પાટડી તાલુકામાં આવેલા વિશ્વ વિખ્યાત અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખર જેવા પ્રાણીઓનો વસવાટ

બજાણા અભ્યારણ્ય વિસ્તારમાં ઝરખની સંખ્યામાં વધારો : ગુજરાતમાં 897 ઝરખની નોંધણી

Saurashtra | Surendaranagar | 26 April, 2024 | 01:03 PM
બજાણા વીડમાં દુર્લભ ઝરખનું રહેઠાણ : 1990માં સૌપ્રથમવાર ઝરખની વસ્તી ગણતરી કરાઇ ત્યારે 97ની સંખ્યા હતી : શિકારીથી બચવા ઝરખ મરી જવાનો ઢોંગ કરે છે : રણલોંકડીની સંખ્યામાં વધારો : ઉનાળાની ગરમીમાં જાનવરો માટે પાણીની સમસ્યા મુસીબત સમાન
સાંજ સમાચાર

વઢવાણ, તા. 26
પાટડી તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ વિસ્તારમાં ઘુડખર, યાયાવર પક્ષીઓ, રણ લોંકડી જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં થોડા સમયથી ઝરખની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. હાલ બજાણા અભ્યારણ વિસ્તારમાં પાંચથી વધારે ઝરખ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પાટડીથી સવલાસ મામાની દેરી પાસે આવેલા પુલ નજીક ઝરખ જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બજાણા ઘુડખર અભ્યારણના આર.એફ.ઓ.અનિલ રાઠવાને જાણ થતાં વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાંમાં સામે આવ્યું હતું કે, ઝરખ ખોરાકની શોધમાં આવ્યું હોવાનું જાણવા મળે છે તથા ઝરખ માદા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

બજાણા ઘુડખર અભ્યારણ વિસ્તારમાંથી રોડની નજીક ઝરખે દેખા દેતા વન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું. ઝરખ અભ્યારણ વિસ્તારમાં જ હોવાથી તેને રેસ્ક્યું કરી અન્ય વિસ્તારમાં લઇ જવામાં આવશે નહીં. પરંતુ ઝરખે દેખા દીધી છે, ત્યાં સવલાસ અને બજાણા ગામ નજીક હોવાથી આગામી દિવસોમાં ઝરખનું રેસ્ક્યુ કરી માનવ વસાહતથી અભયારણ્ય વિસ્તારની અંદર લઈ જવા પ્રયત્ન હાથ ધરવામાં આવે તેવુ જાણવા મળ્યુ હતુ.

બજાણા વીડમાં દુર્લભ ઝરખનું રહેઠાણ
 કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું અને ગરદન પર ઉગેલા વાળના લીધે ભરાવદાર અને વિચીત્ર દેખાવને લીધે કુતરા કરતા મોટા કદનું લાગતા દુર્લભ ઝરખનું રહેઠાણ બજાણા વીડમાં મળી આવ્યું છે. આ વેરાન જગ્યા પર ઝરખના વિવિધ સંખ્યાબંધ દરો અને અસંખ્ય મૃત પશુઓના હાડકા અને ઝરખની હગાર મળી આવી હતી.

ઝરખ સામાન્ય રીતે રણમાં જોવા મળતું મૃતોપજીવી પ્રાણી છે. મરેલા પ્રાણીના માંસ અને હાડકા ઝરખનો મુખ્ય ખોરાક હોવાથી તેને કુદરતનો સફાઇ કામદાર કહેવામાં આવે છે. ત્યારે ખારાઘોડાથી 25થી 30 કિ.મી.દૂર બજાણા વીડમાં ઝરખનું અનોખું રહેઠાણ મળી આવ્યું હતુ. ઝરખના આ અનોખા રહેઠાણમાં એક દરમાંથી બીજા દરમાં આસાનીથી જઇ શકાય તેવા લાઇનબધ્ધ દર મળી આવ્યા હતા. અને દરની બહાર ગાયના શીંગડા અને સંખ્યાબંધ હાડકા પણ મળી આવ્યા હતા.

આ અંગે વનવિભાગના જણાવ્યાનુસાર 10 કિ.મી.અંતરમાં મૃત પશુઓની સુંગધને ઝરખ આસાનીથી પારખી લે છે અને ત્યારબાદ મૃત પશુઓને પોતાના રહેઠાણ પાસે ઢસડીને લઇ જઇ આરામથી એને આરોગે છે. જેના લીધે ઝરખને કુદરતનું સફાઇ કામદાર કહેવામાં આવે છે.

રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા
અગાઉ રણમાં અંદાજે 40થી 50ની સંખ્યામાં રણલોંકડી હતી. રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા છે. હાલમાં રણમાં અંદાજે 100થી વધુ રણલોંકડી હોવાનો અંદાજ છે. જ્યારે રણમાં આવેલા પુમ્બ બેટ પર તો રણલોંકડીના એક સાથે નવ જીવંત દર પણ જોવા મળ્યા હતા. આ  પર તો રણલોંકડીના એક સાથે નવ જીવંત દર પણ જોવા મળ્યા હતા. આ સિવાય વેરાન રણમાં દુર્લભ કાળિયારનું ઝુંડ અને વરુની પણ હાજરી જોવા મળી છે.   રેન્જ ફોરેસ્ટ ઓફિસર, અભયારણ્ય વિભાગ, બજાણા

છેલ્લા બે વર્ષમાં રણલોંકડીની સંખ્યામાં વધારો
રણમાં આવેલા કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર રણલોંકડીના 9 જીવંત દર મળી આવ્યા બાદ વન વિભાગના જણાવ્યાનુસાર અગાઉ રણમાં રણલોંકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી. જે છેલ્લા 2 વર્ષમાં બમણીથી વધારે થતાં હાલમાં રણમાં અંદાજે 100થી 125 જેટલી દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રણલોંકડી એ ભૂખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળું પ્રાણી છે. રણલોંકડી એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે.

તે સામાન્ય રીતે સૂકા, પાંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે. લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટેભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે રણલોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. રાત્રે અને સાંજના સમયે વિશિષ્ઠ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.

 છેલ્લે કરાયેલી ગણતરીમાં ગુજરાતમાં 897 ઝરખ નોંધાયા હતા
વનવિભાગ દ્વારા સને 1990માં સૌ પ્રથમવાર ઝરખની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ઝરખની સંખ્યા 97 હતી. જે સને 1995માં વધીને 1367 થઇ હતી. અને વનવિભાગ દ્વારા છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર ઝરખની સંખ્યા 897 નોંધાઇ હતી, શિકારીથી બચવા મરી જવાનો ઢોંગ કરે છે. ઝરખ સામાન્ય રીતે અન્ય પશુઓ સાથે ઘર્ષણમાં ઉતરવાનું ટાળે છે. પરંતુ પોતાનો શિકાર બચાવવાની નોબત આવે ત્યારે ઝરખ દિપડા જેવા પ્રાણીની સામે થાય છે. કુતરાઓના સંકજામાંથી છટકી શકાય એ માટે ઝરખ પોતે મરી ગયું હોવાનો ઢોંગ કરવામાં પણ માહિર હોય છે.

 રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરુ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળિયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોડાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લાં 2 વર્ષમાં બમણી થઇને 100થી પણ વધુ હોવાનું વન વિભાગનું માનવું છે. આ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ 2 પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે.

ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીની સમસ્યા જાનવરો માટે મુસીબત બની... !
હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાનો પ્રારંભ અને પૂર્ણતાના જ્યારે ઉનાળો છે ત્યારે માણસોને પીવાના પાણી માટેની મુસીબતો સર્જાય છે ત્યારે આ પશુ પક્ષીઓ કે જનાવર માટે કોણ દરકાર કરે તે પણ એક પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે રણ વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં અગરિયાઓને પણ દસ દિવસે પાણી પ્રાપ્ત થતું નથી ત્યારે રણમાં પશુ પક્ષીઓને કઈ રીતે પાણી મળે તે પણ એક પ્રશ્ન છે ત્યારે આ વિસ્તારના એક ખેડૂત રામજીભાઈ કરીને જણાવતા હતા કે નજીકની ખેતરવાડીઓમાં પાણી પીવા માટે નીલગાય ઝરખ ઘુડખર શિયાળીયા હરણ જેવા જનાવરો પાણી પીવા માટે આવે છે અને અનેકવાર કુવામાં પણ પડતા હોય છે તારે રણ વિસ્તારમાં આ જનાવરોને પીવાના પાણીની મોટી મુસીબા જોવાનું પણ તેમને જણાવ્યું હતું.

ત્યારે સામાન્ય રીતે ઊંડા કે ચાટો ભરે તો આ મોટા જનાવરોને એટલું પાણીથી સંતોષ થતો નથી જેના કારણે તેમને મોટી માત્રામાં પાણીની જરૂરિયાત પડે છે ત્યારે આમતેમ ફાફા મારતા હોય છે અને ખાસ કરીને કેનાલ ઉપર બપોરના સમયે નીલગાય હરણ અને ભૂતકાળ જેવા પશુઓ વધારે માત્રામાં જોવા મળે છે ત્યારે અનેક વાર કેનાલોમાં પાણી પીવા માટે કોશિશ કરે છે પરંતુ અનેકવાર કેનાલમાં પણ પડી અને મોતને ભેટતા હોય છે તેવા પણ અનેક બનાવો અનેક વાર સામે આવ્યા છે ત્યારે રણમાં પશુઓને અને પક્ષીઓને પીવાના પાણીની મોટી મુસીબત હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj