વઢવાણમાં ભોગાવો નદીના દક્ષિણ કિનારે રાણકદેવીનું સ્મારક મંદિર આજે પણ પ્રાચીન ઇતિહાસની સાક્ષી પૂરે છે

Saurashtra | Surendaranagar | 18 April, 2024 | 12:26 PM
હાલના વઢવાણના કિલ્લા પાસેના શિવ મંદિરને સ્થાનિક લોકો રાણકદેવીના મંદિર તરીકે ઓળખે છે
સાંજ સમાચાર

(તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ-વઢવાણ)  

વઢવાણ, તા. 18

વઢવાણમાં ભોગાવો નદીના દક્ષિણ કિનારે રાણકદેવીનો પાળિયો (સ્મારક પથ્થર) અને એક મંદિર હજુ પણ ઉભો છે.હાલમાં વઢવાણના કિલ્લા પાસેના શિવ મંદિરને સ્થાનિક લોકો રાણકદેવીના મંદિર તરીકે ઓળખે છે.

મંદિરના સમય અને નિર્માણ વિશે કોઈ માહિતી નથી. બાંધકામની શૈલીના આધારે, આ મંદિર 10મી સદીમાં બાંધવામાં આવેલું હોવાનું જણાય છે તેના શિખરની રચના મૈત્રક પછીના સમયગાળાની છે. તે સ્પષ્ટ નથી કે આ મંદિર 12મી સદીના રાજા ખેંગારની રાણી રાણકદેવી સાથે કેવી રીતે સંકળાયેલું હતું.મધુસૂદન ઢાંકી અને હરિશંકર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આ બાંધકામ કદાચ 9મી સદીના છેલ્લા ચતુર્થાંશમાં વર્ધમાન (હાલ વઢવાણ) પર રાજ્ય કરનાર છાપા વંશના રાજા ધરણીવરહના શાસન દરમિયાન હતું. કાંતિલાલ સોમપુરાના જણાવ્યા અનુસાર, તે 10મી સદી કરતાં પહેલાં બાંધવામાં આવ્યું હતું. જેમ્સ બર્ગેસે તેને રાણકદેવીના સ્મારક મંદિર તરીકે સૂચિબદ્ધ કર્યું હતું. 

 આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારકો તરીકે સૂચિબદ્ધ છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેની જાળવણી કરવામાં આવી છે.

સાઉથવેટ દ્વારા મળેલી શિખર કોતરણી દર્શાવતી 1899ની છબી બારસાખ

આ મંદિર મૈત્રક પછીના અને મારુ-ગુર્જરા સ્થાપત્યના પ્રારંભિક નાગર તબક્કાનું ઉદાહરણ છે.આ મંદિર લગભગ 9 મીટર ઊંચી એક મોટી પીઠ (પ્લેટફોર્મ) પર બાંધવામાં આવ્યું છે.ગ્રાસ-પટ્ટી (ઘાસના મોલ્ડિંગનો બેન્ડ) અહીં સૌપ્રથમ જોવા મળે છે જે આ પછીના સ્થાપત્યોની શૈલીમાં ચાલુ રહ્યો.શિખર પર આમલક અને કળશના મોલ્ડિંગ્સ છે. આ મંદિરોની બાહ્ય ત્રણેય દિવાલોમાં કોઈપણ મૂર્તિઓ વગરની કોતરણી છે.તેમની ઉપર ઝીણું ફમસાના કોતરકામ છે. તેમાં કીર્તિમુખ, ચૈત્ય, ગવાક્ષ અને તમાલપત્રની સજાવટની કોતરણી પણ છે. ઉત્તર દિશામાં પાણીનો નિકાસ હોવાથી તે શિવ મંદિર હોવું જોઈએ એમ જણાય છે. આ મંદિર પાસે નંદીની મૂર્તિ પડેલી છે. ગર્ભગૃહમાં, બે સાદી મૂર્તિઓ મહાકાળી અને રાણકદેવી તરીકે ચિહ્નિત થયેલ છે. ગર્ભગૃહના દરવાજાની ફ્રેમમાં બ્રહ્મા, શિવ અને અન્યની મૂર્તિઓ છે.

 રાણકદેવી પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિસ્તારના 12મી સદીના ચુડાસમા શાસક રા’ ખેંગારના મહારાણી હતા. ચુડાસમા રાજા રા’ ખેંગાર અને ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ વચ્ચેનું યુદ્ધ વર્ણવતી કરુણ પ્રણયકથામાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જોકે, આ દંતકથા વિશ્વસનીય નથી.

રાણકદેવી ચુડાસમાની રાજધાની જૂનાગઢ નજીક મજેવડી ગામના કુંભારના પુત્રી હતી. તેમની સુંદરતાની ખ્યાતિ સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી. રાજા જયસિંહે રાણકદેવી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. આ દરમિયાન રા’ ખેંગારે તેમની સાથે લગ્ન કર્યા જેનાથી જયસિંહ ગુસ્સે ભરાયા.એક દંતકથા કહે છે કે તેમનો જન્મ કચ્છના રાજાને ત્યાં થયો હતો, પરંતુ તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા, કારણ કે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે જે પણ તેમની સાથે લગ્ન કરશે તે પોતાનું રાજ્ય ગુમાવી દેશે અને યુવાન મૃત્યુ પામશે. ત્યજી દેવાયેલી બાળ રાણકદેવી હડમત અથવા જામ રાવલ નામના કુંભારને મળી આવી હતી, જેણે તેને પોતાની પુત્રી તરીકે ઉછેરી હતી.45 આ દરમિયાન ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા.

ખેંગાર જૂનાગઢના ઉપકોટના કિલ્લામાં રહેતા હતા, પરંતુ રાણી રાણકાદેવીને જૂનાગઢ નજીક આવેલા ગિરનારના પહાડી કિલ્લામાં રાખ્યા હતા. તેમના ભત્રીજા વિશળ અને દેશળ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને ચોકીદાર સિવાય ત્યાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. ખેંગાર ઉપરકોટથી ગિરનારના કિલ્લા સુધી રાણકદેવીની મુલાકાતે જતા હતા. એક દિવસ તેમણે જોયું કે દેશળ ત્યાં નશામાં હતો અને રાણીના તમામ વિરોધ છતાં તેણે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના બાદ તેમણે દેશળ અને વિશળ બંનેને જૂનાગઢમાંથી હાંકી કાઢ્યા.

અપમાનિત દેશળ-વિશળ જયસિંહ પાસે ગયા અને તેમને જૂનાગઢ પર હુમલો કરવા કહ્યું. તેઓ અનાજ લઈને ઉપરકોટમાં પ્રવેશ્યા, ચોકીદારોને મારી નાખ્યા અને મહેલ પર હુમલો કર્યો. હુમલામાં ખેંગાર મૃત્યુ પામ્યા અને ઉપરકોટના કિલ્લા પર કબજો જમાવ્યો. ત્યારબાદ દેશળ અને વિશળ જયસિંહને ગિરનારના કિલ્લા સુધી લઈ ગયા અને રાણકદેવીને દરવાજો ખોલવા કહ્યું. દરવાજો ન ખોલતાં જયસિંહ અંદર આવ્યો અને તેમના બે પુત્રોને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો. જયસિંહ રાણકદેવીને પોતાની સાથે લઈ ગયા અને અણહિલવાડ પાટણ તરફ પાછા ફર્યા.

માર્ગમાં ભોગાવો નદીના કિનારે આવેલા વર્ધમાનપુરા (વર્તમાન વઢવાણ) ખાતે જયસિંહે રાણકદેવીને પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત રાણકદેવીએ જયસિંહને શાપ આપ્યો કે તે નિ:સંતાન મૃત્યુ પામશે. રાણકદેવી રાખેંગાર પછળ સતી થયાં. તેમનો શાપ પૂરો થયો અને જયસિંહ નિ:સંતાન મૃત્યુ પામ્યા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj