’નું કોંગ્રેસનું એલાન

Saurashtra | Rajkot | 24 June, 2024 | 04:17 PM
♦ જીગ્નેશ મેવાણીએ 26 દિવસ દરમ્યાન 70 હજારથી વધુ લોકો સાથે સંપર્ક કર્યો: મતદાતાઓને સરકાર પાસે ન્યાયની આશા નથી: મોરબી, સુરત, વડોદરાના આરોપીઓ જેલની બહાર ખુલ્લેઆમ ફરે છે: કોંગ્રેસ આકરા પાણીએ
સાંજ સમાચાર

♦ સંવેદના દાખવીને અડધો દિવસ સજજડ બંધ પાળવા, પિડીતોને ન્યાય માટે સરકારને ઢંઢોળવા કોંગ્રેસનું આહ્વાન: શકિતસિંહ સહિતના પ્રદેશ નેતાઓનો રાજકોટમાં મુકામ

♦ જે જગ્યાએ અધિકારીઓ-પદાધિકારીઓ, મેયર, ધારાસભ્ય સહિતના લોકો ગયા હોય તે જગ્યા કેવી રીતે બંધ થાય?: શકિતસિંહ ગોહિલ

રાજકોટ,તા.24
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટના બાદ મોટા પડઘા પડયા છે. તાત્કાલીક ધોરણે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ તપાસની એસઆઈટી તૈયાર કરવામાં આવી રહી છે. સુનાવણીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તેમના ન્યાય માટે કોંગ્રેસે બાયો ચડાવી છે. 3 દિવસના ઉપવાસ આંદોલન બાદ આવતીકાલે પ્રથમ માસીક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ અડધો દિવસ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

આ બંધના એલાન અંતર્ગત આજરોજ કોંગ્રેસ અગ્રણીઓએ કોન્ફરન્સ યોજી બંધના એલાનમાં જોડાવા લોકોને અપીલ કરી છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે જણાવ્યું કે લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. નગરજનોએ અમારો આભાર માન્યો હતો કે અમે ન્યાયની ઝુંબેશ શરૂ કરી છે. આ પહેલા પણ મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચમાં જોડાઈ સમર્થન આપ્યું હતું.

જીજ્ઞેશ મેવાણીએ ખુબ મહેનત કરી છે લોકો સુધી પહોંચવાની. જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયાની ટીમ દ્વારા ઘરે ઘરે તેમજ દુકાનોએ જઈ પત્રીકાઓ વહેંચી છે. આ અભિયાન અંતર્ગત લોકો દ્વારા જાણવા મળ્યું કે મતદાતાઓને હવે સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. તેઓએ પણ ન્યાયની આશા છોડી દીધી છે.

તેઓ વધુમાં જણાવે છે કે, એસઆઈટી એ ફકત લીફાફા સિવાય બીજુ કશું જ નથી. એસઆઈટીની તપાસ એ ચાર્જસીટનો ભાગ ન બને કોર્ટ ચાર્જસીટનો પાર્ટ ન હોય તો કોર્ટમાં ચાલે નહીં. મોરબીની ઘટના, તક્ષશિલા કાંડ, વડોદરાના હરણીકાંડને આજદિન સુધી ન્યાય મળ્યો નથી. અને હવે રાજકોટની ગેમઝોન ઘટનાના પીડીત પરિવારોને ન્યાયની રાહ છે.

આવતીકાલે પ્રથમ માસિક પુણ્યતિથિએ સ્વયંભૂ બંધ રહે તે માટે વેપારી એસો.એ. સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે. અમે લોકોના વેપાર-ધંધા બંધ રહેવાથી નુકશાન ન થાય તે માટે અર્ધો દિવસ બંધ રાખવાની અપીલ કરી છે. અમને આશા છે કે લોકો માનવતાની દ્દષ્ટિએ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપશે.

સરકાર પર કટાક્ષ કરતા શકિતસિંહ ગોહિલ જણાવે છે કે જે જગ્યાએ કમિશ્નર, કલેકટર, ડીએસપી, મેયર, ધારાસભ્ય ગયા હોય તે જગ્યાને કોણ બંધ કરાવી શકે? ગેમઝોન ઘટનાના દિવસે રાહતદરે એન્ટ્રીની ઓફર રાખવાની મધ્યમ વર્ગના લોકો ભોગ બન્યા હતા. સરકાર ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી શકતી હોય તો શા માટે વધુ સહાય ચુકવી ન શકે. આપણને અત્યારે અસંવેદનશીલ મુખ્યમંત્રી અને આઠ ચોપડી પાસ ગૃહમંત્રી મળ્યા છે. ભાજપના ભ્રષ્ટ નેતાઓને કારણે આ મોટી દુર્ઘટના બની છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું છે કે સતત 26 દિવસથી રાજકોટના ખુલેખુણે ફરી અંદાજે 70 હજારથી વધુ લોકોને અમે મળ્યા છીએ. લોકોએ ન્યાયની આશા છોડી દીધી છે પરંતુ અમે પીડીત પરિવારો માટે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. એસઆઈટીએ કોથળામાંથી બીલાડુ કાઢયું છે. ફકત 20 લીટર જ પેટ્રોલ હતું તેમ કહી અધિકારીઓએ બચાવ કર્યો છે. પુરાવાઓ નષ્ટ કરવામાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ સામેલ છે.

આવતીકાલે રાજકોટની ભ્રષ્ટ પોલીસ પણ દારૂના અડ્ડાઓ બંધ રખાવે તેવી મારી અપીલ છે. સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ જણાવે છે કે ગુજરાતના ભ્રષ્ટ સાશકોને ચેલેન્જ કરવા માંગુ છું કે અધિકારીઓની 20 વર્ષ પહેલાની મિલ્કત અને આજની મિલ્કત જાહેર કરે. તમામની મિલ્કતો ચાર ગણી વધુ નિકળશે.

અનેકોવાર વિચાર આવે છે કે આ ઘટનામાં મારો દિકરો હોત તો મારી સ્થિતિ શું હોત આ વિચારીને જ આ લડતમાં જોડાયો છું. મોરબી સહિત અનેક ઘટનાના આરોપીઓ જેલની બહાર છે. હવે અમે રાજકોટના પીડીતો માટે ન્યાયની લડત લડવા માંગીએ છીએ.

આવતીકાલે આ બંધના એલાનમાં જોડાવવા કોંગ્રેસ અગ્રણીઓએ લોકોને અપીલ કરી છે કે પોતાનું સમર્થન આપે. શકિતસિંહ ગોહિલ જણાવે છે કે સોશ્યલ મીડિયા ઈન્ફલુઅસરને અપીલ છે કે જે લોકોએ દુકાન બંધ ન રાખી હોય તેનો નાનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર મુકે. તેમજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના સભ્યો ઈન્દ્રવિજયસિંહ ગોહિલ આવતીકાલે શાળા-કોલેજોમાં જઈ સંસ્થાના સંચાલકોને મળીને અભિયાનમાં જોડાવવા અને સહયોગ આપવા અપીલ કરશે. આવતીકાલની ઘટના બાદ સરકારમાં ધાક બેસાડશે.

આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા મનીષભાઈ દોશી, રાજકોટના પ્રભારી ગીપેન્દ્રસિંહ જાડેજા, કિશાન સેલના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલીયા, બળદેવભાઈ લુણી, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા નીદિત બારોટ, જશવંતસિંહ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા.

બંધ એલાનમાં જોડાવાની અપીલ સાથે જીગ્નેશ મેવાણી સહિત 100 થી વધુ કાર્યકરોએ મૌનરેલી યોજી
રાજકોટ,તા.24

રાજકોટ અગ્નિકાંડ મૂદે કોંગ્રેસ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં બંધમા સહકાર આપવા વેપારીઓને અપીલ કરવા નીકળ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત સેવાદળના 100થી વધુ કાર્યકરો શિસ્તબદ્ધ રીતે મૌનરેલીના સ્વરૂપે અપીલ કરવા નીકળ્યા હતા બાદમા જિજ્ઞેશ મેવાણીએ પોતે પોતે એક એક દુકાનોએ ફરીને વેપારીઓને સહકાર આપવા જણાવ્યું હતું. રાજકોટની સદર બજાર, ધેમેન્દ્ર રોડ,લાખાજીરાજ રોડ સહિત મુખ્ય બજારો બંધ રાખવા અપીલ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj