તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો ત્યારથી આજ સુધીમાં શું કર્યુ? શાળા સંચાલકોને મુખ્યમંત્રીનો ઠપકો

Gujarat | Rajkot | 12 June, 2024 | 05:33 PM
રાજકોટથી દોડેલા મહામંડળના હોદ્દેદારોએ સીલ ખોલવાનો રસ્તો કાઢી આપવા વિનંતી કરી : ભુપેન્દ્રભાઇ પટેલે જવાબદારી યાદ કરાવી : મુદ્દતમાં એનઓસીને પાત્ર બની જવા સલાહ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 12
મહાનગરમાં ફાયર સેફટી અને બીયુના નિયમોનો અમલ કરાવવા મનપા દ્વારા એક અઠવાડિયાથી કડક સીલીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગઇકાલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ ગાંધીનગર ખાતે મિલ્કતોના સીલ  ઝડપભેર ખુલે તેવો રસ્તો કાઢવા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. મુખ્યમંત્રીએ જાહેર હિતમાં યોગ્ય છુટછાટની ખાતરી તો આપી હતી. પરંતુ સુરતના તક્ષશીલા બિલ્ડીંગમાં અગ્નિકાંડ સર્જાયો ત્યારથી અત્યાર સુધીમાં શાળા સંચાલકોએ નિયમના પાલન માટે કેમ કંઇ ન કર્યુ તેવો પણ સવાલ કરતા આગેવાનોના પગ ધ્રુજી ગયાનું જાણવા મળ્યું છે. 

મંગળવારે શહેર ભાજપ અને મનપા પદાધિકારીઓની ટીમ આ કામગીરી મામલે અને સીલ ખોલવાના હળવા નિયમ આપવાની રજૂઆત સાથે મુખ્યમંત્રીને મળ્યા હતા. આ બાદ રાજકોટથી પહોંચેલા શાળા સંચાલક મહામંડળે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. 

આ સ્થિતિ અને રાજકોટમાં થતી કામગીરી અંગેની રજુઆત મુખ્યપ્રધાને શાંતિથી સાંભળી હતી. શાળા સંચાલકોએ  એવી ફરિયાદ કરી હતી કે ર019ના ફાયર સેફટી નિયમ મુજબ શાળાઓએ એનઓસી મેળવ્યા છે. તે બાદ ર0ર3માં આવેલા કાયદા અંગે તેમને કોઇ પત્ર કે નોટીસથી જાણ કરવામાં આવી નથી.

હવે અગ્નિકાંડની ઘટના બાદ તેમની સામે  આડેધડ પગલા લેવામાં આવી રહ્યા છે. શાળા ખોલવાની તૈયારી છે ત્યારે સંચાલકો અને વાલીઓ પણ ચિંતામાં મૂકાઇ ગયા છે. અનેક જગ્યાએ કોર્પો.ના નિયમનું પાલન કરવામાં આવ્યું હોવા છતાં સીલ મારી દેવામાં આવ્યા છે. અનેક શાળાઓએ ઇમ્પેકટ ફી યોજના હેઠળ અનઅધિકૃત બાંધકામ મંજૂર કરવા ટીપી શાખામાં ફાઇલ પણ મૂકી છે. સેલ્ફ ડેકલેરેશનની પ્રક્રિયા હવે માન્ય રાખવામાં આવતી નથી.

સીલની કાર્યવાહી વખતે કોઇ પુરાવા ધ્યાન પર લેવામાં આવતા નથી. એનઓસી અને બીયુપી માટે અરજી કરી હોય તો પણ સીલ મારી દેવામાં આવ્યા છે. વર્ષો જુની શાળાઓ કે જયાં જીડીસીઆરના અમલ પૂર્વે બાંધકામ થયા છે ત્યાં કઇ રીતે નિયમો પાળવા તેવી વાત પણ મૂકી હતી. 

દરમ્યાન મુખ્યમંત્રીએ યોગ્ય સહકારની ખાતરી આપવા સાથે એવું કહ્યું હતું કે મિલ્કતોના સીલ ખોલવા કોઇ છુટછાટ આપવામાં આવે તો પણ નિયમોનું પાલન તો સૌએ કરવાનું જ છે. સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડની ઘટના બની હતી.

આ બાદ સરકારે તમામ શહેરો અને શૈક્ષણિક સંસ્થાઓને નિયમ પાલન માટે તાકીદ કરીને મુદ્દત આપી હતી. તો આજ સુધી શાળા સંચાલકોએ નિયમોની અમલવારી અને ફાયર એનઓસી લેવા કે રીન્યુ કરવા માટે કેમ ગંભીરતાથી કોઇ કાર્યવાહી કરી નથી? શાળા બિલ્ડીંગ સલામત રાખવું એ સંચાલકોની પહેલી જવાબદારી છે. 

આ છુટછાટ માટે શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ નિયમોના પાલનમાં હવે કોઇ બાંધછોડ કરવામાં નહીં આવે. ઇમ્પેકટ યોજના હેઠળ ભલે કોઇ લાભ મળવાને પાત્ર હોય  પરંતુ હવે કોઇ ગેરકાયદે બાંધકામ ન થાય અને એનઓસી મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાની તાકીદ પણ મુખ્યમંત્રીએ કરી હતી.

► બંગલો અને સ્કુલના બાંધકામના નિયમોમાં ફર્ક હોય છે : કમિશ્નર
જીડીસીઆરની ચર્ચા કરતા સંચાલકોને કાયદો સમજાવતા દેસાઇ

રાજકોટમાં આવતીકાલથી શાળાઓ ખોલવા અંગે ચાલતી દ્વિધા વચ્ચે આજે પણ અમુક શાળા સંચાલકો કમિશ્નરને મળવા પહોંચ્યા હતા. ગઇકાલે રજૂઆત વચ્ચે કમિશ્નરે સહકાર આપવાની વાત કરવા સાથે સંચાલક આગેવાનોને બાંધકામ અંગેના નિયમો પણ યાદ કરાવ્યા હતા. 

રહેણાંકમાં પ્રિ-સ્કુલ ચલાવવાના નિયમ અમુક સંચાલકોએ કમિશ્નરને યાદ કરાવ્યા હતા. આ સમયે કમિશ્નરે કહ્યું હતું કે બંગલામાં રહેવાનું હોય અને સ્કુલ ચલાવવાની હોય ત્યારે નિયમો બદલાઇ જાય છે. પાર્કિંગ સહિતની સુવિધા પણ ધ્યાને લેવાની હોય છે.

આ અંગેની ચર્ચા ખુબ લાંબી થઇ શકે, એટલે હાલ નિયમોની અમલવારીમાં સરળતા અંગે માર્ગદર્શન આવે તેની રાહ જોવી વધુ યોગ્ય છે. આ સમયે અમુક સંચાલકો કે જેઓ નિયમનું પુરૂ પાલન થતું નથી તેવું  યાદ રાખીને વિનંતીના સૂરમાં વાત કરવાનું શરૂ કરી દીધુ હતું!

► વધુ 25 એકમ સીલ : 71 મિલ્કત ખોલવા શરતી મંજૂરી
ફાયર સાધનો મૂકવા અને ગેરકાયદે બાંધકામ હટાવવા આવેલી તમામ અરજી મંજૂર કરી દેતી મનપાની ખાસ કમીટી
રાજકોટમાં ફાયર સેફટી અને બીયુ વગરની મિલ્કતો સીલ કરવા મનપાની ઝુંબેશ ચાલુ રહી છે. ગઇકાલે તા.11ના રોજ 74 એકમોની અલગ અલગ વોર્ડમાં ચકાસણી કરવામાં આવી હતી અને વધુ 25 એકમો સીલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ રાત્રે 10-10 વાગ્યા સુધી શરતોને આધીન મિલ્કતો ખોલવા દેવા મનપામાં અધિકારીઓની ટીમ બેસી રહે છે. 

ગઇકાલે ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ મામલે 74 એકમોની ચકાસણી કરીને જયાં નિયમોનો ભંગ થતો હતો તે રપ સંકુલો સીલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સીલ કરાયેલા એકમો ખોલવા માટે કુલ 71 અરજીઓ આવી હતી. જે તમામ શરતોને આધીન મંજુર કરવામાં આવેલ છે. દરરોજ સાંજે મળતી ત્રણ ડે.કમિશ્નર, ફાયર ઓફિસર અને ટીપીઓની કમીટીની મીટીંગમાં રીવ્યુ બાદ જીએડી વિભાગ આ મંજૂરી આપે છે. 

ગેરકાયદે દબાણ કે માર્જીનનું બાંધકામ દુર કરવા, ફાયર સિસ્ટમ મુકવા, રીપેર કરવા, છત ઉપરથી ડોમ દુર કરવા, બેઝમેન્ટમાંથી દબાણ દુર કરવા માટે જ આ સીલ ખોલી આપવામાં આવે છે. દરમ્યાન જીએડી વિભાગમાં મુકાયેલા મેનેજર કૌશિક ઉનાવા પર સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગના કામનું ભારણ હોય તેમને આ કામગીરીમાંથી મુકત કરાયા છે અને તેમની જગ્યાએ જીએડીની આ કામગીરીનો હવાલો વત્સલ પટેલને સોંપવામાં આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj