દ્વારકાધીશ જગતમંદિરના ર્જીણોદ્ધારની તૈયારી: પુરાતત્વ વિભાગે શિલ્પ કલાઓનું સ્કેનીંગ કર્યું

Gujarat, Dharmik | Jamnagar | 11 June, 2024 | 09:32 AM
સાત માળના મંદિરનું 18 કરોડના ખર્ચે જમીનથી 100 ફુટ સુધી નવ નિર્માણ થશે: આર્કોલોજી વિભાગની ટીમનો સર્વે: પૌરાણિક કાળની કૃતિઓ છે: ચોબારી ખાણના પથ્થરોનો કરાશે ઉપયોગ
સાંજ સમાચાર

દ્વારકા,તા.11

ભારતના પશ્ચિમ છેવાડે હજારો વર્ષ પુર્વે ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના શિખરના ર્જીણોદ્ધારની વારંવાર રજુઆતો કરાયા બાદ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મંદિર શિખરના જર્જરીત ભાગોના પુન: ર્જીણોદ્ધાર માટેની કામગીરીનો પ્રારંભ કરતા પ્રાથમિક તબકક કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગૌમતી નદીની ઉતરે સમુદ્રની સપાટીથી 70 ફુટની ઉંચાઈએ પરિચમાભિમુખ મંદિર જમીન સપાટીથી લગભગ 150 ફુટ ઉંચુ મુખ્ય શિખર ધરાવે છે. જયાં બાવન ગજની ધજા લહેરાય છે. હાલનું દ્રશ્યમાન શ્રી દ્વારકાધીશજીનું જગતમંદિર સાત માળનું છે તે સમુદ્રની સપાટીથી 45 ફુટ ઉંચે છે જયાં પહોંચવા માટે છપ્પન સીડી ચડવી પડે છે.

મંદિરનાં ચોગાનથી સુવર્ણ કળશ સુધીની ઉંચાઈ 126 ફુટ છે. આ મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવામંડપ અને અર્ધમંડપ એમ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. મંદિરની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 88 ફુટ છે. ઉતર દક્ષિણ પહોળાઈ 70 ફુટ છે. એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભો ઉપર આ મંદિરની ઈમારત ઉભી છે. મંદિર ઉપરનો ધ્વજ સ્તંભ 25 ફુટનો છે તેની ઉપર 20 ફુટના ધ્વજ દંડમાં બાવન ગજ કાપડની સૂર્ય-ચંદ્રના નિશાનવાળી સફેદ-પચરંગી ધ્વજા દ્વારકાના નિલરંગી આકાશમાં અહર્નિશ લહેરાયા કરે છે.

ભારતીય પુરાતત્વ વિભાગની દિલ્હી સ્થિત વડી કચેરીના ડીરેકટર જનરલ વાય.એમ.રાવતના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજકોટ ખાતેની ભારતીય પુરાતત્વ વિભાગની સર્કલ કચેરીના માર્ગદર્શન હેઠળ આર્કોલોજીની ટીમના આઠ જેટલા એન્જીનીયર્સ તાજેતરમાં જગતમંદિરના ફલોરીંગથી લઈને લાડવા ડેરા તથા શક્તિ માતાજીના મંદિર સુધીના મજલા અને ધ્વજાજીના દંડ સુધીના મજલા ઉપર ત્રણ ટીમ બનાવીને 700 ડીગ્રી સહિતના સાધનો સાથે હાલની મંદિરની કંડોરાયેલી શિલ્પ કલાઓનું સ્કેનીંગ કરાયું છે અને આ સ્કેનીંગ કરેલા ડેટા આધારે થયેલા મંદિરના ર્જીણ થયેલ વિવિધ ભાગોનું સ્થાપિત પથ્થરોને અનુરૂપ મંદિરનો પુન: ર્જીણોદ્ધાર થાય તેના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જગતમંદિરના કલોરિંગમાં પથરાયેલા કલાત્મક પથ્થરો જે ર્જીણ હાલતમાં હોય તેને અગ્રતાના ધોરણે બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. જગતમંદિરના દર્શન સમય અને યાત્રીકોની અવરજવરને ધ્યાનમાં રાખીને પૂરતી તકેદારી રાખીને મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા સભામંડપ તથા નિજમંદિર સહિતના ભાગોમાં પણ ર્જીણ થયેલા પથ્થરોની જગ્યાએ નવા પથ્થરો વડે ર્જીણોદ્ધાર કરાશે. આ કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 18 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

પુરાતત્વકાળના કહેવા મુજબ દ્વારકાધીશ મંદિરનું નિજ મંદિર 12-12ની સદીમાં બંધાયેલું છે. જયારે લાડવા મંડપ કે સભામંડપ 15-16મી સદીમાં બંધાયેલ છે. આ મંદિરમાં પશુદેહવાળી માનવમુખી, પરી, પાંખવાળા હાથી વગેરે વિદેશી શિલ્પો છે. આ મંદિરમાં મત્સ્ય, નૃસિંહ, વરાહે, પરશુરામ, લક્ષ્મીનારાયણ વગેરે અવતારોની મૂર્તિઓ કોતરાયેલી છે. મૌર્ય, ગુપ્ત, ગારૂલક, ચાવડા, ચાલુકય, રાજયકાલીન શિલ્પો પણ છે.

જૈન અને બૌદ્ધ ધર્મના શિલ્પો પણ છે. નિજમંદિરના દરેક માળ ઉપર સ્વતંત્ર શિખરો બંધાયેલા છે. રોતાળ પથ્થરોમાંથી કંડોરાયેલા આ જગતમંદિરનું શિલ્પ વિવિધ સંસ્કૃતિને ઉદ્ધાટિત કરતું હોવાથી જગતમંદિર તરીકે પ્રખ્યાત બન્યું છે.

મંદિરનાં ઉતર તરફના દરવાજાઓ મોક્ષદ્વાર અને ગોમતી નદી તરફથી છપ્પન પગથિયાં (સીડી) દ્વારા પ્રવેશ થાય છે તે સ્વર્ગદ્વાર કહેવાય છે. દ્વારકાધીશજીનું મંદિર શિલ્પકલાની દ્રષ્ટિએ અદભૂત નમૂનારૂપ છે. મંદિરના વિવિધ ભાગોમાં આવેલી શિલ્પકલાઓ જેમાં આગ ઓકતા સિંહો, હાથીઓની શિલ્પકલાની કૃતિઓ સ્થાપિત છે તે અતિ પૌરાણિક કાળની હોવાનું પુરાત્વ વિભાગના તજજ્ઞોનું કહેવું છે. જેથી ર્જીણોદ્ધાર વખતે આ શિલ્પકલાને નજરમાં રાખીને કામગીરી કરાય તેવા માંગ પુરાતત્વ વિભાગના તજજ્ઞોએ વ્યક્ત કરી છે.

પુરાતત્વવિદોની દ્રષ્ટિએ હજારો વર્ષ પુરાણા આ પ્રાચીન હેરિટેજ મંદિરનો જયારે જયારે ર્જીણોદ્ધાર થયો છે ત્યારે બારડીયા ગામના જ પથ્થરોનો ઉપયોગ થયો છે અને સૂત્રોના કહેવા પ્રમાણે બરડીયાની ચોબારી ખાણ તરીકે ઓળખાતાં ક્ષારયુક્ત પથ્થરોનો જ ઉપયોગ વર્તમાનમાં થનાર ર્જીણોદ્ધારમાં કરવામાં આવનાર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj