ગોંડલમાં પૂ.મોરારીબાપુની રામકથામાં ઉમટતો માનવ મહેરામણ:વધુ બે ડોમ ઉભા કરાયા

100 કરોડ લોકો નિત્ય એક હનુમાન ચાલીસાના પાઠ કરે તો દેશની દશા બદલાઈ જશે

Saurashtra | Gondal | 24 May, 2024 | 10:10 AM
♦પૂ.મોરારીબાપુએ કથા દરમ્યાન ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવંતસિંહજીને અનેકવાર યાદ કર્યા
સાંજ સમાચાર

♦બુદ્ધપૂર્ણિમાના પવિત્ર દિ’ને દેશના 140 કરોડ લોકોમાંથી 100 કરોડ લોકો વૃક્ષ વાવેતર કરે તો બુદ્ધને સાચી અંજલી આપી ગણાશે

♦સાધુનું આસન રજો ગુણી ન હોવું જોઈએ, હાલતો પધરામણી શબ્દ પણ રજોગુણી થઈ ગયો છે

♦રામ, શિવ, કૃષ્ણ સહિતના પંચ મંદિરો ગામડે ગામડે જર્જરિત થઈ ગયા છે, તેમનો ર્જીણોધ્ધાર કરાયો

અહેવાલ-તસ્વીર: જીતેન્દ્ર આચાર્ય (ગોંડલ)
 ગોંડલ,તા.24

ગોંડલની પ્રાચીન જગ્યા લોહલંગધામ અન્નક્ષેત્ર પ્રેરીત અને યુગાન્ડા નાં મનોરથી ચેતનભાઈનાં સહયોગ દ્વારા દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે ચાલી રહેલી રામચરીત માનસ કથામાં ઇતિહાસ રચાયો હોય તેમ કથા શ્રવણ માટે અવિરત પ્રવાહ વહેતો હોય 25000 ની ક્ષમતા ધરાવતો વાતાનુકુલિત ડોમ ટુંકો પડતા અને ભાવિક શ્રોતાઓ ને બહાર ધોમધખતા તાપમાન વચ્ચે ઉભા રહેવું પડ્યું હોય પુ.મોરારી બાપુ ની સુચના થી કથા સમિતી દ્વારા તાબડતોડ વધુ પાંચ હજાર ની ક્ષમતા સાથેનાં બે વાતાનુકુલિત ડોમ ઉભા કરાયા હતા.જે શ્રોતાઓ થી ભરચક બન્યાં હતા.

મોરારી બાપુએ કથા દરમ્યાન ગોંડલ નાં પ્રજાવત્સલ મહારાજા ભગવતસિહ ને અનેકવાર યાદ કર્યા હોય હાલ લંડન ગયેલા વર્તમાન રાજવી હિમાંશુસિહજીએ તેમનાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાને કથા સ્થળે મોકલ્યા હતા.જ્યાં રાજેન્દ્રસિંહ દ્વારા વ્યાસપીઠ નું પુજન કરી બાપુને સન્માનિત કરાયા હતા.રાજવી હિમાંશુસિહજી દ્વારા લંડન થી પુ.મોરારીબાપુ ને લખાયેલા પત્ર માં જણાવ્યું હતું કે " બાપુ આપે ભગવતસિહ બાપુ ને યાદ કરી ગોંડલ તથા રાજવી પરિવાર નું ગૌરવ વધાર્યુ છે.જે માટે રાજવી પરિવાર આપનો આભારી છે.

 રામચરીત માનસ કથા  નાં આજે છઠ્ઠા દિવસે પણ મોરારી બાપુએ  કથાની શરૂઆત કરતા પહેલા મહારાજા ભગવતસિંહજી ને યાદ કરતા જણાવ્યું હતું કે સર ભગવતસિંહજી પ્રજાવત્સલ રાજા હતા હાલ એમનો પરિવાર પણ પ્રજાવત્સલ્ય રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે ભગવતસિંહજી વૃક્ષ પ્રેમી હતાં જેઓએ ખૂબ વૃક્ષો વાવ્યા છે.આજે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે દેશના 140 કરોડ દેશવાસીઓ માંથી 100 કરોડ લોકો વૃક્ષ વાવેતર કરે તો સાચી બુદ્ધ ને અંજલિ થઈ ગણાશે. સરભગવતસિંહજી નો આત્મા રાજી થશે. જો કે 100 કરોડ વૃક્ષ નું વાવેતર થાય તો દેશ નંદનવન બની જાય.ખૂબ મોટું સદકાર્ય થશે. હાલ ગરમીનો પારો વધતો જાય છે,અને આપણા મગજ નો પારો પણ વધી રહ્યોછે. પરંતુ હું વીરપુર જ્યાં રોકાયો છું.ત્યાં એક નહીં પાંચ વૃક્ષ વાવવા નો છું. વૃક્ષ વાવવા બાપુએ આહલેક જગાવી હતી.

બાપુએ  કહ્યુ કે  સંસકૃતિ નો ત્યાગ નથી. સાધુ સંતો મહાપુરુષો પકૃતિમાં નાં શરણે જાય છે.પ્રકૃતિ નું મોટુ અંગ વૃક્ષ છે. સો કરોડ લોકો વૃક્ષ વાવે તો દેશ નંદનવન બંને સાથે બીજું 140 કરોડ લોકો માંથી 100 કરોડ લોકો નિત્ય એક હનુમાન ચાલીસા પાઠ કરે તો દેશની દશા બદલી જશે. હનુમાનચાલીસા સાંપ્રાદિયક નથી.બધા હનુમાનચાલીસા ના પાઠ કરી શકે.ત્રીજું 100 કરોડ લોકો સત્ય,શાશ્વત વૈદિક સનાતન ધર્મનો આશ્રિત રહેશે તો મોટું સદકાર્ય થશે.આ તકે 100 કરોડ લોકો વૃક્ષ વાવે,હનુમાન ચાલીસા પાઠ કરે ,સત્ય અને શાશ્વત નો સંકલ્પ તો મોટું સદકાર્ય થશે. તેવું જણાવ્યું હતુ.

બાપુએ કહ્યુ કે રામાયણ  માં સો શબ્દનો ઉલ્લેખ વધુ છે શત કોટી, શત યોજન, શત શબ્દ યાની સો કરોડ "રામાયણ સાધુએ જેટલું સાચવ્યું છે.એટલું કોઈએ નથી સાચવ્યું.
આ તકે બાપુએ સુરજદેવળ ખાતે ઉપવાસ પ્રસંગ ને મુલવ્યો હતો.અને સુરજદેવળ ને રામાયણનું આસ્થાનું કેન્દ્ર ગણાવ્યુ હતુ. બાપુએ ભાવુક બની આહવાન કર્યું હતું કે સીતારામબાપુ..તમે સાધુ સંતો મહંતો એવમ દરેક શાખાના સાધુઓને જણાવો નાના-મોટા કારણો કાઢી ગોંડલ  આવો મોરારીબાપુ આમંત્રણ આપે છે.મારે તમારા સૌના દર્શન કરવા છે.નાના મોટા અહંકાર છોડી અવસર આવ્યો છે તો માણી લો આવો મારા બાપ, તમારો મોરારીબાપુ તમને આમંત્રણ આપે છે.અવસર આવ્યો છે.

મોતી પરોવી લો,આ દેશને સાધુની એકતા ની જરૂર છે.બાપુ એ જણાવ્યું હતું કે સાધુ નું આસન રજોગુણી ન હોવું જોઈએ હાલ તો પધરામણી શબ્દ પણ રજોગુણી થઈ ગયો છે.રામચરિત માનસ ત્રિભુવનિય શબ્દ કોષ છે.હાલ વેદ નો આશ્રય કરે છે પરંતુ વેદનો વિરોધ પણ ખૂબ કરે છે.બાપુએ જણાવ્યું હતું કે રામમંદિર શિવમંદિર કૃષ્ણમંદિર સહિત પંચદેવ મંદિર ગામડે ગામડે જર્જરીત થયા છે.તેમના જીર્ણોદ્ધાર કરાવો.એ કરાવશો તો કપાસ માંડવીના ભાવ સારા મળશે આવા સદકાર્ય થવા જોઇએ.પરોપકારી સંસ્થાઓ ની સેવા કરજો .રામ અનંત, રામનામ અનંત રામનું શીલ અનંત જેમના ગુણ અનંત જેમનો વિસ્તાર અનંત છે.

 બાપુએ કહ્યું કે શાસ્ત્ર ,રાજા અને સ્ત્રી કોઈને આધીન ન થાય.સ્ત્રી શ્રદ્ધા છે.જ્યારે પુરૂષ વિશ્ર્વાસ છે. લહેરો ના કારણે સમુદ્ર છે.સમુદ્ર ને કારણે લહેરો નથી. બાપુએ જણાવ્યું હતું કે મારી પ્રથમ પાંચ કથા તલગાજરડા જ કરી. પરમાત્મા ની કથા હોય મોરારીબાપુ ની શું કથા હોય.! 

હરિ અનંત હરિ કથા અનંતા’ મારે કથા ઘર ઘર સુધી ઘટ ઘટ સુધી પહોંચાડવા નો પ્રયાસ કરવો  છે.વધુમાં જણાવતા કહ્યું ’રામનામ આશ્રિત રામાયણ ના આશ્રિત સાધુના આશ્રિતો એ એમની નજરમાંથી નીચે ઉતરી ન જવા જોઈએ. હાલ લેવલ ઘટી ગયું છે.ને લેબલ વધી ગયું છે.હાલ કોની પાસે બેસવું એ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે.જુનાગઢ કથા શોભાયાત્રા માં હાથી પર બેસાડી દીધા બાદ સંકલ્પ કરેલ સમાજ ગધેડા પર બેસાડે એ પહેલાં આપડે આપડી જાતે ગધેડા પર બેસી જવું. એ પણ થઈ ગયું કચ્છની કથામાં ગધેડા પર પણ બેસી લીધું.વિદ્વવાનો પાસેથી કંઇક લઈ છેવાડાનાં પાણી વાળતા માણસા  સુધી  પંહોચાડવા નો મારો પ્રયાસ છે.

શિવ પાર્પુવતી ચરિતએ  નો મહીમા વર્ણવતતા બાપુએ  હિમાલય ની કથા આગળ ધપાવી હતી.હિમાલય ને ત્યાં શ્રદ્ધા રૂપી દીકરીનો જન્મ થયો.
બાપુએ સમાજને પ્રાર્થના કરતા કહ્યું દીકરાનો જન્મ થાય જેવો ઉત્સવ  દીકરી નાં જન્મ સમયે પણ ઉજવો.કૃષ્ણ કહે છે.દીકરી જન્મે ત્યારે સાત પ્રકાર ની વિભૂતિ નો જન્મ થાય છે.દુર્ગાના હજાર નામ છે.એમ ભગવાન વિષ્ણુ ના  હજાર નામો છે.મૌન ની વ્યાખ્યા આપતા બાપુ એ જણાવ્યું હતું કે શાંતિ અને સત્વ ની ઉર્જા નૃત્ય કરે તેનું નામ મૌન,મૌન એટલે જડતા નહીં. દીકરી ના બાપ ને ઘર અને વર ખૂબ મહત્વ હોય છે.દક્ષ નારદ સંવાદ માં સતીના ભાગ્ય જુએ છે.એનો સુંદર મર્મ સમજાવ્યો હતો.રામચરિત માનસ એક આખું નભમંડળ છે.જેમાંથી એક પણ તારો હજુ સુધી ખર્યો નથી.રામાયણ ને  માનો કે ન માનો રામાયણ તમને મુકશે નહીં એથી દરેક કામ છોડી દો પરંતુ રામકથા ના છોડો.108 પરમ તત્વ એ રામાયણ ને ગાય છે.રામાયણ ગીતા ને ઘરમાં રાખજો પાઠ થાય કે ન થાય તો કંઈ નહીં ઘરમાં સદગ્રંથ રાખો.

જે માર્ગ દેવતાઓનો છે ત્યાં મૂર્ખાઓ દોડવા લાગ્યા છે.ચોવીસ કલાક પ્રસન્ન રહેવું મોઢું ચડાવી ન બેસવું મગજ શાંત રાખવો, હૃદય ગરમ રાખવું.
 બાપુ એ કહ્યું ગોંડલની કથામાં મજા ખૂબ આવી. હવે   આવી કથા થાય ન થાય એ ખ્યાલ નથી આથી સવાઇ પણ થાય, પરંતુ આ અવસર પર મજા ખૂબ આવી.ઈમાનદાર નો પૈસો જ કથામાં વપરાય છે.સદકર્મ સાચું જ સ્વીકારે છે.

કથા વિરામ સમયે શિવકથા નું ગાન બાદ બાપૂએ રામજન્મ ની કથા જણાવી હતી.કથા પંડાલ માં આજે રામજન્મ ઉત્સવની ઉજવણી થવા પામી હતી.

♦પૂ.મોરારીબાપુએ ભુવાબાવાનાં ચોરા તથા ગૌશાળાની મુલાકાત કરી: ગાયોને ગોળ ખવડાવ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.24
ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલ  મોરારીબાપુ ની કથાના આજે છઠ્ઠા દિવસે શહેરના ઉદ્યોગભારતી પાસે  અયોધ્યા ચોકમાં આવેલા ઐતિહાસિક ભૂરાબાવના ચોરા ખાતે પંહોચી ભગવાન શ્રી રામના દરબાર ના દર્શન કર્યા હતા.મંદિરના મહંત દ્વારા  મોરારીબાપુનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોંડલ નગરિકબેંક ના ચેરમેન અને કથા સમીતી ના મુખ્ય કાર્યકર્તા અને ભુરાબાવાનાં ચોરાનું નવનિર્માણ કરનારા અશોકભાઈ પીપળીયા દ્વારા  મોરારીબાપુ ને ચોરા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બાદ માં લીલાપીઠ ખાતે આવેલ રામગરબાપુ ગૌ શાળા ની  મોરારીબાપુ એ  મુલાકાત લીધી હતી.ગૌ શાળા ના મેદાનમાં  મોરારીબાપુ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌ શાળા ખાતે દીપ પ્રાગટય કરી ગાય ની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતુ.

રામગરબાપુ ગૌ શાળા ખાતે ગોંડલ શહેર માં બીમાર, અપંગ તેમજ એક્સિડન્ટ વાળી ગાયોની ટ્રસ્ટના સભ્યો તેમજ સેવકો દ્વારા સેવા કરવામાં આવે ત્યારે  મોરારીબાપુ દ્વારા ગાયો ની થતી સારવાર ની માહિતી મેળવી તેમજ ગાયો ને તેમના હસ્તે ગોળ, સુખડી તેમજ ખોળ ખવડાવવામાં આવ્યો હતો. આ તકે રામગરબાપુ ટ્રસ્ટના જયકારભાઈ જીવરાજાની, રાજુભાઈ ( દયાળજી ભજીયા વાળા), ગોપાલભાઈ ટોળીયા તેમજ ગૌ સેવકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj