વર્ષો બાદ રાજકોટની જનતાને મળ્યું તળાવ સાથેનું નવું પર્યટન સ્થળ : પૈસા વસુલ થયાની લાગણી સાથે ટીકીટબારી પર રાત્રી સુધી લાઇનો

અટલ સરોવરે પહેલા દિવસે જ ‘મેળો’ : 10 હજાર લોકો ઉમટી પડયા

Saurashtra | Rajkot | 02 May, 2024 | 05:32 PM
તળાવમાં લેસર શો અને સંગીત સાથે નગરજનો ઝુમી ઉઠયા : રોજ પ્રવેશનો સમય સવારે 6 થી રાત્રે 11 : 600 કાર અને 1000 સ્કુટર માટે પાર્કિંગ શરૂ થશે : વિશાળ બીઆરટીએસ સ્ટોપ પણ ગેટ પાસે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 2
ન્યુ રાજકોટમાં રૈયા સ્માર્ટ સીટી ખાતે 136 કરોડના ખર્ચે મહાપાલિકા દ્વારા નિર્માણ પામેલા અને ખાનગી કંપનીને સંચાલન માટે સોંપવામાં આવેલા અટલ સરોવરને ગઇકાલે ગુજરાત સ્થાપના દિને લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવતા જ પ્રથમ દિવસે શહેરની ભાગોળે આવેલા આ નવા પીકનીક પોઇન્ટ પર મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. મનપા અને કંપનીની ધારણાથી વધુ એટલે કે 10 હજાર જેટલા મુલાકાતીઓ ટીકીટ લઇને અટલ સરોવરમાં પહોંચ્યા હતા અને સાંજથી માંડી રાત્રી સુધી મોજ કરી હતી. 

અટલ સરોવર વિસ્તારમાં હજુ જુદી જુદી રાઇડસ સાથેનું એમ્યુઝમેન્ટ પાર્ક થોડા દિવસ બાદ શરૂ થવાનું છે. પરંતુ  તળાવ ફરતેના રમણીય સ્થળે ફરીને પણ લોકોને મોજ પડી ગઇ હતી. આ પ્રોજેકટ માટે થયેલા કરોડોના ખર્ચથી માંડી સામાન્ય ટીકીટના ખર્ચ પણ વસુલ થઇ ગયાની લાગણી રંગીલા રાજકોટના લોકોએ વ્યકત કરી હતી. આ બાદ રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલા લેસર શોથી ચીચીયારી ગુંજી ઉઠી હતી. યુવાધન ગરબે રમ્યું હતું. ડી.જે.ના તાલે નૃત્ય કર્યા હતા અને સેલ્ફી લેવા પણ હરીફાઇ કરી હતી. 

મહાપાલિકા અને એજન્સીમાં થયેલી સત્તાવાર નોંધ મુજબ પ્રથમ દિવસે સાંજથી રાત્રી સુધીમાં ટીકીટ સાથે 10 હજાર જેટલા મુલાકાતીએ અટલ સરોવરમાં પ્રવેશ મેળવ્યો હતો. આ જગ્યાએ લોકોને પ્રવેશ માટેનો સમય સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધીનો નકકી કરવામાં આવ્યો છે. સવારે મોર્નિંગ વોક, જોગીંગ, સાયકલ ટ્રેક, ગાર્ડન સહિતની સુવિધાનો લોકોને લાભ મળવાનો છે. 

ગઇકાલે મુખ્ય રોડ પર મોટર કાર સહિતના વાહનોના ઢગલા હતા. પાર્કિંગની વ્યવસ્થા પ્રથમ દિવસે પૂરી પડી ન હતી. પરંતુ રસ્તાનું સામાન્ય ટચીંગ કામ પુરૂ થાય એટલે 600 મોટર અને 1000 સ્કુટર રાખવાનું પાર્કિંગ ઉપલબ્ધ થઇ જશે તેમ પણ મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું. અટલ સરોવરને કનેકટ જ બીઆરટીએસના વિશાળ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. રાત્રે લોકો લેસર શો બાદ એક સાથે બહાર નીકળે એટલે થનારી ભીડને ધ્યાનમાં રાખીને  બસ સ્ટોપની સાઇઝ વિસ્તારવામાં આવી છે. 

મહાનગરમાં રેસકોર્સ બાદ સંપૂર્ણપણે પીકનીક પોઇન્ટ જેવું આ નવા રેસકોર્સ જેવું નઝરાણું મળ્યું છે. હવેનું તમામ સંચાલન કંપની કરવાની છે. પરંતુ આ જગ્યાએ કોઇ સુવિધા ન ઘટે, લોકો નિરાંતે ફરી શકે, કોઇ પણ પ્રકારના ભાવમાં લુંટફાટ ન થાય તેના પર મનપાનું સુપરવિઝન જરૂર રહેવાનું છે. 

રૈયા ટીપી સ્કીમ નં. 3રમાં સ્માર્ટ સીટી અંતર્ગત બનેલા અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી.છે.જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. આશરે 136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવરમાં એજન્સી દ્વારા 15 વર્ષ સુધી નિભાવ મરામતની જવાબદારી રહેશે.જેમાં, બોટીંગ, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઈકલ ટ્રેક, ર્પાકિંગ એરિયા, વોક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઈન, ફેરીસવ્હીલ, એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે.

આ તળાવમાં અંદાજે 477 મીલીયન લીટર પાણીનો સંગ્રહ થશે. અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ ર,93,4પ7 ચો.મી. છે. જેમાં વોટર બોડી 9ર837 ચો.મી. વિસ્તારમાં છે. આ વિસ્તારમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની સુવિધા સાથે ગ્રામ હાટ માટે કુલ 4ર દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે ફલેગ પોલ પૈકી એકની ઉંચાઇ ગુજરાતમાં સૌથી ઉંચી 70 મીટરની છે. આ તિરંગો ખુલ્લા આકાશમાં ખુબ ઉપરથી લહેરાતો હોય તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

વૃધ્ધાશ્રમના વડીલોના આશિર્વાદથી  અટલ સરોવર લોકો માટે ખુલ્લુ મૂકાયું
અનાથ આશ્રમના બાળકોને પણ મહેમાન બનવાની મળી તક
રાજકોટ, તા. 2

સ્માર્ટ સીટીના અટલ સરોવરને ગઇકાલે જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ચૂંટણી આચારસંહિતાના કારણે કોઇ કાર્યક્રમ રાખી શકાયો ન હતો. પરંતુ અનાથ આશ્રમના બાળકો અને વૃધ્ધાશ્રમના વડીલોને મહેમાનની જેમ પહેલા પ્રવેશ આપીને કાર્યક્રમની ગરીમા વધારવામાં આવી હતી.

વડીલોના આશિર્વાદથી આ અટલ સરોવર લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ જગ્યાએ બાળકોથી માંડી વૃધ્ધો માટે નિરાંતે ફરવાની અને મનોરંજનની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત સ્થાપના દિને રાજકોટના આ નવા રમણીય પર્યટન સ્થળના પહેલા મહેમાન વડીલો બન્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj