પૂરા રાજકોટમાં સીલીંગ ઝુંબેશ કરનાર મ્યુનિ. કોર્પોરેશન કચેરીમાં જ અંધારૂ : પહેલી વખત અધિકારીઓએ ‘ઘર’માં તપાસ કરી!

મુખ્ય કચેરી સહિત કોર્પોરેશનની 136 મિલ્કતોમાં ફાયર સેફટી નિયમોનો ઉલાળીયો : રીપોર્ટ રજૂ

Saurashtra | Rajkot | 13 June, 2024 | 05:30 PM
કમિશ્નરે 680 સંકુલોનો સર્વે કરાવ્યો : ઝોન ઓફિસ, દવાખાના, કોમ્યુનિટી હોલ સહિતના સ્થળોએ ફાયર એનઓસી પ્રક્રિયા અનિવાર્ય : હવે સાધનોની ખરીદી માટે ટેન્ડર કરાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 13
પૂરા રાજકોટ શહેરમાં ફાયર સેફટી મામલે સૌથી મોટી ચેકીંગ ડ્રાઇવ મહાપાલિકાએ કરી છે અને ફાયર સેફટી, બીયુ કે એનઓસી વગરની સેંકડો મિલ્કતને સીલ માર્યા છે. આ સાથે જ ગત સપ્તાહે કમિશ્નર દેવાંગ દેસાઇએ મનપા કચેરીઓમાં ફાયર સેફટી અંગે સર્વેનું કામ ત્રણે ઝોનના સીટી ઇજનેર સહિતના અધિકારીઓની ટીમને સોંપ્યુ હતું જેના પ્રાથમિક રીપોર્ટમાં હાલ કુલ 680 પૈકી કોર્પો.ની 136 જેટલી મિલ્કતમાં ફાયરના સાધનો, એનઓસી લેવાની જરૂર હોવાનું નોંધવામાં આવ્યું છે. 

આ રીપોર્ટ કમિશ્નરના ટેબલ પર મુકવામાં આવ્યો છે. જયાં ફાયર એનઓસીની જરૂર હોય ત્યાં સાધનોની ખરીદી સહિતની પ્રક્રિયા પહેલી વખત કરવી પડે તેમ છે. આથી થોડા દિવસો બાદ સાધનોની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

મહાનગરમાં શાળા, હોસ્પિટલ, મોલ, કલાસીસ, શોપીંગ કોમ્પ્લેક્ષ, ઓડીટોરીયમ, સિનેમા સહિતની મિલ્કતોની સઘન ચકાસણી મહાપાલિકાએ કરી છે. હવે આ ઝુંબેશ સામે શાળા સંચાલકોએ વેકેશન ખુલવાના કારણે રજુઆત કરતા આજથી સોગંદનામાના આધારે સીલ ખોલવા મંજૂરી આપવામાં આવી છે.

તો બીજી તરફ પૂરા શહેરમાં ફાયર સેફટીનું ચેકીંગ કરતી કોર્પોરેશન કચેરીમાં કયાં કયાં પૂરતી ફાયર સેફટી છે અને કયાં જરૂર છે તે અંગે કમિશ્નરે ઇજનેરો પાસે સર્વે કરાવ્યો છે. ગત સપ્તાહે સીટી ઇજનેરથી માંડી વોર્ડના અધિકારીઓની ટીમ દ્વારા આ સર્વે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ફાયર વિભાગની ટીમ પણ જોડાઇ હતી. 

કોર્પો. હસ્તક ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ, ઓડીટોરીયમ, દવાખાના, શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ, હાઇસ્કુલ, જુદા જુદા પમ્પીંગ સ્ટેશન સહિતની કચેરીઓ આવેલી છે. વોટર વર્કસ પ્લાન્ટ જેવી જગ્યાઓ તો પ્રતિબંધિત હોય છે. આ તમામ મિલ્કતોનો સર્વે કરવામાં આવ્યો છે.

સમિતિની શાળાઓમાં સર્વેની કામગીરી આચાર્યો મારફત થઇ રહી છે. તે સિવાયના તમામ રીપોર્ટ આવી જતા 136 જગ્યાએ ફાયર એનઓસીની જરૂર હોવાનો રીપોર્ટ છે. ખુદ મ્યુનિ. કમિશ્નર, ડે.કમિશનર, ફાયર ઓફિસર બેસે છે તે અને પદાધિકારીઓ બેસે છે તે સેન્ટ્રલ ઝોન કચેરીમાં પણ  ફાયર સેફટીના નિયમોનો અમલ થતો નહીં હોવાનું બહાર આવ્યું છે. 

કોર્પોરેશનના ઢેબર રોડ, ભાવનગર રોડ, 150 ફુટ રોડ પરના  ત્રણે ઝોન બિલ્ડીંગ, આરોગ્ય વિભાગ હેઠળ ચાલતા ર1 જેટલા દવાખાના, જુદા જુદા વોર્ડમાં આવેલા લગ્ન હોલ, વિશાળ ઓડીટોરીયમ, ફાયર વિભાગ હેઠળની મિલ્કતો સહિતની જગ્યાએ સલામતીના સાધનો મૂકીને ફાયર એનઓસી લેવાની આવશ્યકતા હોવાનું સીટી ઇજનેરોએ જણાવ્યું હતું. 

આ પ્રાથમિક રીપોર્ટ કમિશ્નર પાસે મૂકવામાં આવ્યો છે. શહેરમાં એનઓસી કે સાધનો વગરની શાળા, હોસ્પિટલ, મોલ, કોમ્પ્લેક્ષ સહિતની મિલ્કતો મનપાએ રેકોર્ડ સંખ્યામાં સીલ કરી છે. પરંતુ કોર્પો.ના પોતાના બિલ્ડીંગમાં જ ફાયર સેફટીના નિયમોનો અમલ નહીં થયાનું પ્રથમ વખત બહાર આવ્યું છે.

આથી હવે 136 જેટલી જગ્યામાં સાધનો મૂકવા તુરંતમાં કાર્યવાહી કરાશે. આ માટે ખરીદીની ટેન્ડર પ્રક્રિયાની ફાઇલ ઉભી કરવા પણ કમિશ્નરે સૂચના આપી છે.  આજે કોંગ્રેસે બેદરકારી બદલ અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી કરી છે ત્યારે પ્રથમ વખત રેકોર્ડ પર મનપા કચેરીઓમાં પણ સુરક્ષાના નિયમોના અમલમાં બેદરકારી દેખાઇ છે.

► ફાયર સેફટી વગરની મનપા કચેરીના અધિકારીઓને નોટીસ ફટકારો 
પૂરા શહેરમાં ઝુંબેશ ચાલુ છે ત્યારે કોર્પો.ને જ સીલ મારવા કોંગ્રેસની માંગ : અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર સામે કેમ પગલા નહીં? અતુલ રાજાણીનો તંત્રને સવાલ

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથુ થઇ ગયાની ભયાનક દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફાયર સેફટીનું ચેકીંગ શરૂ કરીને હાલ સુધીમાં 600થી વધુ મિલ્કતોને ફાયર એનઓસી નહીં હોવા બદલ સીલ કરાઇ છે.

જે કામગીરી અભિનંદનને પાત્ર છે અને આ કામગીરી બદલ નવનિયુકત મ્યુનિ. કમિશ્નર દેવેન્દ્ર દેસાઇને શહેર કોંગ્રેસ સમિતિએ અભિનંદન પાઠવી રજુઆત કરી છે કે ફાયર સેફટીના સાધનો વગરના અને ફાયર એનઓસી વગરના કોર્પોરેશનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે.

કમિશ્નર દેવેન્દ્ર દેસાઇને પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદ્દેદારોએ આજે લેખિત રજુઆત કરી છે કે કોર્પોરેશનની  વોર્ડ ઓફીસો, ઝોનલ ઓફિસો, સિવિક સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો, શિક્ષણ સમિતિ અને માધ્યમિક શિક્ષણ સમિતિની  શાળાઓ સહિતની કોર્પોરેશનની 600થી વધુ મિલ્કતો-સંકુલોમાં ફાયર સેફટીના સાધનો કે ફાયર એનઓસી નથી આ બદલ જવાબદાર અધિકારીઓ અને ઇજનેરોને નોટીસ આપી કચેરીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો સીલ કરવા જોઇએ.

પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદ્દેદારોએ ડે.મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી કરેલી રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની તપાસમાં હાલ સુધીમાં અનેક અધિકારીઓ  અને ઇજનેરોની બદલી થઇ છે તેમજ અમુકને સસ્પેન્ડ કરાયા છે પરંતુ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાંચના વડા એવા ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેરને કેમ સસ્પેન્ડ કરાયા નથી ? શું બ્રાંચ હેડ તરીકે તેમની કોઇ જવાબદારી નથી ? આ મામલે  જાહેર જનતા જોગ કમિશ્નર સ્પષ્ટતા કરે કે ચીફ ફાયર ઓફીસર સામે કોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરાતી નથી.

આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે કે, શહેરમાં અનેક મિલ્કતો અને સંકુલો ફાયર એનઓસી મામલે સીલ કરાયા બાદ હવે ફાયર સેફટીના સાધનો ખરીદવા બહોળી સંખ્યામાં લોકો ઉમટયા છે અને શહેરમાં ફાયર સેફટીના સાધનો વેંચતા દુકાનદારો મોઢે માંગ્યા ભાવ પડાવી રહ્યા છે.

ફાયર સેફટીના સાધનોના કાળા બજાર થવા લાગ્યા છે. ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરનાર સર્વિસ પ્રોવાઇડર્સની સંખ્યા પણ મર્યાદિત છે અને તેઓ પણ લોકોને લુંટી રહ્યા છે આથી કોર્પોરેશન તેમના ઉપર દરોડા કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

આ રજુઆત સમયે ડો.હેમાંગ વસાવડા, મેઘજીભાઇ રાઠોડ, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, સુરેશભાઇ બથવાર,  નાગજીભાઇ વિરાણી, ગોપાલભાઇ મોરવાડીયા, સંજય લાખાણી, દિલીપભાઇ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, સલીમભાઇ, કૃષ્ણદત્ત રાવલ વગેરે જોડાયા હતા. 

► મ્યુનિ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન સહિતની કચેરીઓમાં જ ફાયર સેફટીના નિયમોનો પૂરો અમલ નહીં થતો હોવાનું આજે ખુદ અધિકારીઓના રીપોર્ટ પરથી બહાર આવ્યું છે. ઢેબર રોડ કચેરીના ત્રણ માળમાં અમુક જગ્યાએ શોપીસની જેમ સીલીન્ડર પડયા છે. કમિશ્નર, ડે.કમિશ્નર લોબીમાં પણ સાધનો અપૂરતા હોવાનો રીપોર્ટ છે તો ચૂંટાયેલી પાંખમાં  તો આ નિયમો જાણે લાગુ જ થતા ન હોય તેવું ચિત્ર લાગે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj