રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિશ્વ યોગદિનની શાનદાર ઉજવણી

તન-મનને સ્વસ્થ રાખવા યોગ જરૂરી : ઠેર ઠેર યોગાસનના કાર્યક્રમો યોજાયા

Saurashtra | Rajkot | 21 June, 2024 | 11:39 AM
♦ પ્રાચીન યોગ વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે : સાંસદ પરસોતમભાઇ રૂપાલા
સાંજ સમાચાર

♦ રાજયમાં યોગ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે રાજય યોગ બોર્ડની સ્થાપના કરાઇ : પ્રવીણાબેન રંગાણી

 

♦ અમરેલી, રાજુલા, ગોંડલ, વેરાવળ, દ્રોણેશ્વરધામ સહિત અન્ય સ્થળો પર યોગ કરાયા

રાજકોટ, તા.21
આજે વિશ્વભરમાં વિશ્વ યોગ દિનની ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા યોગના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
રાજકોટ જીલ્લાનો કાર્યક્રમ ઉપલેટા ખાતે યોજવામાં આવેલ હતો. 

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આજે ઉપલેટા ખાતે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અહીંની મામલતદાર કચેરી પાસે તાલુકા શાળાના મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજારથી વધુ લોકો જોડાયા હતા અને યોગમય બન્યા હતા. રાજ્ય યોગબોર્ડના પ્રશિક્ષિત શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે સર્વને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા.

આ તકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભારતની ગૌરવશાળી પરંપરા યોગવિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયો, તેના કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવવાનું શરુ થયું તે ગૌરવની વાત છે. આ પ્રાચીન વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે. 

જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમના તાલુકા સ્તરે કરેલા આયોજનને સાંસદશ્રીએ બિરદાવ્યું હતું. આ સાથે નવી પેઢી વધુમાં વધુ યોગવિદ્યા સાથે જોડાઈને સ્વસ્થ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી. 

આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. તેને વિશ્વસ્તરે પહોચાડવા વર્ષ 2014માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવા યુ.એન.માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારથી દર વર્ષે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં યોગ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, આ સાથે ખેલ મહાકુંભમાં પણ યોગને આવરી લેવામાં આવ્યો છે. વર્ષ 2024ની યોગ દિવસની થીમ ‘સ્વયં, સમાજ માટે યોગ’ નક્કી કરવામાં આવી છે અને ગામથી લઈને મહાનગરો સુધી યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે યોગને રોજિંદા જીવનમાં અપનાવવાની અપીલ પણ તેમણે કરી હતી. 

ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાએ સંબોધનમાં કહ્યું હતું કે, આધુનિક જીવનશૈલીના કારણે આજે લોકો શારીરિક, માનસિક, સામાજિક સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, બાળકો યુવાનોમાં મોબાઈલ જેવા ગેજેટના ઉપયોગથી તનાવ વધ્યો છે, ત્યારે શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગ એકમાત્ર ઉપાય છે. યોગ એ શરીર, મન અને આત્માને જોડવાની અનોખી પ્રાચીન પધ્ધતિ છે. હજજારો વર્ષ પહેલાં ઋષિ પતંજલિએ યોગસૂત્રમાં યોગના જ્ઞાનને રજૂ કર્યું છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે યોગ કરવા પર તેમણે ભાર મુક્યો હતો. 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉદબોધનનું અહીં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, ઉપલેટા પ્રાંત અધિકારી જે. એન. લીખિયા, ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણી, અગ્રણી અલ્પેશ ઢોલરિયા તથા રવિ માંકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

અમરેલી
અમરેલી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને  જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિન પૂર્વે પ્રિઇવેન્ટ-યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. 

જિલ્લાના બાબરા, ભુરખીયા હનુમાન મંદિર, ધારી-આંબરડી સફારી પાર્ક, ઔદ્યોગિક વિસ્તારોના ખાનગી એકમો, શાળા-કોલેજ, જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ-બલાણા, શિયાબેટ સહિતના સ્થળો પર યોગાસન થયા હતા. વિદ્યાર્થીઓ મહાનુભાવો નાગરિકો સહિતના જોડાયા હતા. 

વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય ધામ એવા દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોગની પૂર્વ સંધ્યાએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી્
દ્રોણેશ્વર ખાતે આવેલાં સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે દ્રોણેશ્વરની સામે આવેલ ડેમ સાઈટ ખાતે આવેલ હનુમાનજીના મંદિર ખાતે અને ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા પથ્થરો ઉપર યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયાં હતાં.

વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂકુળમાં યોગ લખેલી મુદ્રાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને દ્વારા વિવિધ યોગ મુદ્રાઓ કરીને યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગ કરીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જેના ભાગરૂપે અનોખી રીતે યોગ કરીને નાગરિકોને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો.

જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે. નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે તે માટે સ્વંય અને સમાજ માટે યોગની થીમ સાથે 10માં "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણી કરવા માટે જિલ્લાના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ સિવાય ચોપાટી ખાતે આદ્રી બીચ, જમજીર ધોધ સહિતની જાણીતી અને પ્રખ્યાત જગ્યાઓએ પણ યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જ્યાં નાગરિક સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાશે.

ગોંડલ
21 જૂન દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગોંડલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા ની અધ્યક્ષતામાં ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધોળકિયા ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ વિશે નૃત્ય કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ જનમેદની વચ્ચે ગોકુલ નેચર ક્યોર સેન્ટર - ગોમટા ના ટ્રેનરો દ્વારા સૌ પ્રથમ પ્રાર્થના કરી ત્યારબાદ યોગાના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા. આ તકે પ્રાંતઅધિકારી રાહુલ ગમારા, ઉઢજઙ કે.જી. ઝાલા, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, સીટી મામલતદાર ડી.ડી.ભટ્ટ, તાલુકા મામલતદાર આર.બી. ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ઉકવાલા, બ્લોક હેલ્થ ઓફિસર જી. પી. ગોયલ તેમજ રાજકીય આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, સામાજીક સંસ્થાના આગેવાનો, બ્રહ્માકુમારીઝના બહેનો, પોલીસ કર્મચારીઓ, નગર પાલિકા સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.

તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આશરે 1500 થી પણ વધુ યુવાનો, મહિલાઓ, વૃધ્ધો, બાળકો, વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નાયબ મામલતદાર મનીષભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj