પોરબંદરના દરિયામાંથી પકડાયેલુ હેરોઇન પાક.ના ડ્રગ્સ માફિયાએ મોકલ્યાનો ખુલાસો

Gujarat | Porbandar | 29 April, 2024 | 12:23 PM
તામિલનાડુ સ્થિત ડ્રગ્સ સિન્ડીકેટ આ હેરોઇનનો જથ્થો મેળવીને શ્રીલંકા મોકલવાનો હતો : પકડાયેલા તમામ 14 પાકિસ્તાનીઓની આકરી પુછપરછ : ગોળીબારમાં ઘાયલ બોટના કેપ્ટનની સર્જરી કરાઇ
સાંજ સમાચાર

પોરબંદર, તા. 29
પોરબંદરના દરિયાઇ વિસ્તારમાંથી 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા છે અને 86 કિલોનો હેરોઇનનો આ જથ્થો શ્રીલંકા મોકલવાનો હોવાનું બહાર આવ્યું છે. 

ભારતીય કોસ્ટ ગાર્ડ, ગુજરાત એટીએસ તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો દ્વારા હાથ ધરાયેલા સંયુકત ઓપરેશનમાં પોરબંદરના દરિયામાંથી 600 કરોડની કિંમતનું 86 કિલો હેરોઇન પકડી પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાની બોટમાંથી પકડાયેલા આ ડ્રગ્સના સંદર્ભમાં 14 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. પકડાયેલા આ તમામ 14 લોકો બલોચિસ્તાનના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

ભારતીય એજન્સીઓએ ગોળીબારની રમઝટ બોલાવીને આ પાકિસ્તાની બોટ પકડી હતી જેમાં બોટ અલ-રઝાના કેપ્ટન નાસીર હુસેનને ઇજા પણ થઇ હતી. ભારતીય એજન્સીઓની બોટ પર ગોળીબાર કરીને ડ્રગ્સ સાથેની બોટમાં નાસી છુટવાનો પાકિસ્તાનીઓએ પ્રયત્ન કરતા ભારતીય અધિકારીઓએ વળતો ગોળીબાર કર્યો હતો અને તેમાં તેનો કેપ્ટન ઇજાગ્રસ્ત થયો હતો. શરીરમાં ગોળી વાગી હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવામાં આવી હતી.

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ડ્રગ્સ સામે આ બીજુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શનિવારે ગુજરાતના ગાંધીનગર તથા અમરેલી અને રાજસ્થાનમાં સિરોહી ખાતેથી નાર્કોટીકસ બ્યુરો તથા એટીએસે દરોડા પાડીને એમડી ડ્રગ્સ બનાવતી 4 ફેકટરી પકડી પાડી હતી. આ બનાવમાં 13 લોકોની ધરપકડ કરીને ર30 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. 

પોરબંદરના દરિયામાંથી પકડાયેલી પાકિસ્તાની બોટ અને ડ્રગ્સ વિશે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે હેરોઇનના 78 પેકેટ કબ્જે લેવામાં આવ્યા છે. પકડાયેલા શખ્સો પાકિસ્તાનના બલોચીસ્તાન પ્રાંતના છે. પાકિસ્તાની ડ્રગ્સ માફીયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોતે આ માલ મોકલ્યો હતો. ભારતમાં તામિલનાડુ સ્થિત ડ્રગ્સ સીન્ડીકેટ દ્વારા આ માલ લઇને શ્રીલંકા મોકલવાનો હતો.

ગુપ્તચર બાતમીના આધાર આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. કરાંચીથી નીકળેલી આ બોટ પોરબંદરના દરિયાની આંતરરાષ્ટ્રીય જળસીમા પાર કરે તે પૂર્વે જ પકડી પાડવામાં આવી હતી. આ માટે એટીએસ, કોસ્ટગાર્ડ અને નાર્કોટીકસ બ્યુરોની સંયુકત ટીમ બનાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય જળસીમાથી 180 નોટીકલ માઇલ દુરથી બોટને પકડી લેવામાં આવી હતી. પકડાયેલા તમામ 14 લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે અને વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. 

પોરબંદરના દરિયામાંથી અગાઉ પણ 480 કિલોનું ડ્રગ્સ પકડાયું હતું
ગુજરાતમાં દરિયા કાંઠો ડ્રગ્સની હેરાફેરીનો ટ્રાન્ઝીટ પોઇન્ટ બની રહ્યો હોય તેમ વખતોવખત કેફી દ્રવ્યો પકડાતા રહ્યા છે. પોરબંદર દરિયાઇ સરહદમાંથી ટુંકાગાળામાં જ આ બીજી વખત ડ્રગ્સ પકડાયું છે. અગાઉ પણ કોસ્ટગાર્ડ, એટીએસ અને નાર્કોટીકસ બ્યુરોએ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનથી આવેલી બોટમાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે 6 શખ્સોની ધરપકડ કરી હતી. પોરબંદરથી અરબી સમુદ્રમાં અંદાજીત 3પ0 કિ.મી. દુરથી બોટને પકડવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj