મુસાફરોની માઠી દશા: ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હંગામી ટર્મીનલ, રેલ્વેમાં ખુલ્લું પ્લેટફોર્મ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રેલ્વે સ્ટેશનમાં 4 નંબર પ્લેટફોર્મમાં છાંયડો શોધવો મુશ્કેલ

Saurashtra | Rajkot | 18 April, 2024 | 05:51 PM
પ્લેટફોર્મમાં શેડ, પંખા, લાઇટ, પાણી, ઇન્ડીકેટ્ર, બેસવાના બાકડા, શૌચાલય, સ્ટોલ કોઇ પ્રકારની સુવિધા નહીં: ધોમધખતા તાપમાં મુસાફરો લાલચોળ; બપોરે તડકાથી બચવા બ્રિજ નીચે ઉભા રહેવા માટે ધસારો
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટનાં રેલ્વે સ્ટેશન અને હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ હવાઇ મથકમાં મુસાફરોની માઠી દશા બેઠી છે અપૂરતી સુવિધાથી મુસાફરો ત્રસ્ત થઇ રહ્યા છે. રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.4 કોઇપણ જાતની સુવિધા વિના કાર્યરત કરતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખુલ્લા પ્લેટફોર્મમાં મુસાફરોને તડકામાં શેકાવું પડે છે. ટ્રેનની મુસાફરી માટે પ્લેટફોર્મ નં.4માં શેડની સુવિધા નહીં હોવાથી ટ્રેનની રાહ જોતા મુસાફરો તડકામાં ઉભા રહી ત્રાહીમામ પોકારી ઉઠે છે.

કેન્દ્ર સરકારનાં રેલ્વે મંત્રાલય દેશભરના રેલ્વે સ્ટેશનોનાં પુન: નિર્માણ માટે અબજો-કરોડોનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે ત્યારે રાજકોટ રેલ્વે સ્ટેશન (જં.)માં અસુવિધાઓનો કોઇ પાર નથી. મુસાફરોને સુવિધાઓ મળતી નથી. છેલ્લા છ માસથી પ્લેટ ફોર્મ નંબરોમાં ફેરફાર કરી પ્લેટ ફોર્મ નં.6ને 4 નંબર આપેલ છે. આ 4 નંબરના પ્લેટ ફોર્મમાં શેડ, પંખા, લાઇટ, ઇન્ડીકેટ્ર, ડીસ્પ્લે, સ્ટોલ, પાણી, શૌચાલય જેવી એક પણ પ્રકારની સુવિધા નહીં હોવાથી મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ઉપર આકાશ નીચે ધરતી જેવી સ્થિતિનું પ્લેટફોર્મ રાજકોટ મહાનગરના રેલવે સ્ટેશનમાં જોવા મળે છે તે સૌરાષ્ટ્રવાસી મુસાફરોના દુભાગ્ય ગણવા રહ્યા છે.

પ્લેટ ફોર્મ નં.4 કોઇપણ જાતની સુવિધા વગર જ રેલ્વે તંત્રએ ખુલ્લું મુકી  દેતા મુસાફરો ઉનાળાની ઋતુમાં ટ્રેનની રાહ જોતા તડકામાં શેકાઇ રહ્યા છે. આ પ્લેટ ફોર્મ નં.4માં છાંયડા માટે શેડ નથી, પીવા માટે પાણીની સુવિધા નથી, ખુલ્લા આકાશ નીચેના આ પ્લેટ ફોર્મમાં પંખાની પણ સુવિધાઓ પણ નથી, મુસાફરોને બેસવા માટે બાંકડા પણ નથી ટ્રેન આવે ત્યારે મુસાફરોને દોડા-દોડી કરવી પડે છે અને મુસાફરો ક્યારેક ક્યારે પ્લેટ ફોર્મમાં પડી પણ જતા હોય છે.

ખાણીપીણી, ચા-પાણીના સ્ટોલ, શૌચાલય, લાઇટની પણ કોઇ પ્રકારની સુવિધા નથી. કોઇ અંતરાયળ સ્થળના રેલવે સ્ટેશન સમુ પ્લેટ ફોર્મ નં.4 રેલવેની આબરૂ લઇ રહ્યું છે તેમ છતાં એ.સી. ચેમ્બરમાં બેસતા રેલવે બાબુઓ પ્લેટફોર્મ નં.4માં સુવિધા આપવા નિંદ્રાધીન હોવાનો સૂર ઉઠ્યો છે. રેલવે તંત્ર તાકિદે પ્લેટ ફોર્મ નં.4ને સુવિધાજનક બનાવે તેવી મુસાફર વર્ગમાંથી માંગ ઉઠવા પામી છે.

► રેલ્વે સલાહકાર સમિતિ મુસાફરોની સુવિધા બાબતે મીટીંગમાં મૌન ?
દર ત્રણ માસે મળતી મીટીંગમાં માત્ર નાસ્તાને પ્રાધાન્ય : રજૂ થતાં પ્રશ્ર્નોનો કોઇ ઉકેલ નથી

રાજકોટ રેલવે સ્ટેશન સહિતની ડિવિઝનનાં રેલવે પ્રશ્ર્નો બાબતે રેલવે સલાહકાર સમિતિમાં અનુભવીઓની નિમણુંક  થાય છે. દર ત્રણ માસે રેલવે ડિવિઝનલ મેનેજરની હાજરીમાં રેલવે સલાહકાર સમિતિની બેઠક મળે છે. જેમાં સમિતિનાં સભ્યો દ્વારા ટ્રેન અને મુસાફરોની સુવિધા બાબતેનાં પ્રશ્ર્ન રજૂ થાય છે. જેની રેલવે તંત્ર નોંધ લઇ તે દિશામાં રેલવે વિભાગ આગળની કાર્યવાહી કરે છે. 

પરંતુ કમનસીબી એ છે કે રેલવે સલાહકાર સમિતિના મેમ્બરોનાં પ્રશ્ર્નોનો ભાગ્યે જ ઉકેલ આવે છે. હાલમાં રાજકોટ રેલવે સ્ટેશન (જં)માં પ્લેટફોર્મ નંબરોમાં ફેરફાર કરી પ્લેટફોર્મ નં.6ને નં.4 આપેલ છે. જેમાં મુસાફરો માટે બેસવાની પણ સુવિધા નથી. જેને આજે છ માસ જેટલો સમય વિતી જવા છતાં આ બાબતે રેલવે સલાહકાર સમિતિનાં મેમ્બરો, વેપારી સંગઠનો, રાજકીય ક્ષેત્રનાં નેતાઓએ ચુપકીદી સેવી લેતા મુસાફરો હેરાન પરેશાન  થઇ રહ્યા છે. રેલવે તંત્રએ મુસાફરોને ભગવાન ભરોસે છોડી દીધાનો ઘાટ સર્જાયો છે. 

► પ્લેટ ફોર્મ નં.4-5માં કવર શેડ સહિતની  સુવિધા માટે ઇ-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ
કવર શેડ, ટોઇલેટ બ્લોક, પાણીની પાઇપ લાઇન વિ. કામ માટે કોન્ટ્રાક્ટરો પાસેથી ટેન્ડર મંગાવાયું 

રાજકોટના રેલવે સ્ટેશન (જં.)માં પ્લેટ ફોર્મ નં.4-5માં અસુવિધાઓથી  હેરાન પરેશાન મુસાફરોમાં બૂમરાણ મચી જવા પામી છે ત્યારે પ્લેટ ફોર્મ નં.4માં કવર શેડ, પાણી સહિતની સુવિધા પુરી પાડવામાં રેલવે તંત્રએ ઇ-ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું રેલવેના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

પશ્ચિમ રેલવે તંત્રએ રાજકોટ ડિવીઝન માટે રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં.4 અને 5માં કવર શેડ, ટોઇલેટ બ્લોક, પાણીની પાઇપ લાઇન, પાણીની લાઇન માટે ગત તા.5-4-2024ના રોજ ઇ-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આગામી સમયમાં પ્લેટફોર્મ નં.4 અને પાંચમાં કવર શેડ, પાણીની સુવિધા ઉપલબ્ધ થશે ત્યારબાદ બેસવાના બાંકડા, ઇન્ડીકેટર, લાઇટ, પંખા, શૌચાલય અને ખાણીપીણીના સ્ટોલની સુવિધા માટે ટેન્ડરો પ્રસિધ્ધ થશે.

► ફુટબ્રિજ નીચે આશ્રય લેતા મુસાફરો
ઉનાળાના ધોમધખતા તાપમાં રેલ્વે સ્ટેશનમાં પ્લેટ ફોર્મ નં. 4માં છાંયડો શોધતા મુસાફરો ફુટબ્રીજ નીચે થોડીક જગ્યાના છાંયડામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે કારણ કે પ્લેટફોર્મ નં.4માં શેડની સુવિધા નહીં હોવાથી મુસાફરો તડકામાં શેકાઇ રહ્યા છે. તસ્વીરમાં ફુટપાથ બ્રીજ નીચે સામાન સાથે ટ્રેનની રાહ જોતા મુસાફરોનો સમુહ નજરે પડે છે. આ છે રાજકોટ રેલવે સ્ટેશનની દુરદશા, વાસ્તવિકતા....

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj