‘હિટવેવ’ સામે ટાસ્કફોર્સની રચના કરતા કલેકટર : માર્ગદર્શિકા જાહેર

Saurashtra | Rajkot | 24 April, 2024 | 03:41 PM
જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, અધિક કલેકટર, વીજ કંપનીના અધિક્ષક ઇજનેર સહિતના 30 સભ્યોને સોંપાતી જવાબદારી : તકેદારીના પગલા લેવા આદેશ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સુર્યનારાયણે આકાશમાંથી અગનગોળા વરસાવવાનું શરૂ કરી દીધુ છે. જેના પગલે  તાપમાનનો પારો સતત ઉંચકાવા લાગેલ છે. આ દરમ્યાન આગામી સમયમાં હિટવેવની કરાયેલ આગાહીના પગલે વહીવટી તંત્ર બચાવ રાહતના પગલા લેવા માટે એલર્ટ બની જવા પામેલ છે. હિટવેવ સામે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ડિસ્ટ્રીકટ હિટ એકશન ટાસ્ક ફોર્સ કમીટીની તાકીદની અસરથી રચના કરી દેવામાં આવી છે. 

જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રચાયેલી આ ડિસ્ટ્રીકટ હિટ એકશન ટાસ્ક ફોર્સ કમીટીમાં સભ્ય સચિવ તરીકે જિલ્લા વિકાસ અધિકારી તેમજ સભ્યમાં જિલ્લા પોલીસ અધિક્ષક, અધિક કલેકટર, વિજ કંપનીના અધિક્ષક ઇજનેર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રાંત અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારી, આરોગ્ય અધિકારી, માર્ગ મકાન વિભાગના ઇજનેર, જિલ્લા શિક્ષણાધિકારી, વન સંરક્ષક સહિતના 30 સભ્યોને જવાબદારી સોંપી દેવામાં આવેલ છે. 

હિટવેવની આગાહીના પગલે રાજય સરકાર દ્વારા ખાસ ગુજરાત હિટવેવ એકશન પ્લાન 2024 તૈયાર કરવામાં આવેલ છે. હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોય, રાજકોટ જિલ્લામાં આ હિટવેવ એકશન પ્લાનનો ચુસ્તપણે અમલ કરી તકેદારીના પગલા લેવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આદેશ કરી દેવામાં આવેલ છે.

આ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં હિટવેવ સંબંધી ટ્રીપેડનેસ અંગે કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી અને ચુસ્તપણે અમલ કરવા માટે અધિકારીઓને તાકીદ કરી દેવામાં આવી છે.

હિટવેવ એકશન પ્લાન અંતર્ગત જિલ્લામાં ગરમીથી સંવેદનશીલ વિસ્તારોની યાદી બનાવાશે તેમજ ગરમીની ઋતુ દરમ્યાન મૃત્યુના તમામ કારણો અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પર આ ટાસ્ક ફોર્સ દેખરેખ રાખવામાં આવશે.  હિટવેવ એકશન પ્લાન અંગે સૂચના માર્ગદર્શન આ કમીટી દ્વારા વખતોવખત આપવામાં આવશે. 

આ ઉપરાંત જિલ્લામાં આવેલ જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણી, જરૂરી મેડીસીન, ફુલ રેસ્ટીંગ શેડની વ્યવસ્થા સહિતની બાબતો આ ટાસ્ક ફોર્સ દ્વારા ચકાસવામાં આવશે. તેમજ મનરેગા સાઇટ, બાંધકામ સાઇટ પર મજુરી કામમાં રોકાયેલા તમામ કામદારો માટે આરામના શેડસ, પીવાનું સ્વચ્છ પાણી પુરૂ પાડવા તેમજ દાતાઓને, મનરેગાના કામદારોને છાશ, લીંબુ પાણીનું વિતરણ કરવા પ્રોત્સાહિત કરાશે.

તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતોમાં હિટવેવ સંબંધીત પ્રીપેડનેસ અંગે ખાતરી કરાશે. પુન:વર્સન કેન્દ્રો અને તેના માટે જરૂરી સામગ્રીની વ્યવસ્થા, ગ્રામ્ય સ્તરે છાયો અને ઠંડી છતના મહત્વ અંગે જાગૃતતા  કેળવાશે.

જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાષ્પીભવન દ્વારા પર્યાવરણને ઠંડુ કરવા માટે તળાવોનું બાંધકામ, કૃત્રિમ તળાવો જેવી વૈકલ્પિક આજીવિકા પ્રવૃતિ માટે પ્રોત્સાહિત કરાશે. લોકોને ગરમી અને આકરા તાપથી બચાવવા માટે ના પગલા, પીવાના પાણીની ઉપલબ્ધતા સહિતની બાબતો અંગે આ ટાસ્ક ફોર્સ કામગીરી કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj