અંગ્રેજો વખતના કાયદામાંથી પોલીસ તંત્ર હવે મુક્ત

1 જુલાઈથી આઇપીસી કલમ 511 ની જગ્યાએ હવે ફક્ત 358: રાજાશાહી સમયના એક્ટ હટાવાયા

Gujarat, Saurashtra, Crime | Rajkot | 26 June, 2024 | 05:19 PM
સાંજ સમાચાર

રાજકોટ. તા.26
અંગ્રેજો વખતના કાયદામાં 1 જુલાઈ 2024 થી ધરખમ ફેરફાર થવાં જઈ રહ્યા છે. જે પોલીસ તંત્ર માટે ઐતિહાસિક દિવસ હશે. ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવના હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા, 1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા, (1898), 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ, 1872ને રદ કરીને 3 નવા બિલ લાવવામાં આવ્યા છે. જેમાં હવે ભારતીય દંડ સંહિતા (આઇપીસી) નું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે, ફોજદારી કાર્યરીતિ સંહિતાનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, લેશે અને ભારતીય પુરાવા અધિનિયનું સ્થાન ભારતીય સાક્ષ્ય વિધેયક લેશે.

આ ત્રણ કાયદા બ્રિટિશ શાસનને મજબૂત અને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો હેતુ ન્યાય આપવાનો નહીં પણ સજા કરવાનો હતો. હવે આ ત્રણ નવા કાયદાઓનો આત્મા બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે, અને તેમનો હેતુ સજા કરવાનો નહીં પરંતુ ન્યાય આપવાનો રહેશે. ભારતીય વિચારપ્રક્રિયાથી બનેલા આ ત્રણ કાયદાઓ આપણી અપરાધિક ન્યાય પ્રણાલીમાં મોટું પરિવર્તન થવાં જઈ રહ્યું છે..

નવા કાયદાઓ બનાવવામાં લાંબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2019 થી અંગ્રેજ વખતના કાયદાઓ બદલવાની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના તમામ જજો, દેશની તમામ હાઈકોર્ટ અને દેશની તમામ લો યુનિવર્સિટીના ચીફ જસ્ટિસને પત્રો લખ્યા હતા. વર્ષ 2020 માં કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ સાંસદો, મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને વહીવટકર્તાઓને પત્રો લખવામાં આવ્યા હતા. ઉપરાંત 18 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, સુપ્રીમ કોર્ટ, 16 હાઈકોર્ટ, 5 ન્યાયિક એકેડેમી, 22 લો યુનિવર્સિટી, 142 સંસદ સભ્યો, 270 ધારાસભ્યો અને લોકોએ નવા કાયદાઓ અંગે તેમનાં સૂચનો આપ્યાં હતાં. 4 વર્ષ સુધી આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી.

જે બાદ હવે આઈપીસીનું સ્થાન લેનાર ભારતીય ન્યાય સંહિતા બિલમાં અગાઉની 511 કલમોને બદલે 356 કલમો હશે, 175 કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે, 8 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 22 કલમો રદ કરવામાં આવી છે. જેમાં હત્યાની કલમ 302 હવે 103 અને હત્યાના પ્રયાસની કલમ 307 હવે 109 થી ઓળખાશે. જ્યારે છેતરપિંડીની કલમ 420 પણ હવે નવા રૂપમાં 316 તરીકે ઓળખાશે. ઉપરાંત છેડતીની કલમ 354 પણ હવે 74 થી ઓળખાશે. આતંકવાદી કૃત્યને લગતી કલમનો ગુનો પણ હવે સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી શકાશે, જેમાં સજા એ મોત સુધીનું પ્રાવધાન આપવામાં આવ્યું છે. ઉપરાંત સર્ચ અને જપ્તી સમયે વીડિયોગ્રાફી ફરજિયાત કરવામાં આવી છે જે એ કેસનો ભાગ હશે અને નિર્દોષ નાગરિકોને ફસાવશે નહીં, પોલીસ દ્વારા આવાં રેકોર્ડિંગ વિના કોઈ ચાર્જશીટ માન્ય રહેશે નહીં.

ઉપરાંત બાળકો સાથે ગુનો કરનાર વ્યક્તિ માટે સજા સાત વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે. તેમજ ઘણાં ગુનાઓમાં દંડની રકમ વધારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પહેલા મહિલાઓ પાસેથી મોબાઈલ ફોન કે સોનાનો ચેઈન ઝૂંટવી લેવા અંગે કોઈ જોગવાઈ ન હતી, પરંતુ હવે તેના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયમી અપંગતા અથવા બ્રેઇન ડેડ થવાના કિસ્સામાં 10 વર્ષની કેદ અથવા આજીવન કેદની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

► હત્યાની કલમ 302 હવે 103 અને હત્યાના પ્રયાસની કલમ 307 હવે 109 થી ઓળખાશે: છેતરપિંડી હવે 420 નહીં પણ 316 બની જશે: છેડતીની કલમ 354 નું સ્થાન 74 લેશે

► આતંકવાદી કૃત્યને લગતી કલમનો ગુનો પણ હવે સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી શકાશે: જેમાં સજા એ મોત સુધીનું પ્રાવધાન

► સર્ચ અને જપ્તી સમયે વીડિયોગ્રાફી ફરજીયાત કરવામાં આવી: નિર્દોષ નાગરિકો ફસાઈ ન જાય તે માટે પોલીસ દ્વારા રેકોર્ડિંગ વિના કોઈ ચાર્જશીટ માન્ય રહેશે નહીં: બાળકો સાથે ગુનો કરનાર આરોપીની સજા ત્રણ વર્ષ વધી

► મહિલાઓ વધુ સુરક્ષિત બનશે
નવા કાયદામાં મહિલાઓને વધું સુરક્ષિત કરવામાં આવી છે. કોઈપણ સ્ત્રીને ગુપ્ત રીતે જોતા હોય તો કલમ 77  હેઠળ ગુનો દાખલ થશે. જેમાં ત્રણ વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત મહિલાનો પીછો કરવો કે સોશિયલ મીડિયામાં પણ છેડતી કરવા પર ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ મહિલાઓ પાસેથી મોબાઈલ કે સોનાના દાગીનાની ઝોંટ મારી લેવી તે પણ હવે એક ગુનાનું રૂપ લેશે. જેમાંથી મહિલા સુરક્ષા વધું મજબૂત બનશે.

► રાજકોટ સહિત ગુજરાતભરના પોલીસ અધિકારીઓ પાંચ દિવસની તાલીમ મેળવી અપગ્રેડ થયાં
નવા કાયદા આગામી સમયમાં અમલમાં આવી રહ્યાં છે. ત્યારે તેનો સંપૂર્ણ અભ્યાસ અને નવી આઈપીસી સહિતની કલમ સમજવા માટે ગૃહ વિભાગે રાજ્યના તમામ ડીવાયએસપી કક્ષાના અધિકારીથી લઈ પીએસઆઈ સુધીના તમામ સ્ટાફ માટેની અલગ અલગ જગ્યાએ પાંચ દિવસની તાલીમ રાખવામાં આવેલ હતી. જેમાં રાજકોટ શહેર, ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રભરના તમામ પોલીસ અધિકારીઓને જૂનાગઢ તાલીમ આપવામાં આવી હતી. તેમજ અન્ય જીલ્લાઓના અધિકારીઓ માટે ગાંધીનગર કરાઈ સહિતના સ્થળોએ તાલીમ આપી તમામને નવા કાયદા અને કલમ વિષે માહિતગાર કરી અપગ્રેડ કરવામાં આવ્યાં હતાં. જે અધિકારીઓ પોતાના પોલીસ મથકના નીચેના સ્ટાફને નવી જોગવાઈઓ વિષે સમજણ આપશે.

► લગ્ન, રોજગાર, પ્રમોશનના ખોટા વાયદાના બહાને સેક્સ કરવું ગુનો: ગેંગરેપના તમામ કેસમાં 20 વર્ષથી આજીવન કેદની સજા
લગ્ન, રોજગાર, પ્રમોશનના ખોટા વાયદા કરી મહિલાઓને ફસાવી સેકસ કરવો પણ હવે કાયદેસરનો ગુનો બનશે, તેમજ ગેંગરેપના તમામ કેસમાં 20 વર્ષથી આજીવન કેદની સજા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે અપરાધના કિસ્સામાં પણ મોતની સજાની જોગવાઈ કરવામાં આવી છે, મોબ લિંચિંગ માટે પણ 7 વર્ષની જેલ, આજીવન કેદ અને ફાંસીની સજાની ત્રણેય જોગવાઈ કરવામાં આવી છે.

► હવે, રાજકીય લાભ માટે વ્યક્તિ સજામાંથી બચી શકશે નહીં
હાલ રાજકીય લાભ માટે સજામાંથી માફીનો ઉપયોગ કરવાના ઘણા કિસ્સા સામે આવતાં રહે છે. તેવા લોકો પણ હવે સજામાંથી બચી ન શકે તેવી નવા કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મૃત્યુદંડને બદલીને આજીવન કેદ, આજીવન કેદની સજા ઓછામાં ઓછી સાત વર્ષ અને સાત વર્ષની ઓછામાં ઓછી 3 વર્ષ કરી કોઈ પણ ગુનેગારને છોડવામાં ન આવે તેવો પ્રાવધાન કરવામાં આવ્યો છે. 

► પીડિતને સાંભળ્યા વગર સરકાર કેસ પાછો ખેંચી શકશે નહીં
ક્રાઇમનો ભોગ બનનાર પીડિતો માટે નવા કાયદામાં મોટી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પીડિતને સાંભળ્યા વગર કોઈ પણ સરકાર 7 વર્ષ કે તેથી વધુની કેદનો કેસ પાછો ખેંચી શકશે નહીં, જે નાગરિકોના અધિકારોની રક્ષા કરશે તેમજ નાના નાના કેસોમાં સમરી ટ્રાયલનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હવે 3 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાઓને સમરી ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે. 

► ગંભીર પ્રકારના ગુનામાં 60 દિવસમાં ગમે ત્યારે રિમાન્ડ માંગી શકાશે
પોલીસ પહેલાં કોઈપણ ગુનેગારને પકડે તે બાદ તેમણે તાત્કાલિક કોર્ટમાં હાજર કરી રીમાન્ડ માંગતા હોય છે અને રીમાન્ડ પુરા થયાં બાદ તેમણે જેલ હવાલે કરી દિધા બાદ ફરીવાર રિમાન્ડ માંગી શકાતા ન હતાં. જેથી ગંભીર પ્રકારના ગુના આચરેલ આરોપીઓ બચી જતાં હતાં. જે મામલે પણ સરકારે નવા કાયદામાં મોટો ફેરફાર કર્યો છે અને હવે ગંભીર પ્રકારના ગુનામાં 60 દિવસમાં ગમે ત્યારે રિમાન્ડ માંગી શકાશે અને આરોપીની પૂછપરછ કરી શકવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

► ફોરેન્સિક સાયન્સ મજબુત: હવે કોઈ આરોપી નિર્દોષ નહીં છૂટે
સજાનો ગુણોત્તર વધારવા ફોરેન્સિક સાયન્સને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયદામાં દોષિત ઠેરવવાનો રેશિયો 90 ટકાથી ઉપર લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 7 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ ધરાવતા ગુનાઓમાં ગુનાનાં સ્થળે ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત બનાવવામાં આવી રહી છે, તેના દ્વારા પોલીસ પાસે વૈજ્ઞાનિક પુરાવા હશે, જે પછી કોર્ટમાં ગુનેગારોને નિર્દોષ છોડી મૂકવાની શક્યતા ખૂબ જ ઓછી રહેશે.

► પોલીસને તાકાત મળી: પોલીસ મથકે આપઘાતનો પ્રયાસ કર્યો તો ગુનો બનશે
પોલીસ તંત્રમાં આવેલ નવા કાયદાથી પોલીસને નવી તાકાત મળી છે. પહેલાં ખોટી રીતે ઘણાં લોકો પોલીસ મથકે દોડી આવતાં હોય છે અને પોલીસ પોતાની ફરજ નિભાવી લોકોને સાંભળતા પણ હોય છે. ત્યારે ઘણાં લોકો પોલીસને ડરાવવા માટે પોલીસ મથકે ઘસી જઈ ફિનાઇલ કે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી પોલીસમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.  ખોટી રીતે પોલીસને કનડગત કરી પોલીસ મથકે આપઘાતનો પ્રયાસ કરતાં લોકો સામે પણ હવેથી ગુનો નોંધવામાં આવશે તેવું નવા કાયદામાં પ્રાવધાન કરવામાં આવ્યું છે.

► હવે ધરપકડ કરાયેલા વ્યક્તિની પોલીસ પરિવારને ઘરે જઈ જાણ કરશે: દર 15 દિવસે ફરિયાદીને સ્થિતિ અંગે માહિતગાર કરવા પડશે
નવા કાયદામાં ઈ-એફઆઈઆરની જોગવાઈ પ્રથમ વખત ઉમેરવામાં આવી રહી છે, દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારીને નિયુક્ત કરશે જે ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારને તેની ધરપકડ વિશે સત્તાવાર રીતે ઓનલાઇન અને રૂબરૂમાં જાણ કરશે. તેમજ જાતીય હિંસાના કેસોમાં પીડિતાનું નિવેદન ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને જાતીય સતામણીના કેસોમાં નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ માટે ફરિયાદની સ્થિતિ 90 દિવસમાં ફરિયાદીને આપવી અને ત્યારબાદ દર 15 દિવસે જાણ કરવી ફરજિયાત રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj