♦રવિવારી બજારમાં 6 જેટલા પારથણાવાળાઓને લેન્ડગ્રેબીંગની નોટીસ: જયારે મગરમચ્છો સામે પગલા લેવામાં તંત્રની લાપરવાહી

રાજકોટમાં કાનૂન-બંધારણની ધજજીયા: હજારો એકર જમીનમાં લેન્ડગ્રેબીંગ છતાં ફરિયાદ દાખલ કરાતી નથી: મેવાણી

Saurashtra | Rajkot | 27 June, 2024 | 04:19 PM
♦બેફામ શોષણ: લઘુતમ વેતનની માંગ
સાંજ સમાચાર

♦ખેતમજૂરોને સરકાર દ્વારા સાંથણીમાં ફાળવાયેલ જમીનો પર માથાભારે શખ્સોનો કબ્જો

♦ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ જેટલા જ નેતાઓ પણ જવાબદાર: કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય મેવાણીની આગેવાનીમાં અધિક કલેકટરને અપાયું આવેદનપત્ર

રાજકોટ તા.27
 સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં કાનૂન-બંધારણની ધજજીયા ઉડી રહી છે. હજારો એકર જમીનમાં લેન્ડગ્રેબીંગ થયેલ છે. છતા કલેકટર તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવતી નથી તેવો આક્રોશ આજે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે કલેકટર કચેરી ખાતે રજૂઆત દરમ્યાન વ્યકત કર્યો હતો.

 કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા ગરીબો, સફાઈ કામદારો, ટીપર વાન ચાલકો સહિતના પ્રશ્ર્નો અંગે સળગતા પ્રશ્નો અંગે અધિક કલેકટર ચેતન ગાંધીને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સરકારી ઉચ્ચ અધિકારીઓની બેદરકારી ખુલ્લી પડી છે. આ સરકારી ઉચ્ચ અધિકારીઓ જેટલા જવાબદાર છે તેટલા જ પદાધિકારીઓ અને નેતાઓ પણ આ ઘટનામાં જવાબદાર છે.

 ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જવાબદાર પદાધિકારીઓ અને નેતાઓ સામે હજુ પગલા લેવામાં આવેલ નથી. આવી જ રીતે રાજકોટમાં હજારો એકર જમીનમાં લેન્ડગ્રેબીંગ થવા પામેલ છે. આ અંગે ફરીયાદો કરવા છતા કલેકટર તંત્ર દ્વારા ફરીયાદ કરવામાં આવતી નથી. જયારે રોજેરોજનું કમાતા શ્રમિક લોકોને લેન્ડગ્રેબીંગની નોટીસ ફટકારવામાં આવી રહી છે.
 

ચોમાસામાં મવડીમાં 40 જેટલા ગરીબ લોકોને મકાનો ખાલી કરવા માટે નોટીસો ફટકારી તેઓને બેઘર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ટીપરવાનના ડ્રાઈવર અને તેના સ્ટાફને લઘુતમ વેતન ચુકવવામાં આવતું નથી. આવી જ રીતે સફાઈ કામદારોને પણ લઘુતમ વેતન નહીં ચૂકવી શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરી તેઓનું અપરંપાર શોષણ કરવામાં આવી રહ્યું છે.

 સફાઈ કામદારો, ટીપરવાન ચાલકો રાજકોટને સુઘડ અને ઉજળુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેઓની મહેનતને બીરદાવવાને બદલે તેઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સફાઈ કામદારો, ટીપરવાન ચાલકોને નિયમ અનુસાર લઘુતમ વેતન ચુકવાય પગાર સ્લીપ મળે અને

તેમનું પીએફ જમા થાય તે માટે શ્રમ વિભાગ અને મ્યુનિ.કોર્પો.ને નિર્દેશો આપવા તેઓએ માંગણી ઉઠાવી હતી.
 આ ઉપરાંત શહેરના સેંકડો પાથરણા વાળા, રેંકડીવાળા જેઓ આજીડેમના પટમાં ભરાતી રવિવારી બજારમાં વેપાર કરી તેઓનું પેટીયું રળી રહ્યા છે. ઈકોનોમીક એકટીવીટીમાં તેઓનો મહત્વનો રોલ હોવાનું દેશની સંસદમાં પારીત થયેલા સ્ટ્રીટ વેન્ડર્સ એકટમાં નોંધવામાં આવેલ છે.
 તેઓને સિંચાઈ વિભાગ દ્વારા ત્યાંથી ખસેડી દેવાની અને આ ગરીબ પાથરણા વાળાને લેન્ડગ્રેબીંગની નોટીસ ફટકારવામાં આવી હોય છ જેટલા નાના વેપારીઓને આ નોટીસ ફટકારવામાં આવી છે .

ત્યારે આ નાના વેપારીઓ વૈકલ્પીક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામાં ન આવે ત્યાં સુધી તેઓને દુર કરવામાં ન આવે તેમ તેઓએ જણાવ્યું હતું.  આ ઉપરાંત રાજકોટ તાલુકામાં ખેતમજુરોને રાજય સરકારે 1971ની આસપાસ જમીનોની ફાળવણી કરી ખેડૂત બનાવવામાં આવેલ હતા. પરંતુ આ 25-25 એકર જમીનોમાં માથાભારે શખ્સોએ દબાણ કરી લીધુ છે. આ અંગે વખતોવખત સંબંધીત ફરીયાદો કરવામાં આવી છે તેમજ સંબંધીત મામલતદારો દ્વારા પણ ડીઆઈએલઆરને આ અંગે માપણી કરવા જણાવાયું છે.

જેથી કબજો સોંપી લાભાર્થીઓને આ જમીન ખેડતા કરી શકાય પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ ખેડૂતની જેની જમીનોમાં થયેલા દબાણો હટાવવા કેમ? સરકાર કેમ લેન્ડગ્રેબીંગ કરવા માંગતી નથી? તે એક પ્રશ્ર્ન છે. આ બાબતે જો પગલા નહીં લેવાય તો કલેકટર કચેરી સામે અચોકકસ મુદતનું ધરણા આંદોલન કરવામાં આવશે તેવી તેઓએ ચેતવણી આપી હતી.

 આ રજૂઆતમાં કોંગ્રેસના આગેવાનો સર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તેમજ અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂત, એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, સુરેશ બથવાર, મયુરસિંહ પરમાર, હબીબભાઈ કટારીયા, ઈબ્રાહીમભાઈ સોરા સહિતના આગેવાનો જોડાયા હતા.

♦ધારાસભ્ય મેવાણીએ અધિક કલેકટરને ટોણો માર્યો: સાહેબ ઉભા થઈને આવેદન લેવાની ટેવ પાડો, અમે જન પ્રતિનિધિ છીએ
♦રજૂઆત સમયે માત્ર પાંચ આગેવાનોને જ સાથે આવવાની સલાહ: કલેકટર કચેરીનો દરવાજો બંધ કરાયો

રાજકોટ તા.27
 કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે લોકોના વિવિધ પ્રશ્ર્નો અંગે અધિક કલેકટરને આવેદન પત્ર સુપરત કરી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

 ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં કલેકટર કચેરીમાં જ પ્રવેશતા જ તેઓની સાથે માત્ર પાંચ આગેવાનોને જ સાથે આવવા જણાવી ઉમેયુર્ં હતું કે નહીંતર હું બહાર જતો રહું.  આ ઉપરાંત ધારાસભ્ય મેવાણીએ અધિક કલેકટર ચેતન ગાંધીની ચેમ્બરમાં અધિક કલેકટર ચેતન ગાંધીને ટોણો માર્યો હતો કે સાહેબ તમે ઉભા થઈને આવેદનપત્ર લેવાની ટેવ પાડો અમે જન પ્રતિનિધિ છીએ.

♦મવડીમાં 25 જેટલા રેતી અને ઈંટોના ભઠ્ઠા સંચાલકોને જમીન ખાલી કરવા મામલતદાર દ્વારા નોટીસ

રાજકોટ તા.27
 શહેરના મવડી વિસ્તારમાં 25 જેટલા રેતી અને ઈંટોના ભઠ્ઠા સંચાલકોને જમીન ખાલી કરવા માટે દક્ષિણ મામલતદાર દ્વારા નોટીસ ફટકારી દેવામાં આવેલ છે.
 

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર-જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો પર ખડકાયેલા દબાણોને હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મવડીમાં સરકારી જમીનો પર ખડકાયેલા 25 જેટલા રેતી, અને ઈંટોના ભઠ્ઠા સંચાલકોને સરકારી જમીન ખાલી કરી આપવા માટે દક્ષિણ મામલતદાર દ્વારા નોટીસ આપવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj