જામનગર તા.10
જામનગરના જે વોર્ડમાં ભાજપ સામે વિરોધ પ્રદર્શન થયું હતું અને ચૂંટણી પ્રચારમાં વિઘ્નો ઉભા કરવામાં આવ્યા હતા તે પૈકીના મોટાભાગના વોર્ડમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને લીડ મળી હતી. એકમાત્ર વોર્ડ નં.2માં ભાજપને અઢી હજાર જેટલા મતની ખાદ્ય એટલે કે કોંગ્રેસને લીડ મળી છે. આનો મતલબ એ થયો કે ક્ષત્રિય સંસ્થાના ભાજપ વિરોધી આંદોલનની આગ ભાજપને દઝાડી શકી ન હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલાઓ વિષે કરેલ વિવાદાસ્પદ નિવેદનથી રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આથી ભાજપ સામે આંદોલન શરૂ થયું હતું. વિવાદની જડ રૂપાલાને હિસાબે રાજકોટની બેઠક હતી પરંતુ તેનો રોષ ગમે તે કારણે જામનગરની બેઠક ઉપર વધુ ઉતર્યો હતો જેને લીધે જામનગરની બેઠક ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઇ હતી.
જામનગર લોકસભા બેઠકના કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જામનગર શહેર ઉપરાંત જામખંભાળિયામાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમ્યાન આંદોલનકારીઓએ ભારે દેખાવ કર્યા હતા. સૌથી વધુ વિરોધ પ્રર્દશન જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં થયું હતું કેમ કે, આ વિસ્તારમાં રાજપુત સમાજના મતદારોની નોંધપાત્ર વસ્તી છે. વોર્ડ નં.2, 3, 4, 5, 6, 10 અને વોર્ડ નં.11માં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પરિણામે આ વોર્ડમાં ભાજપને ઓછા મત મળવાની કે, ખાધ રહેવાની આશંકા સેવાઇ રહી હતી પરંતુ મતગણત્રીને પગલે જે ચિત્ર સામે આવ્યું તેના ઉપરથી એવુ લાગે છે કે, રાજપુત આંદોલનની ખાસ અસર દેખાઇ નથી કેમ કે, 2014 અને 2019ની માફક આ વખતે પણ તમામ સાતેય વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને સરસાઇ મળી છે. 2019ની સરખમાણીએ જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં ભાજપની સરસાઇમાં 14,500 જેટલા મતનો ઘટાડો થયો છે. જામનગર દક્ષિણ બેઠક ઉપર 2019 જેટલા જ મતની લીડ મળી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભામાં ખુરશીઓ ઉડી હતી તે પછી ભાજપે જે પ્રમાણે ડેમેજ કંટ્રોલ કર્યુ તેને લીધે અહીંની લીડમાં વધારો થયો હતો.
કાલાવડ વિધાનસભામાં 2019માં 5260 મતની લીડ હતી જે આ વખતે 10 હજાર ઉપર નોંધાઇ હતી. જામજોધપુર વિધાનસભા બેઠકમાં પણ ભાજપને મોટી ખાધ મળશે તેવા કોંગ્રેસના દાવા અને ભાજપના જ કેટલાક આગેવાનોના અંદેશા ખોટા પડયા હતા. આ જ રીતે જામનગર ગ્રામ્યમાં પણ ખાધ રહેવાની જોરશોરથી ચર્ચા ઉઠી હતી જેનો પણ પરિણામ બાદ છેદ ઉડી ગયો છે.
એકંદરે જોઇએ તો જામનગર ઉત્તરના માત્ર વોર્ડ નં.2માં ભાજપને લીડને બદલે અઢી હજાર જેટલા મતની ખાધ મળી છે. જયારે વોર્ડ નં.3, 4, 5, 6 અને 11માં નોંધપાત્ર લીડ મળી છે. દ્વારકા વિધાનસભા બેઠકમાં ભૂતકાળમાં કયારેય કોઇને ન મળી હોય તેટલી જંગી લીડ આ વખતે ભાજપને મળી છે. 60 હજારની લીડની કલ્પના ભાગ્યે જ કોઇએ કરી હશે. અહીં થી 40 હજારથી વધુની લીડ ભૂતકાળમાં મળી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy